
Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે આવેલી પે સેન્ટર સરકારી શાળામાં ગંભીર ઘટના સામે આવી છે. જેમાં ધોરણ 6ના ચાલુ ક્લાસ દરમિયાન અચાનક છત પરનો પંખો તૂટી પડતાં 6 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાએ શાળાની દુર્દશા અને વિદ્યાર્થીઓની સલામતીના મુદ્દે ગંભીર સવાલો ઉભા કર્યા છે.આ ઘટના બાદ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક પાટડીની પ્રાથમિક આરોગ્ય સંભાળ કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે વિરમગામની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.જ્યાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ ઘટનાએ ગામના લોકો અને વાલીઓમાં રોષ અને ચિંતા ફેલાવી છે.
શાળાઓની ખરાબ હાલત
આ ઘટના એકવાર ફરીથી ગુજરાતની સરકારી શાળાઓની દયનીય હાલતને ઉજાગર કરે છે. ઝીંઝુવાડાની આ શાળામાં પંખો પડવાની ઘટના એ એક નાનું ઉદાહરણ છે કે કેવી રીતે જર્જરિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિદ્યાર્થીઓના જીવનને જોખમમાં મૂકી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારોની ઘણી સરકારી શાળાઓમાં મૂળભૂત સુવિધાઓ જેમ કે મજબૂત બાંધકામ, નિયમિત જાળવણી, અને સલામત વીજળીની વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે.
અગાઉ 20થી વધુ વિદ્યાર્થીઓને શાળામાં બંધ કરી દેવાયા હતા
આ પહેલાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં આવી ઘટનાઓ સામે આવી છે. ઉદાહરણ તરીકે, ફતેપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકોની બેદરકારીથી 20થી વધુ વિદ્યાર્થીઓને શાળામાં બંધ કરી દેવાયા હોવાનો મામલો બહાર આવ્યો હતો, જે બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષકોને નોટિસ ફટકારી હતી. આવી ઘટનાઓ શિક્ષણ વ્યવસ્થામાં ગંભીર ખામીઓ અને જવાબદારીના અભાવને દર્શાવે છે.
સલામતી અને જવાબદારીનો અભાવ
ઝીંઝુવાડાની આ ઘટનામાં પંખો પડવો એ શાળાના બાંધકામ અને જાળવણીની ઉણપને દર્શાવે છે. જૂના અને ખરાબ થયેલા પંખા, નબળી વીજળીની વ્યવસ્થા અને નિયમિત નિરીક્ષણનો અભાવ આવી ઘટનાઓનું મૂળ કારણ બની રહ્યા છે.
વાલીઓમાં ભારે રોષ
વાલીઓએ આ ઘટના બાદ શાળા તંત્ર અને સ્થાનિક વહીવટ સામે રોષ વ્યક્ત કર્યો છે અને શાળાઓમાં સલામતીના ધોરણોનું ચુસ્તપણે પાલન કરવાની માગ કરી છે.
શું સરકારી શાળાઓ બાળકો માટે સલામત નથી?
મહત્વનું છે કે, શાળામાં અવાર નવાર પોપળા ખરવા, તિરાડો પડવી, છત પડવી વગેરે ઘટનાઓ સામે આવે છે. પરંતુ તંત્રને જાણે કે બાળકોના જીવની કોઈ કિંમત જ ન હોય તેમ આ બાબતે ધ્યાન આપવામાં આવતું નથી. જેથી સવાલ થાય છે તંત્રની અને સરકારની બેદરકારીનો ભોગ માસુમ બાળકો ક્યાં સુધી બનશે? શું સરકારી શાળાઓ બાળકો માટે સલામત નથી?
શાળાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે જરુરી પગલાં અનિવાર્ય
ત્યારે ફરીથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે નક્કર પગલાં લેવાની જરૂર છે. સરકારી શાળાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે જરુરી પગલાં અનિવાર્ય બન્યા છે. આ ઘટના એક ચેતવણી છે કે જો સરકારી શાળાઓની હાલતમાં સુધારો નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ વધુ ગંભીર સ્વરૂપ લઈ શકે છે. સરકાર, શિક્ષણ વિભાગ અને સ્થાનિક વહીવટે આ બાબતે તાત્કાલિક પગલાં લઈને વિદ્યાર્થીઓની સલામતીની ખાતરી કરવી જોઈએ.
આ પણ વાંચો:
Gujarat ATS: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ
Russia Earthquack: રશિયા નજીક 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ભયાનક વીડિયો આવ્યા સામે