
Panchmahal: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં લગ્ન નોંધણીના નામે મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. તલાટી પ્રવીણ પટેલે નાથકુવા, કંકોડાકોઈ, ભાણપુરા અને કણબી પાલ્લી ગ્રામ પંચાયતોમાં ફરજ દરમિયાન રૂપિયાની લાલચે ગેરકાયદેસર લગ્ન નોંધણીઓ કરી હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં મુસ્લિમ યુગલોના લગ્ન નોંધણી સહિત અન્ય જિલ્લાઓના દંપતીઓની નોંધણી પણ કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
ગામની વસતી કરતાં વધુ લગ્નોની નોંધણી
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, છેલ્લા એક વર્ષમાં નાથકુવામાં 111, કંકોડાકોઈમાં 250, ભાણપુરામાં 65 અને કણબી પાલ્લીમાં 151 લગ્ન નોંધણીઓ થઈ, જે ગામની વસતીની તુલનામાં અસામાન્ય રીતે વધુ છે. આ નોંધણીઓમાં અન્ય જિલ્લાના દંપતીઓનો પણ સમાવેશ છે, જે શંકાસ્પદ છે. તપાસ ટીમ હાલ આ તમામ નોંધણીઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે.આ કૌભાંડમાં તલાટી પ્રવીણ પટેલની મુખ્ય ભૂમિકા હોવાનું માનવામાં આવે છે, જેમણે નિયમોની અવગણના કરીને ખોટી નોંધણીઓ કરી હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી પર સવાલો
તપાસમાં જો ખોટી નોંધણીની હકીકત સાબિત થશે તો પ્રવીણ પટેલ સહિત સંડોવાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે.