
Surat Murder Case: સુરતના લસકાણા વિસ્તારમાં વિપુલનગર તળાવ પાસે કચરાના ઢગલામાંથી એક અઠવાડિયા પૂર્વે માનવ માથું મળી આવ્યું હતું, જ્યારે 500 મીટર દૂર વાળીનાથનગરમાં એક મકાનમાંથી ધડ મળવાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. આ હચમચાવી નાખતા હત્યા કેસનો ભેદ ઉકેલવામાં સુરત પોલીસને સફળતા મળી છે.
પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે હત્યા મૃતકના મિત્ર દ્વારા કરવામાં આવી હતી. આરોપી મુન્ના બિહારીની ધરપકડ કરવામાં આવી છે, અને તેની સામે સીસીટીવી ફૂટેજ પણ પોલીસના હાથમાં આવ્યા છે, જેમાં આરોપીની ઘાતકી હરકતો સ્પષ્ટ દેખાઈ રહી છે.
આ ઘટના સુરતના લસકાણા વિસ્તારમાં બની છે, જ્યાં વિપુલનગર તળાવ પાસે કચરાના ઢગલામાંથી એક માનવ માથું મળી આવ્યું હતું. બીજી તરફ વાળીનાથનગરમાં એક મકાનમાંથી શરીરનું ધડ મળ્યું હતું. પોલીસે તપાસ શરૂ કરી અને ડાયમંડનગરમાં આવેલા એક કારખાનામાં તપાસ દરમિયાન મૃતકની ઓળખ દિનેશ મહંતો (ઉં. વ. 30, મૂળ બિહાર) તરીકે થઈ. દિનેશના ત્રણ સંતાનો અને પત્ની બિહારમાં રહે છે. મૃતકનો ભાઈ, જે પિપોદરામાં રહે છે, તે લસકાણા દોડી આવ્યો હતો અને જણાવ્યું હતું કે દિનેશ છેલ્લા ચાર મહિનાથી લસકાણામાં રહેતો હતો.
આરોપીની ધરપકડ અને સીસીટીવી ફૂટેજ
પોલીસ તપાસ દરમિયાન આરોપી મુન્ના બિહારીની ઓળખ થઈ, જે મૃતક દિનેશનો મિત્ર હતો અને તે જ કારખાનામાં નોકરી કરતો હતો જ્યાં દિનેશ કામ કરતો હતો. પોલીસે જણાવ્યું કે પંદર દિવસ પહેલાં મુન્નાએ હત્યાના દિવસે આઠ હજાર રૂપિયાનો પગાર લઈને નોકરી છોડી દીધી હતી. આ દિવસે જ બંને એકસાથે સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યા હતા. એક અન્ય સીસીટીવી ફૂટેજમાં મુન્ના મૃતકનું કપાયેલું માથું ઝબલા થેલીમાં નાખીને રસ્તે ચાલતો જોવા મળ્યો હતો. આ ફૂટેજે પોલીસને આરોપી સુધી પહોંચવામાં મદદ કરી. સુરત જિલ્લાના GIDC વિસ્તારમાંથી પોલીસે મુન્નાની ધરપકડ કરી.
હત્યાનું સ્થળ અને હથિયાર
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે હત્યા એક એવા રૂમમાં કરવામાં આવી હતી, જે કોઈને ભાડે આપવામાં આવ્યો ન હતો અને ખાસ હત્યા માટે જ તેનો ઉપયોગ થયો હતો. રૂમમાંથી એક સળિયો પણ મળી આવ્યો, જેનો ઉપયોગ મૃતકના માથામાં ફટકારવા માટે કરવામાં આવ્યો હતો. બાદમાં આરોપીએ મૃતકનું ડોકું કાપીને કચરાપેટીમાં ફેંકી દીધું હતું.
પોલીસની વધુ તપાસ
સુરત પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આરોપી મુન્ના બિહારીની પૂછપરછ શરૂ કરી છે, જેથી હત્યા પાછળનો ચોક્કસ હેતુ અને ગુનાની વિગતો જાણી શકાય. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યો અને ગુનાનો ભેદ ઉકેલ્યો. હત્યારો અને મૃતક બંને બિહારના વતની હોવાનું જાણવા મળ્યું છે. હત્યા પાછળના ચોક્કસ કારણો અને આરોપીના ઈરાદા જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.
આ ઘટનાએ સુરત શહેરમાં ચકચાર મચાવી દીધી છે, અને પોલીસની આ સફળ તપાસથી ન્યાયની આશા જાગી છે. આગામી દિવસોમાં પોલીસની તપાસમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો:
સુરતની BRTS બસમાં પાર્ટીની મંજૂરી કોણે આપી?, ગોવાની પાર્ટીને ટક્કર મારતા જલસા કર્યા
Bihar protest: ચૂંટણી પહેલા પોલીસ ભરતી કરો, બિહારમાં યુવાનોનું ભયંકર પ્રદર્શન, સ્થિતિ બેકાબૂ









