
Russia: રશિયાએ અમર્યાદિત રેન્જ ધરાવતી ‘બુરેવેસ્તનિક’નામની પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા દુનિયાભરમાં ખળભળાટ મચ્યો છે,સાથેજ ચિંતા પ્રસરી છે,આ મિસાઈલ મહિનાઓ સુધી આકાશમાં રહી શકે છે અને વિશ્વના કોઈપણ રડારમાં પકડાયા વગર જ્યાં ઈચ્છે ત્યાં સફળ ટાર્ગેટ કરી શકવાની ક્ષમતા ધરાવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને આ માહિતી આપતા કહ્યુંકે, બુરેવેસ્તનિક મિસાઇલે 14,000 કિલોમીટરની રેન્જમાં 15 કલાક સુધી ઉડાન ભરી હતી. આ સમય દરમિયાન,આ અદ્રશ્ય મિસાઇલ દુનિયાથી સંપૂર્ણપણે છુપાયેલી રહી હતી અને દુનિયાનું કોઈ રડાર તેને પકડી શક્યું નથી.
વિશ્વની કોઈપણ સંરક્ષણ પ્રણાલી તેને શોધી શકી નહીં
રવિવારે (26 ઓક્ટોબર) પુતિને રશિયા-યુક્રેન યુદ્ધભૂમિની મુલાકાત લીધી અને ફિલ્ડ કમાન્ડરો સાથે મુલાકાત કરી હતી.સૈનિકોને સંબોધતી વખતે પુતિને બુરેવેસ્તનિક ક્રુઝ મિસાઇલના સફળ પરીક્ષણ વિશે માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, રશિયાના ચીફ ઓફ ધ જનરલ સ્ટાફ (આર્મી ચીફ) વાલેરી ગેરાસિમોવે જાણકારી આપી હતી કે ગત તા.21 ઓક્ટોબરના રોજ મિસાઇલે 14,000 કિલોમીટર ઉડાન ભરી હતી અને વિશ્વની તમામ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને હરાવવાની તેની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.
આ મિસાઈલને વિશ્વની કોઈપણ સંરક્ષણ પ્રણાલી શોધી શકશે નહીં
વિશ્વના કોઈપણ દેશ પાસે અમર્યાદિત રેન્જ ધરાવતી બુરેવેસ્તનિક ક્રુઝ મિસાઈલ જેવું હથિયાર નથી,પુતિને વધુમાં જણાવ્યું હતું કે, ‘બુરેવેસ્તનિક ક્રુઝ મિસાઈલ એ પરમાણુ એન્જિન દ્વારા સંચાલિત થાય છે અને તેની રેન્જ અમર્યાદિત છે.’ આનો અર્થ એ છે કે આ મિસાઈલ વિશ્વના કોઈપણ ખૂણામાં પરમાણુ હથિયારો પહોંચાડવામાં સક્ષમ છે.
જોકે, રશિયાએ આ મિસાઈલ સંબંધિત કોઈ પુરાવા રજૂ કર્યા નથી.
9M730 બુરોવેસ્તનિક એક ગ્રાઉન્ડ લોન્ચ્ડ, લો-ફ્લાઈિંગ ક્રુઝ મિસાઇલ છે જે પરમાણુ શસ્ત્રો વહન કરી શકે છે અને પરમાણુ રિએક્ટર દ્વારા સંચાલિત છે. મિસાઈલની અમર્યાદિત રેન્જ એની અનોખી વિશેષતા છે. ન્યુક્લિયર થ્રેટ ઇનિશિયેટિવના અહેવાલ મુજબ, આ મિસાઇલ ઘણા દિવસો સુધી હવામાં રહી શકે છે અને ઓછી ઊંચાઈએ ઉડાન ભરીને રડાર સિસ્ટમથી બચી શકે છે.
50 થી 100 મીટરની ઊંચાઈએ ઉડતી વખતે, તે દુશ્મન માટે વર્ચ્યુઅલ રીતે અદ્રશ્ય રહે છે. નાટોએ તેને SSC-X-9 સ્કાયફોલ નામ આપ્યું છે.
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ (IISS) અનુસાર, આ મિસાઇલ 20,000 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે, એટલે કે રશિયાથી છોડવામાં આવેલી મિસાઇલ યુનાઇટેડ સ્ટેટ્સના કોઈપણ ભાગ સુધી પહોંચી શકે છે.
રિપોર્ટ અનુસાર, આ મિસાઇલ વોશિંગ્ટન, ન્યુ યોર્ક અને કેલિફોર્નિયા જેવા શહેરો સહિત સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સને નિશાન બનાવવામાં સક્ષમ છે.
જોકે,ઘણા પશ્ચિમી નિષ્ણાતોએ મિસાઇલની ક્ષમતાઓ પર સવાલો ઉઠાવ્યા છે. તેમનો દલીલ છે કે, આટલી લાંબી રેન્જ અને પરમાણુ સંચાલિત મિસાઇલ રેડિયેશનનું જોખમ ઊભું કરી શકે છે. વધુમાં, મિસાઇલની ધીમી ગતિ તેને સરળતાથી ટ્રેક કરી શકાય છે અને આ મિસાઇલના અગાઉ ઘણા પરીક્ષણ નિષ્ફળ રહયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે યુક્રેન સાથે રશિયાનું છેલ્લા 32 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે જે અટકાવવા યુનાઇટેડ સ્ટેટ્સ સહિત અનેક દેશોની મધ્યસ્થી છતાં યુદ્ધ બંધ થવાના કોઈ અણસાર દેખાતા નથી.
રશિયાએ અત્યારસુધીના યુદ્ધ દરમિયાન યુક્રેનના ડોનબાસ પ્રદેશ (ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ઝપોરિઝિયા અને ખેરસોન) પર વિજય મેળવ્યો છે અને યુક્રેનના લગભગ 20-25 ટકા ભાગ પર કબજો કરી લીધો છે.
તાજેતરમાં રશિયન સેનાએ યુક્રેનના સુમી અને ખારકીવ પ્રદેશોમાં પણ આગળ વધવાનું શરૂ કર્યું છે, અને રાજધાની કિવ પર મિસાઇલ હુમલા શરૂ કર્યા છે. છેલ્લા સાડા ત્રણ વર્ષમાં રશિયાએ યુક્રેનિયન લશ્કરી ઠેકાણાઓ પર અસંખ્ય મિસાઈલ દ્વારા હુમલો કર્યો છે.
આ પણ વાંચો:
Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા








