
Tirupati balaji temple prasad: ભગવાન તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ બનાવવા માટે કેમિકલથી તૈયાર નકલી ઘી વપરાયું હતું જેમાં દૂધ કે માખણનું એમ ટીપું પણ નાખ્યા વગર ‘આઠ કરોડના કેમિકલમાંથી લાખો કિલો ઘી બનાવી લાડુ બનાવાયા હોવાની વાત સામે આવતા ભારે સનસનાટી મચી ગઇ છે અને ચિટરોએ ભગવાનને પણ છોડ્યા નહિ હોવાના આક્ષેપ લાગ્યા છે.
ટીડીપીના નેતા પટ્ટાબીએ એસઆઈટીના લીક થયેલા રિમાન્ડ રિપોર્ટના આધારે દાવો કર્યો છે કે, “તેમણે રૂ. આઠ કરોડના ખર્ચે સાડા છ લાખ કિલો કેમિકલ ખરીદ્યું હતું અને તેમાંથી બનેલું ઘી સપ્લાય કર્યું હતું.”પટ્ટાબીએ આરોપ મૂક્યો હતો કે મૉનોડાઇગ્લાઇસિરાઇડ્સ તથા ઍસિટિક ઍસિડ ઇસ્ટર જેવા કેમિકલની મદદથી લાખો કિલો નકલી ઘી બનાવવામાં આવ્યું હતું અને આ માટે ડેરીએ એક લિટર પણ દૂધનો ઉપયોગ કર્યો ન હતો અને કેમિકલથી જ નકલી ઘી તૈયાર કરી લાડુ બનાવી દીધા હતા.
રિમાન્ડ રિપોર્ટને ટાંકતાં પટ્ટાબીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે “વર્ષ 2022થી 2024-’25 દરમિયાન ભોલે બાબા નામની ડેરીએ અજયકુમાર સુગંધ નામના શખ્સ પાસેથી રૂ. સાત કરોડ 94 લાખનું સાડા છ લાખ કિલો કેમિકલ ખરીદ્યું હતું.”કંપનીએ એક લિટર દૂધ પણ ખરીદ્યા વગર કેમિકલ અને પામોલિન તેલ તથા કોરિયાથી મૉનોડાઇગ્લાઇસિરાઇડ્સ તથા ઍસિટિક ઍસિડ મંગાવી તેની મદદથી નકલી ઘી બનાવવામાં આવ્યું હતું.
પટ્ટાબીએ કહ્યું હતું કે નેલ્લોરની અદાલતમાં એસઆઈટીએ રિમાન્ડ માટે જે રિપોર્ટ આપ્યો છે, તેમાં આ પ્રકારની કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે.જનસેના પાર્ટીના નેતા તથા આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી પવન કલ્યાણે આ આરોપોને ટાંકતાં તાત્કાલિક અસરથી સનાતન ધર્મ સંરક્ષણ બોર્ડની સ્થાપના કરવાની માંગ કરી છે.જ્યારે વાય.એસ.આર.સી.પીના નેતા સજ્જલા રામક્રિષ્ના રેડ્ડીએ આ આરોપો નકાર્યા છે અને ચંદ્રબાબુ નાયડુ રાજકારણ માટે ભગવાનનો ઉપયોગ કરી રહ્યાનો વળતો હુમલો કર્યો છે.
મહત્વનું છે કે તિરુપતિ મંદિરના લાડુમાં ભેળસેળ થઈ હોવાના આરોપોની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં સીબીઆઈની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) હાથ ધરી છે.
જેમાં સીબીઆઈની ટીમે અજયકુમાર સુગંધ નામના આરોપીની ધરપકડ કરી તપાસ આગળ વધારી હતી.
આ અગાઉ પણ ભગવાન તિરુપતિના મંદિરમાં પ્રસાદના લાડુ બનાવવા માટે ચોખ્ખા ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબી વપરાયાના આરોપો લાગ્યા હતા.આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીના ઉપયોગ વિશે નિવેદન આપતા ભારે ચકચાર મચી હતી.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ (ટીટીડી)ના કાર્યકારી અધિકારી શ્યામલા રાવે પણ આ વાતની પુષ્ટિ કરી હતી.તેઓએ અગાઉ પ્રસાદમાં માત્ર વનસ્પતિ ઘીની ભેળસેળ થતી હોવાનું જણાવ્યુ હતું પણ ત્યારબાદ શ્યામલા રાવે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે તેમાં પ્રાણીની ચરબી પણ જોવા મળી હોવાનું જણાવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશમાં નવી સરકારની રચના થઈ ત્યારે શ્યામલા રાવને ટીટીડીના કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.આમ,ભગવાન તિરુપતિ બાલાજી મંદીરના પ્રસાદમાં નકલી ઘી વપરાતું હોવાનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ રહ્યો છે અને ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.
આંધ્રપ્રદેશમાં તિરુમાલાની પહાડી પર સ્થિત તિરુપતિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત મૂર્તિ ભગવાન વેંકટેશ, વેંકટેશ્વર અને તિરુપતિ સ્વામી અને તિરુપતિ બાલાજીના નામથી ઓળખાય છે,અહીં આવનારા ભક્તોની સંખ્યા કરોડોમાં છે અને મંદિરનો પ્રસાદ એટલે કે લાડુ લઈ ધન્યતા અનુભવે છે. આધ્યાત્મિકતાના પ્રતીક સમા અહીંના પ્રખ્યાત લાડુમાં ભેળસેળની વાતો છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બની છે, આ લાડુમાં ગૌમાંસની ચરબી, માછલીનું તેલ અને પશુઓની ચરબીના અંશો મળ્યાના દાવા કરાયા છે હવે કેમિકલ યુક્ત નકલી ઘી વપરાયું હોવાના આક્ષેપ થઈ રહયા છે ત્યારે હવે તિરુપતિના ભક્તોમાં રોષ વ્યાપી ગયો છે અને પવિત્ર લાડુમાં ભેળસેળના દોષિતો સામે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા






