
- સ્વામિનારાયણના બાવાઓ શરમ વગરના અને ક્રિમિનલ છે !
રમેશ સવાણી; પૂર્વ આઈપીએસ અધિકારી: કોઈપણ ધર્મ/ સંપ્રદાયને પ્રચાર કરાવી છૂટ છે. બંધારણે આ અધિકાર આપ્યો છે. પરંતુ ગેરપ્રચાર અને અપમાનજનક/ બદનક્ષીકારક પ્રચાર કરી શકાય નહીં.
સ્વામિનારાયણના સ્વામિઓ/ સંતો/ બાવાઓએ મર્યાદા મૂકી દીધી છે. પોતાનો વાડો મોટો કરવા પોતાના નકલી નારાયણને સર્વોચ્ચ ભગવાન કહે છે, તે સમજી શકાય, કોઈ પણ માણસ પથ્થર પર સિંદૂર ચોપડી તેને ભગવાન માને તે પણ સમજી શકાય; પરંતુ અમારા સહજાનંદજી રામ/ કૃષ્ણ/ શિવ કરતા પણ સર્વોપરી છે અને રામ/ કૃષ્ણ/ શિવ તો સહજાનંદજીની સ્તુતિ કરતા હતા; આવો બનાવટી ઈતિહાસ ઊભો કરે તો તે ગુનો બને છે. આવા અનેક ગુનાઓ સ્વામિનારાયણના સ્વામીઓએ કર્યા છે અને હજુ કરી રહ્યા છે.
સહજાનંદજી એટલે કે ભક્તોના સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન (3 એપ્રિલ 1781/ 1 જૂન 1830)ના જન્મ પહેલા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જંગલી/ વ્સસની લોકો રહેતા હતા અને સહજાનંદજીએ તેમને સદાચાર તરફ વાળ્યા તેવી નકલી વાર્તાઓ આ સંપ્રદાયે ઊભી કરી છે. પરંતુ સહજાનંદજીનો જન્મ નહોતો થયો તે પહેલા ગુજરાત/ સૌરાષ્ટ્રમાં નરસિંહ મહેતા (1414/1481); સંત કબીર (1440/1518); વલ્લભાચાર્ય (1479/1531); અખા ભગત (1591/1656) વગેરે મહાપુરુષોની અસર હતી જ. એટલે સહજાનંદજીના કારણે જ ગુજરાત/ સૌરાષ્ટ્ર સદાચારી બન્યું તેમ કહેવું તે માત્ર ગેરપ્રચાર છે. પોતાના સંપ્રદાયની વાહવાહી માટે ઊભી કરેલી ભ્રમણા છે. રાઈનો પર્વત કરવાની ચેષ્ટા છે. આવી ચેષ્ટા પાંડુરંગ શાસ્ત્રીએ ઊભી કરી હતી કે પોતાએ મોટા મોટા ગુંડાઓના હ્રદય પરિવર્તન કરી દીધાં હતા ! સંપ્રદાય ફેલાવવાની આ યુક્તિઓ છે.
સહજાનંદજીએ પોતાની હયાતીમાં જ ઢગલાબંધ ચમત્કારો કર્યા/ પરચા આપ્યા હતા. તેથી સંપ્રદાયનો ફેલાવો ઝડપી થયો અને થતો રહે છે. લોકોને ચમત્કાર ગમે છે, તે ભ્રામક શાંતિ આપે છે. જ્ઞાન કોઈને ગમતું નથી. જો જ્ઞાન ગમતું હોત તો લોકો અખા ભગતને/ ભોજા ભગતને/ ગંગા સતીને અનુસરતા હોત !
2 માર્ચ 2025ના રોજ સોશિયલ મીડિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રસાદ સ્વામીનો વીડિયો વાયરલ થયો છે. આ સ્વામી ભયંકર જૂઠું બોલે છે, ભગવા કપડાને લજવે છે. તે કહે છે : “જલારામબાપાનો ઈતિહાસ સ્વામિનારાયણના સંત ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો છે. જલારામ બાપા જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી. ગુણાતીતાનંદ વીરપુર પધાર્યા. જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામી પાસે આશીર્વાદ માંગ્યા. જલારામ ભગતે કહ્યું કે ‘સ્વામી અહીંયા દરેકને ભોજન મળે એવો મારો સંકલ્પ છે.’ ગુણાતીતાનંદ કહે : ‘પહેલાં અમને તો જમાડો.’ ગુણાતીતાનંદ સ્વામી દાળબાટી જમ્યા, પછી કહ્યું : ‘જલા ભગત ! તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમ માટે તમારા ભંડાર અખૂટ રહેશે, જાવ !’ આમ ગુણાતીતાનંદ સ્વામીએ આશીર્વાદ દીધા, આજે આપણે વીરપુરની જગ્યાને જોઈએ છીએ. આજથી 200 વરસ પહેલા જે આશીર્વાદ આપેલાં એ આશીર્વાદના ફળરુપે આજે સમાજનું બહુ સારું કાર્ય થાય છે.”
જલારામ બાપાનો જન્મ 4 નવેમ્બર 1799 અને અવસાન 23 ફેબ્રુઆરી 1881ના રોજ થયેલ. ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ 28 સપ્ટેમ્બર 1784 અને અવસાન 11 ઓક્ટોબર 1867ના રોજ થયેલ. ઈતિહાસ મુજબ, 18 વર્ષની ઉંમરે જલારામ ફતેહપુરાના સંત ભોજા ભગતના અનુયાયી બન્યા અને તેમણે 20 વર્ષની ઉંમરે 1819માં સદાવ્રત શરુ થયું. આમાં જલારામ બાપા ક્યારે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા? ક્યારે ગુણાતીતાનંદ સ્વામી વીરપુર આવ્યા? તેના કોઈ આધાર પુરાવા છે? માત્ર ગુણાતીતાનંદ સ્વામીને મોટા કરવા/ તેમના આશીર્વાદ ચમત્કારી હતા તેવું દર્શાવવા ખોટી વાર્તા જ ઊભી કરી દીધી ! ‘જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામી પાસે આશીર્વાદ માંગ્યા.’ અને ‘કાયમ માટે તમારા ભંડાર અખૂટ રહેશે, જાવ !’ આ હળાહળ જૂઠાણું છે. જ્ઞાનપ્રસાદ સ્વામીએ જલારામ બાપા તથા ભોજા ભગતનું અપમાન કરેલ છે.
દર વખતે થાય છે તેવું જ થયું. વીરપુરના જલારામ મંદિર ટ્રસ્ટ તરફથી સ્પષ્ટતા કરી કે જ્ઞાનપ્રસાદ સ્વામી ખોટી વાર્તા કરે છે એટલે જ્ઞાનપ્રસાદ સ્વામીએ 3 માર્ચ 2025ના રોજ માફી માંગી ! તેમણે કહ્યું કે મેં આવું છાપામાં વાંચેલ ! બોલો, કથાકાર પણ છાપાંના ગપ્પા પીરસે છે !
આ પહેલા બોટાદ પાસેના કુંડળધામ સ્વામિનારાયણ મંદિરના જ્ઞાનજીવનદાસજીએ દલિતો વિશે ભયંકર ધૃણા દર્શાવી હતી. બીજા સ્વામિનારાયણ કથાકારે જાહેરમાં ખરખરો કરેલ કે સરકારી કચેરીમાં અનામતથી બનેલ મકવાણા/પરમાર પાસે જવું પડે છે ! મોટાભાગના સ્વામિનારાયણના બાવાઓ દલિતોનું અપમાન થાય તેવી હરકતો કરે છે. પોતાના સ્વાર્થ માટે ન કરવાનું કરે છે. અંદરોઅંદર હત્યાઓ કરે/ કરાવે છે. સૃષ્ટિ ક્રમ વિરુદ્ધના કૃત્યો કરે છે. અંદરોઅંદર ઝઘડા કરી પોલીસ સ્ટેશને જાય છે, સુપ્રીમ કોર્ટ સુધી લડે છે અને લોકોને સદાચારના દંભી ઉપદેશો આપ્યા કરે છે. જ્યાં સુધી લોકો તિલક/ ચાંદલો કરતા બંધ નહીં થાય ત્યાં સુધી આ બાવાઓ પોતાના કરતૂતો બંધ કરવાના નથી ! ટૂંકમાં, સ્વામિનારાયણના બાવાઓ શરમ વગરના અને ક્રિમિનલ છે ! વાસ્તવિકતા એ છે કે જ્યાં સુધી લોકો મંદિરમાં દાન આપતા બંધ નહીં થાય ત્યાં સુધી આ બાવાઓ પોતાના કરતૂતો બંધ કરવાના નથી ! બીજાના પરસેવાનું ખાઈ ખાઈને તેમની બુદ્ધિ વિકૃત બની ગઈ છે, આ બાવાઓને ભાદરવા મહિનામાં કપાસ વીણવા મોકલો તો કદાચ સુધારો થાય !





