
SIR Voter List Controversy: મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ એટલે કે SIRના ત્રીજા તબક્કા બાદ સામે આવેલા ડ્રાફ્ટ આંકડાઓને લઈને રાજકીય અને બંધારણીય ચર્ચા તેજ બની છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર ત્રીજા તબક્કામાં આવરી લેવાયેલા 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકસભા ચૂંટણી 2024ની સરખામણીએ ડ્રાફ્ટ મતદાર યાદીમાં મતદારોની સંખ્યામાં આશરે 15.7 ટકાનો ઘટાડો નોંધાયો છે. આટલા મોટા ઘટાડા પર ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરૈશીએ SIR પ્રક્રિયા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
એસવાય કુરૈશીએ SIRને ‘સ્કેમ’ ગણાવ્યું
ઓડિશા લિટરરી ફેસ્ટિવલ દરમિયાન વાતચીતમાં એસવાય કુરૈશીએ કહ્યું કે આટલી મોટી સંખ્યામાં મતદારોના નામ કૃત્રિમ પ્રક્રિયા દ્વારા દૂર થવું લોકશાહી માટે ચિંતાજનક છે. તેમણે વ્યક્તિગત મત વ્યક્ત કરતાં SIRને ‘સ્કેમ’ ગણાવ્યો અને કહ્યું કે લગભગ 15 ટકા વસ્તીના નામ આ રીતે મતદાર યાદીમાંથી દૂર કરવું ખતરનાક અને દુર્ભાવનાપૂર્ણ પગલું બની શકે છે.
કુરૈશીએ મતદાર યાદીના પુનરીક્ષણ દરમિયાન કોઈ ચોક્કસ સમુદાયને નિશાન બનાવવાની શક્યતા અંગે પણ ચિંતા વ્યક્ત કરી. ખાસ કરીને મુસ્લિમોને ‘બાંગ્લાદેશી ઘૂસણખોર’ તરીકે દર્શાવીને તેમના નામ મતદાર યાદીમાંથી બહાર ન કરવામાં આવે તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું. તેમના મતે મતદાન બંધારણ દ્વારા મળેલો અધિકાર છે અને તેને કોઈની કૃપા તરીકે જોવો જોઈએ નહીં.
17 રાજ્યોમાં 6.15 કરોડ નામ ડ્રાફ્ટ યાદીમાંથી દૂર
ચૂંટણી પંચના ડ્રાફ્ટ આંકડા પ્રમાણે લોકસભા ચૂંટણી 2024 દરમિયાન આ 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 35.50 કરોડ મતદારો હતા. SIRના ત્રીજા તબક્કા બાદ પ્રકાશિત ડ્રાફ્ટ યાદીમાં આ સંખ્યા ઘટીને આશરે 29.93 કરોડ થઈ છે.
આ રીતે લોકસભા ચૂંટણી 2024ની સરખામણીએ આશરે 6.15 કરોડ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં જોવા મળતા નથી. જોકે, ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે આ અંતિમ યાદી નથી. નામ ગુમ થયેલા મતદારોને દાવા અને વાંધા નોંધાવવાની તક આપવામાં આવી છે અને તેની પ્રક્રિયા બાદ અંતિમ યાદીમાં આ આંકડાઓમાં ફેરફાર થઈ શકે છે.
મહારાષ્ટ્ર અને દિલ્હીમાં મોટો ઘટાડો
ડ્રાફ્ટ મતદાર યાદીમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ સંખ્યામાં નામ દૂર થયેલા જોવા મળ્યા છે. અહીં આશરે 1.59 કરોડ મતદારોના નામ દૂર થયા છે, જે રાજ્યના કુલ મતદારોના લગભગ 17.08 ટકા છે.
ટકાવારીની દૃષ્ટિએ દિલ્હીમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં મતદારોની સંખ્યામાં આશરે 35.89 ટકાનો ઘટાડો થયો છે. ચંડીગઢમાં પણ આશરે 31.84 ટકા મતદારો ડ્રાફ્ટ યાદીમાંથી બહાર થયા છે. આટલા મોટા પ્રમાણમાં ઘટાડાને કારણે SIRની પ્રક્રિયા અને તેના પરિણામોને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
લોકસભા ચૂંટણી બાદ 57.75 લાખ નવા મતદારો જોડાયા હતા
ચૂંટણી પંચના આંકડાઓમાં એક મહત્વપૂર્ણ બાબત એ પણ સામે આવે છે કે લોકસભા ચૂંટણી 2024 બાદ SIR શરૂ થાય ત્યાં સુધી આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે 57.75 લાખ નવા મતદારો જોડાયા હતા. આ વધારા બાદ કુલ મતદારોની સંખ્યા આશરે 36.08 કરોડ થઈ હતી. જોકે, SIRના ત્રીજા તબક્કા બાદ જાહેર કરાયેલી ડ્રાફ્ટ યાદીમાં આ સંખ્યા ઘટીને 29.93 કરોડની આસપાસ રહી ગઈ છે.
નામ દૂર કરવા પાછળના કારણો શું છે?
ચૂંટણી પંચ અનુસાર આશરે 6.15 કરોડ નામોમાંથી લગભગ 1.11 કરોડ મતદારોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. આશરે 4.52 કરોડ લોકોને ‘ગેરહાજર’ અથવા ‘એકથી વધુ સ્થળે નોંધાયેલા’ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે આશરે 3 લાખ નામ અન્ય કારણોસર દૂર કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
આ આંકડાઓને લઈને વિપક્ષ તેમજ પૂર્વ ચૂંટણી અધિકારીઓ સવાલો ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને પાત્ર મતદારોના નામ ભૂલથી અથવા યોગ્ય ચકાસણી વગર દૂર ન થાય તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દાવા અને વાંધા બાદ અંતિમ યાદી થશે જાહેર
ચૂંટણી પંચે ભારપૂર્વક જણાવ્યું છે કે હાલમાં માત્ર ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત થઈ છે. જે મતદારોના નામ તેમાં નથી તેઓ નિર્ધારિત સમયમર્યાદામાં દાવો અથવા વાંધો રજૂ કરી શકે છે. ત્યારબાદ સંબંધિત દસ્તાવેજો અને માહિતીની તપાસ કરીને અંતિમ મતદાર યાદી તૈયાર કરવામાં આવશે.
મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં અંતિમ યાદી જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જ્યારે નાગાલેન્ડ અને ત્રિપુરાની ડ્રાફ્ટ યાદી બાદમાં જાહેર થવાની છે.
અશોક લવાસાએ પણ પારદર્શિતાનો મુદ્દો ઉઠાવ્યો
પૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસાએ પણ SIR અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે પ્રક્રિયા કાયદેસર હોઈ શકે છે, પરંતુ તે સંપૂર્ણપણે નિષ્પક્ષ હોવી પણ જરૂરી છે. મતદાર યાદીના પુનરીક્ષણમાં પારદર્શિતા જળવાય અને કોઈ પાત્ર મતદારનું નામ યોગ્ય કારણ વગર દૂર ન થાય તે સૌથી મહત્વપૂર્ણ બાબત હોવાનું તેમણે જણાવ્યું છે.
ચૂંટણી પંચનું કહેવું છે કે SIRનો મુખ્ય હેતુ મતદાર યાદીને વધુ સચોટ અને અપડેટ બનાવવાનો છે. જોકે, 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 6.15 કરોડ નામ ડ્રાફ્ટ યાદીમાંથી બહાર રહેવાના આંકડા અને પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરોની ચિંતાઓને કારણે આ પ્રક્રિયા હવે રાજકીય તેમજ બંધારણીય ચર્ચાના કેન્દ્રમાં આવી છે. અંતિમ મતદાર યાદી જાહેર થયા બાદ જ કેટલા નામ ખરેખર દૂર થશે અને કેટલા નામ દાવા-વાંધાની પ્રક્રિયા બાદ ફરી જોડાશે તે સ્પષ્ટ થશે.







