Trump Tariffs: ટ્રમ્પને ‘હાથનાં કર્યાં હૈયે વાગશે’અમેરિકન અર્થવ્યવસ્થાને થશે નુકસાન

  • India
  • September 5, 2025
  • 0 Comments

ડૉ. જયનારાયણ વ્યાસ

Trump Tariffs: અમેરિકાના પ્રમુખપદે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાનું સૂકાન સંભાળ્યું છે, એ કાંઈકને કાંઈક બખડજંતર કરતા રહે છે. અમેરિકાના ઇતિહાસમાં આવો તીકડમબાજ અને પોતાના વ્યાપારી હિતોને કેન્દ્રસ્થાને મૂકીને જોનાર પ્રમુખ આજ દિવસ સુધી જન્મ્યો નથી. માત્ર અમેરિકા જ નહીં, આખી દુનિયામાં ટ્રમ્પનું ટેરિફ વૉર તરખાટ મચાવી રહ્યું છે. ટ્રમ્પની ભાષા ધમકીની અને અપમાનજનક હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ સામે સંમત થઈએ કે ન થઈએ, આપણે ભલે દૃઢ રીતે એવું માનતા હોઈએ કે છેલ્લા દાયકામાં આ નીતિઓએ ભારતીય અર્થવ્યવસ્થાનો કચ્ચરઘાણ વાળ્યો છે, તો પણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ભારત માટે કે ભારતના વડાપ્રધાન માટે છાકટો થઈને નિવેદન કરે તે અમને સ્વીકાર્ય નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિ તેમજ નીતિ-રીતિઓને કારણે દેશને નુકસાન

મહાભારતનો એક પ્રસંગ યાદ આવે છે. પાંડવો વનવાસમાં હતા તે સમયે સમાચાર આવ્યા કે, યક્ષગણ કૌરવોને હરાવીને એમને બંધક બનાવી લઈ જઈ રહ્યા છે. ત્યારે ભીમ આનંદની કિકિયારીઓ કરી નાચવા માંડ્યો હતો. એને મન કૌરવો, જે પાંડવો સાથે અન્યાયકર્તા વર્તન કરી રહ્યા હતા અને એને કારણે પાંડવોએ વનવાસના દુઃખો વેઠવા પડતા હતા તે આ લાગના જ હતા. ભીમના મતે આ સારું થયું હતું. પણ યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને આદેશ આપ્યો કે,‘જાઓ, યક્ષગણ સાથે યુદ્ધ કરી કૌરવોને મુક્ત કરાવો.’એમનું કહેવું હતું કે જે કોઈ મતભેદો હોય અથવા કૌરવોના અન્યાયકારી વલણ બદલ પાંડવો તકલીફો વેઠી રહ્યા હોય, આ એમની આંતરિક બાબત હતી. કૌરવો એમના પિતરાઈ ભાઈઓ હતા અને એટલે યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે, ‘આપણે બહારના દુશ્મન સામે પાંચ નહીં, 105 છીએ.’વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિ તેમજ નીતિ-રીતિઓને કારણે દેશને નુકસાન થઈ રહ્યું હોય તો એ બાબત આપણી આંતરિક બાબત છે. વ્યક્તિઓ તો આવશે અને જશે પણ ભારતનું ગૌરવ કાયમી જળવાવું જોઈએ.

એક દેશ ખૂલીને પાકિસ્તાન વિરુદ્ધ ન બોલ્યો

આ ન્યાયે ડોનાલ્ડ ટ્રમ્પની વાતો એક દેશ તરીકે સ્વમાનને ગિરવે મૂકીને ક્યારેય સ્વીકારી શકાય નહીં. અમેરિકા સાથે સંબંધો સુધારવા માટે ભારતે પ્રયત્ન કરવો જોઈએ. યુનાઇટેડ નેશન્સની આતંકવાદ વિરોધી સમિતિમાં પાકિસ્તાન ઉપપ્રમુખ બને અને ઑપરેશન સિંદૂરને એક પણ દેશ ખૂલીને ટેકો ન આપે, આપણે વિદેશોમાં 70 જેટલા ડેલિગેશન આપણો પક્ષ સમજાવવા મોકલ્યા પણ એમાંના એક પણ દેશે ખૂલીને પાકિસ્તાન વિરુદ્ધ એક હરફ સુદ્ધાં નથી ઉચ્ચાર્યો. ચીનતરફી વલણ ધરાવતા મોઈઝુ જ્યારે માલદીવ્સના પ્રમુખ ચૂંટાયા ત્યારે આ દેશની વૉટ્સઅપ યુનિ.માં કેટલાક કહેવાતા દેશભક્તોએ ‘માલદીવ્સનો બહિષ્કાર કરો’ ઝુંબેશ શરૂ કરી હતી, એ જ વૉટ્સઅપીયા દેશભક્તોને મોઢા પર લપડાક પડી હોય તે રીતે તાજેતરમાં જ આપણા વડાપ્રધાન માલદીવની મુલાકાતે જઈ આવ્યા અને લગભગ 4850 કરોડની લાઇન ઑફ ક્રેડિટ આપી આવ્યા. એટલું જ નહીં પણ ત્યાંના સંરક્ષના મંત્રાલયના મકાનનું ઉદ્ઘાટન પણ કર્યું. ‘પાડોશી પહેલો –નેબરહૂડ ફર્સ્ટ’આપણી નીતિનો ભાગ છે અને એ દિશામાં વડાપ્રધાનનું આ પગલું સાચી દિશામાં કદમ છે. આપણા સંબંધો નેપાળ, મ્યાનમાર, બાંગલાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાન સાથે ઉંદર-બિલાડીની રમતની જેમ ચાલ્યા કરે છે. આવા સંજોગોમાં ટ્રમ્પની ભારતથી અમેરિકામાં થતી નિકાસ ઉ૫૨ 25 ટકા જેટલી ટેરિફ એટલે કે આયાત ડ્યૂટી ઉપરાંત રશિયા પાસેથી શસ્ત્રો તેમજ ક્રૂડ ઑઇલ ખરીદવા બદલ ભારત ઉપર વધારાનો દંડ (પેનલ્ટી) પણ લગાવાશે એ જાહેરાત અન્યાયકર્તા છે.

ટ્રમ્પનું પગલું ટૂંકા ગાળે ભારત માટે નુકસાનકારક

ભારત પોતાના દેશમાં વપરાશ માટે ગમે ત્યાંથી માલ ખરીદે એ કોઈ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ભંગ કરતું નથી અને ત્યારે આ બહાના હેઠળ અમેરિકાને ભારતનું કાંડું મરડવાનો અધિકાર નથી એ વાત ભારતે અમેરિકાને ખોંખારીને કહેવી જોઈએ. આમ થવાને કારણે અમેરિકાને મહદ્અંશે ભારતમાંથી થતી ઑટોમોબાઇલ સ્પેરપાર્ટ્સ, સૉફ્ટવેર, ડાયમંડ (હીરા), ગારમેન્ટ અને અન્ય સેવાઓ જેવી નિકાસ અમેરિકન વપરાશકાર માટે મોંઘી થશે અને તેટલે અંશે ભારતીય નિકાસ વ્યાપારને પણ તેની અસર થશે – આ બાબતમાં કોઈ શંકા નથી પણ આ વાત ખ્યાલમાં રાખવી જોઈએ કે ભારત પોતાના આંતરિક બજાર પર નભતો દેશ છે. દુનિયાનું સૌથી મોટામાં મોટું મુક્ત બજાર ભારત છે. જ્યાં સુધી નિકાસ વ્યાપારને લાગે-વળગે છે ત્યાં સુધી દુનિયાના કુલ વ્યાપારમાં ભારતનો ફાળો બે ટકા કરતા પણ ઓછો છે. એક સમયે આપણે એને ભારતનું નબળું પાસું ગણતા હતા તે આજે આપણા માટે ખૂબ ઉપયોગી બનીને ઊભું રહ્યું છે. આ બે ટકા વ્યાપારમાંથી અમેરિકા સાથેની નિકાસ ઘટીને પચાસ ટકા થઈ જાય તો પણ કોઈ બહુ મોટો ફેર પડી જવાનો નથી અને એટલે ડોનાલ્ડ ટ્રમ્પનું આ મનસ્વી પગલું ટૂંકા ગાળે ચોક્કસ આપણા માટે નુકસાનકારક છે પણ લાંબા ગાળે વૈકલ્પિક બજારો અથવા ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની સ્થિતિનો લાભ લઈ વાયા ઈંગ્લૅન્ડ-અમેરિકામાં નિકાસ ક૨વાની ચેનલો વિકસશે એમાં કોઈ શંકા નથી.

અમેરિકાને ભારતની આંતરિક બાબતમાં દખલ દેવાનો કોઈ અધિકાર નથી

ટ્રમ્પનું કહેવું છે કે ભારત અમેરિકાનું મિત્ર હોવા છતાં બિઝનેસ મામલે ક્યારેય વધુ સહયોગી નથી રહ્યું તેમજ ભારત દુનિયાનો સૌથી વધુ ટેરિફ લગાવનાર દેશોમાંથી એક છે અને ત્યાં નોનમોનિટરી ટ્રેડ બેરિયર્સ પણ ખૂબ જ જટિલ અને આપત્તિજનક છે. એ કારણે અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપારિક લેવડદેવડ મર્યાદિત રહેવા પામી છે. ભારતે પોતાના દેશમાં આયાત થતા માલસામાન ઉપર કેટલી જકાત નાખવી અને ઘરઆંગણાના પોતાના ઉત્પાદકોને કઈ રીતે રક્ષણ આપવું તે ભારતની આંતરિક બાબત છે અને અમેરિકાને એમાં દખલ દેવાનો કોઈ અધિકાર નથી.

ટ્રમ્પના વાનરવેડાથી નકારાત્મક અસરો અમેરિકન અર્થવ્યવસ્થા પર થશે

બીજા મુદ્દા પર આવીએ તો સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં તૈયાર કરવામાં આવેલ અહેવાલ મુજબ અમેરિકા જો ૨૫ ટકા ટેરિફ ઝીંકે તો તેમને ત્યાં ઘરગથ્થુ ખર્ચમાં સરેરાશ 2400 અમેરિકન ડોલર જેટલો વધારો કરનારું બની રહેશે. આ અહેવાલ મુજબ 2400 અમેરિકન ડૉલરના ભાવવધારામાંથી 1300 ડૉલર જેટલો ભાવવધારો નીચેના સ્તરના આવકજૂથમાં થશે, જે સામે ઊંચી આવક ધરાવતા કુટુંબોએ 5,000 ડૉલર જેટલો ભાવવધારો વેઠવાનો આવશે. જોકે આમ છતાંય એમની આર્થિક સ્થિરતાને કોઈ વાંધો આવશે નહીં. આમ, ટ્રમ્પે જે વાનરવેડા કર્યા છે તેના કારણે આ ટેરિફની ભારતની સરખામણીમાં વધુ નકારાત્મક અસરો અમેરિકન અર્થવ્યવસ્થા પર થશે.

ટેરિફ વધારાની અમેરિકન અર્થવ્યવસ્થાને થશે વિપરીત અસર

અત્યારે અમેરિકા નબળા પડતા જતા ડૉલરને સ્થિર કરવા વલખાં મારી રહ્યું છે, તેવે સમયે ફુગાવામાં વધારો તેમજ ટેરિફના કારણે થનાર ભાવવધારો બધું ભેગુ મળીને અમેરિકન અર્થવ્યવસ્થાના જીડીપી વૃદ્ધિદર ઘટાડવાનું કામ કરશે. આડેધડ ટેરિફ વધારો ઝીંકવાની સૌથી વિપરીત અસર અમેરિકન અર્થવ્યવસ્થાને થશે એટલે ડોનાલ્ડ ટ્રમ્પને માટે ‘હાથનાં કર્યાં હૈયે વાગે’ જેવી પરિસ્થિતિ માટેનો પાયો નખાઈ ચૂક્યો છે.

ભારતે અમેરિકા પાસેથી 45.33 અબજ ડૉલરની આયાત કરી

યુનાઇટડ નેશન્સના કોમટ્રેડ (Comtrade) ડેટાબેઝ મુજબ સેવાઓ સાથે ભારતની અમેરિકાની કુલ નિકાસ 2024 ના વર્ષ દરમિયાન 86.51 અબજ હતી, જેમાં મુખ્યત્વે એન્જિનિયરિંગ તેમજ ઇલેક્ટ્રોનિક્સ માલસામાન, ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ-જ્વેલરી તેમજ રેડીમેડ ગારમેન્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે. આ સામે ભારતે અમેરિકા પાસેથી 45.33 અબજ ડૉલરની આયાત કરી હતી. એટલે સરવાળે ભારતનું અમેરિકા સાથેનું વ્યાપાર ખાતું 41 અબજ ડૉલર કરતાં વધારે પુરાંત ધરાવતું હતું.

ઘર બાળીને તીરથ ના થાય

ટ્રમ્પને આ ખટકે છે. એના કરતાં પણ વધુ એને ભારતની ખૂબ મોટી કંઝ્યુમર ગુડ્સ માર્કેટ તેમજ કૃષિ અને દૂધપેદાશોની બજારમાં એન્ટ્રી મારવી છે. આમ થવા દેવું ભારતના ગ્રામીણ તેમજ કૃષિ અર્થતંત્ર માટે હિતાવહ નથી અને કોઈ પણ દેશની સરકારનો એ અબાધિત અધિકાર છે કે, પોતાના ઘરઆંગણાના હિતોનું એ રક્ષણ કરે. ઘર બાળીને તીરથ ના થાય.

આ પણ વાંચો: 

Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?

Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ

Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ

Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ

Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ

Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ

Related Posts

The Bengal Files release:’આ માત્ર ફિલ્મ નહીં અરીસો છે’, “ધ બેંગાલ ફાઇલ્સ” ને લઈને લોકોએ કેમ આવું કહ્યું ?
  • September 5, 2025

The Bengal Files release: વિવેક અગ્નિહોત્રીની ‘ફાઇલ્સ’ શ્રેણીની છેલ્લી ફિલ્મ ‘ધ બેંગાલ ફાઇલ્સ’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ તમામ પ્રકારની ચર્ચાઓ અને વિવાદોનો…

Continue reading
Bihar: ભાજપ-આરજેડીના સમર્થકો વચ્ચે “Graduation” ના સ્પેલિંગને લઈ બબાલ
  • September 5, 2025

Bihar Bandh: વોટ કૌભાંડને દબાવવા મોદી સરકાર અનેક પ્રયાસ કરી રહી છે. ગઈકાલે બિહાર બંધનું એલાન આપ્યું હતુ. જેમાં ભાજપ નેતાઓએ ભારે હિંસા ફેલાવી છે. ઘણા નિર્દોષ લોકોને માર મરવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vadodara: MS યુનિવર્સિટીના પૂર્વ VC ની ડિગ્રી નકલી નીકળી, ચોંકાવનારો ખુલાસો

  • September 5, 2025
  • 4 views
Vadodara: MS યુનિવર્સિટીના પૂર્વ VC ની  ડિગ્રી નકલી નીકળી, ચોંકાવનારો ખુલાસો

Deesa: નકલી નાણાંની ફેક્ટરી ઝડપાઈ, 39 લાખની નકલી નોટો સાથે 2 આરોપીઓની ધરપકડ, એક ફરાર

  • September 5, 2025
  • 13 views
Deesa: નકલી નાણાંની  ફેક્ટરી ઝડપાઈ, 39 લાખની નકલી નોટો સાથે 2 આરોપીઓની ધરપકડ, એક ફરાર

The Bengal Files release:’આ માત્ર ફિલ્મ નહીં અરીસો છે’, “ધ બેંગાલ ફાઇલ્સ” ને લઈને લોકોએ કેમ આવું કહ્યું ?

  • September 5, 2025
  • 11 views
The Bengal Files release:’આ માત્ર ફિલ્મ નહીં અરીસો છે’, “ધ બેંગાલ ફાઇલ્સ” ને લઈને લોકોએ કેમ આવું કહ્યું ?

Bihar: ભાજપ-આરજેડીના સમર્થકો વચ્ચે “Graduation” ના સ્પેલિંગને લઈ બબાલ

  • September 5, 2025
  • 14 views
Bihar: ભાજપ-આરજેડીના સમર્થકો વચ્ચે “Graduation” ના સ્પેલિંગને લઈ બબાલ

Rajkot: રિબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન, હત્યાના કેસમાં સજા માફીની માંગ

  • September 5, 2025
  • 19 views
Rajkot: રિબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન, હત્યાના કેસમાં સજા માફીની માંગ

ADR report: દેશમાં અડધા મંત્રીઓ સામે ફોજદારી કેસ, જાણો ક્યા પક્ષમાં સૌથી વધુ ગુનેગારો

  • September 5, 2025
  • 20 views
ADR report: દેશમાં અડધા મંત્રીઓ સામે ફોજદારી કેસ, જાણો ક્યા પક્ષમાં સૌથી વધુ ગુનેગારો