
રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા અને તેના ભાઈ મગન ટીલાળાએ જમીન વિવાદમાં સગી બહેનને ધમકીઓ આપતાં ફસાયા છે. પારિવારિક જમીન વિવાદમાં ભાજપ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના સગી બહેનને પોલીસ ફાર્મ હાઉસમાંથી ઉઠાવી ગયા હતા, અને રાત્રી સુધી બેસાડી રાખ્યા હતા. જે બાદ ધારાસભ્ય રમેશ ટીલાળાને તેના ભાણેજે ફોન કર્યો હતો. સમગ્ર વિવાદમાં ધારાસભ્યના બહેને ભાઈ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
ભાણેજનું કોલ રેકોર્ડિંગ સમગ્ર મામલે વાયરલ
રાજકોટ જિલ્લાના શાપરમાં આવેલી 150 વિઘા જગ્યા કે જેની કિંમત આશરે 200 કરોડની રૂપિયા થાય છે તે સમગ્ર જમીનનો વિવાદ ગરમાયો છે. ધારાસભ્ય રમેશ ટીલાળા અને તેમના ભાણેજનું કોલ રેકોર્ડિંગ સમગ્ર મામલે વાયરલ થયું છે. ધારાસભ્ય રમેશ ટીલાળાએ તેમના ભાણેજને કહ્યું મને મેટરની કાંઈ જ ખબર નથી પરંતુ હવે આ બધું પતાવો તો સારૂ.
બહેનને પોલીસ લઈ ગઈ
હાલ આ ભાઈઓ અને બહેન વચ્ચે ઘણા સમયથી આ જમીન મામલે સિવિલ કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે છતાં પણ પોલીસે આ વિવાદમાં કોના કહેવાથી દરમ્યાનગિરી કરી તેવા સવાલો પેદા થયા છે. સવારે 10 વાગ્યે શાપર પોલીસ સ્ટેશનના કર્મીઓએ દયાબેન ટીલાળાને તેમના ફાર્મ હાઉસથી લઈ ગયા બાદ રાત્રે 9.30 વાગ્યે પોલીસ સ્ટેશનમાંથી છોડ્યા હતા.
ભાણેજે મામા પર શું કર્યા આક્ષેપ
ભાણેજે સમગ્ર વિવાદ મામલે કહ્યું કે મારી માતાને શાપર પોલીસ લઈ ગઈ હતી, મેં કહ્યું કે સીસીટીવી છે અને તપાસ કરો તમે જ ઉઠાવી ગયા છો. આ બધું કરવાવાળા મામા (મગન ટીલાળા) છે. અમારી માગ એ છે કે મારી માતાનો હક્ક અને હિસ્સો આપી દો. દયાબેને જમીનના ભાગ મામલે ગંભીર આરોપ લગાવ્યા હતા. દયાબેન ઊંધાડે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે તેઓ બાપુજીની જમીનમાં ભાગ નથી આપતા. 150 વીઘા જમીનમાં 9 ભાઈઓ- બહેન હિસ્સેદાર છે. જોકે હવે આ વિવાદ વધુ વકર્યો છે.