
TVK Investment MoUs: તમિલનાડુમાં રોકાણના મુદ્દે વિપક્ષી DMKની ટીકા વચ્ચે મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની આગેવાની હેઠળની TVK સરકારે 112 કંપનીઓ સાથે થયેલા સમજૂતી કરારો (MoU)ની યાદી જાહેર કરી છે. મે 2026થી અત્યાર સુધી થયેલા આ કરારો હેઠળ રાજ્યમાં ₹1,14,811.91 કરોડના રોકાણનો પ્રસ્તાવ છે. સરકારના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ્સથી 1,32,771 લોકોને રોજગારી મળી શકે છે. આ યાદી એવા સમયે જાહેર કરવામાં આવી છે, જ્યારે કેટલીક દક્ષિણ કોરિયાની કંપનીઓએ તમિલનાડુના બદલે આંધ્રપ્રદેશમાં રોકાણ કરવાની પસંદગી કરતાં રાજ્ય સરકારની રોકાણ નીતિ પર સવાલો ઊભા થયા હતા.
દક્ષિણ કોરિયાની કંપનીઓએ તમિલનાડુમાં રોકાણનો નિર્ણય બદલ્યો
હ્યુન્ડાઈ અને કિયા માટે વાહનના ભાગો સપ્લાય કરતી દક્ષિણ કોરિયાની કંપનીઓએ ₹1,614 કરોડના વિસ્તરણ પ્રોજેક્ટ્સ માટે આંધ્રપ્રદેશની પસંદગી કરી હતી. આ નિર્ણય બાદ TVK સરકારને DMK સહિતના વિપક્ષની ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
જોકે, ત્યારબાદ હ્વાશિન ઓટોમોટિવ ઇન્ડિયા અને સિયોન ઈ-હ્વા સમિટ ઓટોમોટિવ ઇન્ડિયાએ તમિલનાડુમાં જ વ્યવસાય વિસ્તારવાનો નિર્ણય કર્યો. બંને કંપનીઓ આગામી પાંચ વર્ષમાં ₹1,370 કરોડનું નવું રોકાણ કરશે. અગાઉ આ કંપનીઓ આંધ્રપ્રદેશમાં રોકાણ કરવાનું વિચારી રહી હતી.
83 પ્રોજેક્ટ્સ જમીન સંપાદનના તબક્કે પહોંચ્યા
નવનિર્મિત તમિલનાડુ રોકાણ પ્રોત્સાહન આયોગ (TNIPC)ની પ્રથમ સમીક્ષા બેઠક બાદ 112 MoUની વિગતો જાહેર કરવામાં આવી હતી. સરકારના જણાવ્યા અનુસાર, કુલ 83 પ્રોજેક્ટ્સ એટલે કે 74.11 ટકા પ્રોજેક્ટ્સ જમીન સંપાદનના તબક્કા સુધી પહોંચી ગયા છે.
ઉદ્યોગ, રોકાણ પ્રોત્સાહન અને વાણિજ્ય મંત્રી એસ. કીર્તનાએ જણાવ્યું કે રોકાણનાં વચનોમાં પારદર્શિતા રાખવાની સાથે તેને સમયસર અમલમાં મૂકવાની જવાબદારી પણ જરૂરી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી સી. જોસેફ વિજયના નેતૃત્વમાં સરકારનું ધ્યાન માત્ર રોકાણ મેળવવા પર નહીં, પરંતુ તેને વાસ્તવિક પ્રોજેક્ટ્સમાં ફેરવીને લોકોને રોજગાર આપવાનું છે.
રોકાણ સંમેલનથી શરૂ થઈ હતી પ્રક્રિયા
આ રોકાણ પ્રસ્તાવોની શરૂઆત ઓગસ્ટ 2026માં યોજાયેલા ‘વેત્રી તમિલનાડુ રોકાણ સંમેલન 2026’થી થઈ હતી. આ સંમેલનમાં 97 MoU પર હસ્તાક્ષર થયા હતા, જેમાં ₹67,542 કરોડથી વધુના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. TVK સરકારના પ્રથમ 100 દિવસમાં કુલ રોકાણ પ્રસ્તાવો ₹1 લાખ કરોડને પાર કરી ગયા હતા.
3 નવેમ્બરે રચાયેલા TNIPCને મોટા રોકાણ પ્રોજેક્ટ્સની પ્રગતિ પર નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. ₹200 કરોડ કે તેથી વધુના રોકાણ ધરાવતા અને ઓછામાં ઓછા 5,000 લોકોને રોજગાર આપવાની ક્ષમતા ધરાવતા પ્રોજેક્ટ્સ પર આયોગ ખાસ ધ્યાન આપશે.
મુખ્ય સચિવ એમ. સાઈ કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રથમ બેઠકમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન, સિંગલ વિન્ડો પોર્ટલ દ્વારા મંજૂરી અને વધારાની ઔદ્યોગિક સબસિડીની જરૂરિયાતની સમીક્ષા કરવામાં આવી હતી. આયોગે નવા પ્રોજેક્ટ્સને સહાય આપવા માટે ₹1,600 કરોડના વધારાના બજેટની માગ કરી છે.
ઓટોમોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં મોટા પ્રસ્તાવો
ઓટોમોબાઇલ અને ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં JK ટાયર દ્વારા ₹5,143 કરોડનું સૌથી મોટું રોકાણ પ્રસ્તાવિત છે. ડેમલર ₹4,000 કરોડ, હિન્દુજા ગ્રુપ અને લુકાસ TVS એન્ડ ગ્રુપ ₹2,500 કરોડનું રોકાણ કરશે. અલ્ટ્રાવાયોલેટે ₹779 કરોડ અને મોટિવ લિંકે ₹300 કરોડના પ્રસ્તાવો આપ્યા છે. સેડેમેક મેકાટ્રોનિક્સ, HL માંડો આનંદ અને ગોલ્ડન ગેટ બેટરી સહિતની કંપનીઓથી આશરે 15,000 લોકોને રોજગાર મળવાની અપેક્ષા છે.
ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં મધરસન ગ્રુપ ₹11,000 કરોડના રોકાણ સાથે સૌથી આગળ છે. તેનાથી 7,000 લોકોને રોજગાર મળી શકે છે. એવલોન ₹1,000 કરોડ અને L&T EPS ₹2,500 કરોડનું રોકાણ કરશે. PTW સેમિકન્ડક્ટર, કાઇનેસિસ અને સુપરમાઇક્રો જેવી કંપનીઓ પણ આ ક્ષેત્રમાં પ્રોજેક્ટ્સ સ્થાપશે.
ડેટા સેન્ટર, એરોસ્પેસ અને નવીનીકરણીય ઊર્જામાં રોકાણ
ડેટા સેન્ટર ક્ષેત્રમાં લાર્સન એન્ડ ટુબ્રો ₹15,000 કરોડ, લાઇટ હાઉસ ગ્રીન ₹10,000 કરોડ અને Nxtra Data ₹1,417 કરોડનું રોકાણ કરશે. ટ્રાઇક્વાન્ટા લેબ્સ અને ક્વોન્ટમ ઇન્ટિગ્રેટેડ મશીન્સ જેવી કંપનીઓ ડીપ-ટેક અને ક્વોન્ટમ ટેક્નોલોજીના ક્ષેત્રમાં કામ કરશે.
એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રમાં ટ્રસ્ટેડ એરોસ્પેસ એન્જિનિયરિંગે ₹1,000 કરોડ અને અગ્નિકુલ કોસ્મોસે ₹400 કરોડના રોકાણનો પ્રસ્તાવ આપ્યો છે. નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં વિક્રમ સોલર BESS ₹15,037 કરોડના રોકાણ સાથે સૌથી મોટો પ્રસ્તાવ ધરાવે છે. તેનાથી 2,670 લોકોને રોજગાર મળી શકે છે.
કાપડ, ફૂટવેર અને અન્ય ઉદ્યોગોમાં પણ પ્રસ્તાવો
કાપડ ક્ષેત્રમાં YKK ₹1,651 કરોડ, MAS હોલ્ડિંગ્સ ₹880 કરોડ, થ્રેડમિલ્સ ફાઇન ડેકોર ₹675 કરોડ અને સુલોચના મિલ્સ ₹500 કરોડનું રોકાણ કરશે. ફૂટવેર ક્ષેત્રમાં ફીનિક્સ કોઠારી ₹1,000 કરોડના રોકાણથી 10,000 લોકોને રોજગાર આપશે, જ્યારે પાઓ લાઈ ₹240 કરોડના રોકાણથી 3,000 લોકોને રોજગાર આપશે.
જહાજ નિર્માણ ક્ષેત્રમાં L&T શિપબિલ્ડિંગે ₹1,100 કરોડ અને વજ્ર હેવી એન્જિનિયરિંગે ₹500 કરોડના પ્રસ્તાવો આપ્યા છે. એવિડ DEM ₹7,000 કરોડના રોકાણથી 12,000 લોકોને રોજગાર આપવાની યોજના ધરાવે છે. વેવા ટોયઝે ₹1,000 કરોડનું રોકાણ જાહેર કર્યું છે. આ ઉપરાંત દવા, રસાયણ, આરોગ્ય, ખાદ્ય પ્રક્રિયા, લોજિસ્ટિક્સ, શિક્ષણ અને હોસ્પિટાલિટી ક્ષેત્રોમાં પણ પ્રોજેક્ટ્સ આવશે.
કાંચીપુરમમાં સૌથી વધુ પ્રોજેક્ટ્સ
જિલ્લાવાર યાદી પ્રમાણે કાંચીપુરમમાં 17 અને તિરુવલ્લુરમાં 15 પ્રોજેક્ટ્સ સ્થાપિત થશે. ચેન્નાઈમાં 10, કોયમ્બતૂરમાં નવ અને કૃષ્ણાગિરીમાં આઠ પ્રોજેક્ટ્સ આવશે. ચેંગલપટ્ટુ અને તૂતીકોરિનમાં સાત-સાત પ્રોજેક્ટ્સ પ્રસ્તાવિત છે. 16 પ્રોજેક્ટ્સ એકથી વધુ જિલ્લાઓમાં સ્થાપિત થશે, જ્યારે ત્રણ પ્રોજેક્ટ્સનાં સ્થળો હજુ નક્કી કરવાનાં બાકી છે.
સરકારનું લક્ષ્ય તમિલનાડુને 1.5 લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું છે. હવે સરકાર સામે મુખ્ય પડકાર જાહેર થયેલા રોકાણ પ્રસ્તાવોને સમયસર જમીન પર ઉતારવાનો અને રોજગારીની તકો ઊભી કરવાનો રહેશે.







