
Heavy rain in Surat: સુરત શહેરમાં ધોધમાર વરસાદે હાહાકાર મચાવ્યો છે. ખાડી કિનારે આવેલા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જતાં લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે. પુણા, ગોડાદરા, પરવટ ગામ, સરથાણા, વાલક, રઘુકુળ માર્કેટ અને લિંબાયત જેવા વિસ્તારોમાં ચારથી પાંચ ફૂટ પાણીનો ભરાવો થયો છે. ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં રહેવાસીઓને આવવા-જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં સુરત મહાનગરપાલિકાની રેસ્ક્યૂ વ્યવસ્થાએ લોકોનો ગુસ્સો વધાર્યો છે, કારણ કે લોકોને બચાવવા માટે ઢોર પકડવાના ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઢોર પકડવાના ટ્રેક્ટરમાં રેસ્ક્યૂ, લોકોમાં રોષ
સુરત મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ 10 હજાર કરોડ રૂપિયાને પાર કરી ગયું છે, જે શહેરના નાગરિકો પાસેથી વસૂલાતા વેરામાંથી એકઠું થાય છે. જોકે, આજે જ્યારે શહેર પૂરની આફતમાં ફ નાગરિકોને સોસાયટીમાંથી બહાર કાઢવા કે અંદર પહોંચાડવા માટે પાલિકાએ ઢોર પકડવાના ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો હતો. આ નિર્ણયથી રહેવાસીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે. લોકોએ આક્ષેપ લગાવ્યો કે, “અમારી કમાણીમાંથી વેરો લઈને વિકાસની વાતો થાય છે, પરંતુ આફતના સમયે અમને ઢોરની જેમ ટ્રેક્ટરમાં બેસાડવામાં આવે છે.”
લોકોનો ગુસ્સો: “હવે સુધરો, નહીં તો સાત-આઠ ગોપાલ આવશે!”
પૂરગ્રસ્ત વિસ્તારોની દયનીય સ્થિતિ અને પાલિકાની બેદરકારીથી લોકોનો ગુસ્સો સાતમા આસમાને છે. એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું, “છ વર્ષથી ખાડી સફાઈ, પમ્પિંગ સ્ટેશન અને સ્ટોર્મ ડ્રેનેજ લાઇનની સફાઈના નામે માત્ર વચનો જ આપવામાં આવ્યા છે. જાપાની કંપની પાસે સર્વે પણ કરાવ્યો, પરંતુ કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આવી ગંભીર સ્થિતિનું કારણ ભ્રષ્ટાચાર અને નિષ્ક્રિયતા છે.” રહેવાસીઓએ શાસકોને ચીમકી આપતાં કહ્યું, “હજી તો એક ગોપાલ આવ્યો છે, આવી સ્થિતિ રહી તો સાત-આઠ ગોપાલ આવશે અને તમને ભારે પડશે!”
ખાડીપૂરની સમસ્યા: લોકોનું જનજીવન ખોરવાયું
ગઈકાલથી ચાલતા ભારે વરસાદે ખાડીના પાણીને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ધસમસતું લાવ્યું છે. અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં લોકોના ઘરો અને વ્યવસાયોને ભારે નુકસાન થયું છે. રહેવાસીઓને નોકરી-ધંધે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોએ પાલિકા અને શાસકો પર આક્ષેપ લગાવ્યો કe, “અમારી કષ્ટની કમાણીથી ભેગું થતું બજેટ ક્યાં ખર્ચાય છે? ખાડી સફાઈ અને ડ્રેનેજની વ્યવસ્થા માટે કશું જ થયું નથી.”
લોકોની માગ: “આવી સ્થિતિ ફરી ન ઉદ્ભવે”
રહેવાસીઓએ પાલિકા અને ભાજપ શાસકોને આગામી સમયમાં નક્કર પગલાં લેવાની માગ કરી છે. તેઓએ જણાવ્યું કે, ખાડી સફાઈ, પમ્પિંગ સ્ટેશન અને સ્ટોર્મ ડ્રેનેજ લાઇનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી આફત ટળે. લોકોનો ગુસ્સો અને ચીમકી એ સંદેશ આપે છે કે, જો શાસકો અને પાલિકા હવે જાગે નહીં, તો નાગરિકોનો રોષ વધુ તીવ્ર બની શકે છે.
સુરતની આ ઘટના શહેરના વહીવટ અને આયોજનની ખામીઓને ઉજાગર કરે છે. લોકો હવે આશા રાખે છે કે, પાલિકા આ બાબતે ગંભીરતાથી પગલાં લેશે અને ભવિષ્યમાં આવી આફત નહીં આવે.
ઢોર પકડવાના ટ્રેક્ટરનો ઉપયોગ કરાતાં લોકોમાં આક્રોશ
ગઈકાલે સુરતવાસીઓના માથે આકાશમાંથી આફત વરસી હતી તો આજે ખાડીના પાણીની આફત આવી છે. આવી સ્થિતિ છતાં નોકરી ધંધે જવા માટે બહાર નીકળવું જરૂરી હતું. તેથી પાલિકાએ આ લોકોને સોસાયટીની બહાર કે સોસાયટીમાં જવા માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરી હતી. જોકે, પાલિકાએ જે ટ્રેક્ટર મોકલ્યા છે તે ટ્રેક્ટરનો ઉપયોગ પાલિકા રખડતા ઢોરને પકડવા માટે કરી રહી છે. લોકોને ઢોરના ટ્રેકટરમાં લાવવા જઈ જવાની વ્યવસ્થા કરતા લોકો રોષે ભરાયા હતા.
આ મુદ્દે ભાજપ સરકારનો પણ વિરોધ થયો છે.