
- ઈડરના ચિત્રોડાના વાળીનાથ મહાદેવ મંદિરથી ગાંજો ઝડપાયો
- 11.36 લાખનો 113 કિલો ગાંજાનો જથ્થો જપ્ત
- મંદિરના મહંત સહિત બેની ધરપકડ
- પોલીસે આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા
Sabarkantha Crime: સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના ચિત્રોડાની સીમમાં આવેલા વાળીનાથ મહાદેવ મંદિર પાસેના ખેતરો અને રહેણાંક મકાનમાંથી જાદર પોલીસે લીલો અને સૂકો મળી 113 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડતા સમગ્ર જિલ્લામાં ખળભરાટ મચી ગયો છે. આ મામલે પોલીસે11.36 લાખનો મુદ્દામાલ કબજે લઈ મંદિરના મહંત સહિત એક શખ્સ મળી બે ઈસમો સામે એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ જાદર પોલીસને ગત બુધવારે રાત્રે બાતમી મળી હતી કે ઈડરના ચિત્રોડાની સીમના વાળીનાથ મહાદેવ મંદિર પાસે ગાંજાનું મોટાપાયે વાવેતર અને વેચાણ થાય છે આ બાતમી બાદ જાદરના પી.એસ.આઈ ગોહિલ સહિતની ટીમે રાત્રિના સુમારે સરકારી પંચોને સાથે રાખી બાતમીવાળા ઠેકાણા પર દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન મંદિરમાંથી બે શખ્સોના નામની બાતમી મળી હતી તે સંજય છબાભાઈ ભરવાડ અને ત્રિપાઠી વ્રજ બિહારી ચૌબે મળી આવ્યા હતા. આ બન્નેને સાથે રાખી પોલીસે મહંતના ભોગવટાવાળા બાજરીના ખેતરમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ખેતરમાંથી અને સેઢા પરથી મળી ગાંજાના 105 છોડ મળી આવ્યા હતા. જ્યારે બીજા સંજય ભરવાડના કબજાવાળામાં પપૈયાના ખેતરમાંથી લીલા ગાંજાના 42 છોડ મળી આવ્યા હતા પોલીસે આ બન્ને છોડનું વજન કરતા 112.120 કિલોગ્રામ જથ્થો થયો હતો.
બાદમાં મહંતની રહેણાંકના મકાનમાં તપાસ કરતા તેમાંથી એક મીણીયાની કોથળી મળી આવી હતી આ કોથળીમાંથી પણ સૂકા ગાંજાના છોડ અને ગાંજો મળી વધુ 1.560 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો એક સાથે માદક પદાર્થનો આટલો મોટો જથ્થો જોઈને પોલીસની ટીમ પણ ચોંકી ઉઠી હતી.

ત્યારબાદ પોલીસે રૂપિયા 11,36,800 ની કિંમતનો 113.680 કિલોગ્રામ જથ્થો જપ્ત કરી સંજય છબાભાઈ ભરવાડ (રહે.ચિત્રોડા) અને મહંત ત્રિપાઠી વ્રજ બિહારી ચૌબે (રહે.વાળીનાથ મહાદેવ મંદિર ચિત્રોડા) સામે એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જાદર પોલીસ મથકમાં નોંધાયેલ ગાંજાના જથ્થાની આ ફરિયાદ મામલે ઈડરના પી.આઈ ચેતનસિંહ રાઠોડને સોંપવામાં આવી છે જ્યારે પોલીસે બંને આરોપીઓને રિમાન્ડ મંજૂર કરવા ઈડર કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.
અહેવાલઃ ઉમંગ રાવલ
આ પણ વાંચોઃ
Japan Heavy Rain: જાપાનમાં વરસાદે અને વાવાઝોડાએ મચાવી તબાહી, બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી!
Gujarat Bridges Roads cost: છેલ્લાં 10 વર્ષમાં પુલ અને રસ્તાઓ પાછળ 1 લાખ કરોડનો ખર્ચ, છતાં હાલત ખરાબ
Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!








