
Vadodara: વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર (VC) વિજય શ્રીવાસ્તવની બુંદેલખંડ યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રીમાં મેળવેલી પીએચડી ડિગ્રી બોગસ હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. યુનિવર્સિટીના પ્રોફેસર સતીષ પાઠકે આ અંગે યુનિવર્સિટી રજિસ્ટ્રારને પત્ર લખી પોલીસ ફરિયાદ નોંધવાની માગ કરી છે. આ ઘટનાએ રાજ્યના શિક્ષણ વિભાગની નિમણૂક પ્રક્રિયા અને ચકાસણી વ્યવસ્થાની ગંભીર ખામીઓ ઉજાગર કરી છે.
પ્રોફેસર સતીષ પાઠકે વિજય શ્રીવાસ્તવની શૈક્ષણિક લાયકાત પર શંકા ઉઠાવીને બુંદેલખંડ યુનિવર્સિટી પાસે તેમના રેકોર્ડની વિગતો માગી હતી. બુંદેલખંડ યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું કે, વિજય શ્રીવાસ્તવનું નામ, રોલ નંબર 149, એનરોલમેન્ટ નંબર 149, કે 2000માં પીએચડી પૂર્ણ કર્યાનો કોઈ રેકોર્ડ તેમની પાસે નથી. આ ખુલાસા બાદ પ્રો. પાઠકે યુનિવર્સિટીને પોલીસ તપાસની માગ સાથે પત્ર લખ્યો. વિજય શ્રીવાસ્તવનો સંપર્ક કરવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા.
પૂર્વ VC વિજય શ્રીવાસ્તવની ડિગ્રી નકલી નીકળી
શ્રીવાસ્તવનો એમ.એસ. યુનિવર્સિટીના VC તરીકેનો ત્રણ વર્ષનો કાર્યકાળ વિવાદોથી ભરેલો રહ્યો. પ્રો. પાઠકે તેમની નિમણૂક અને ડિગ્રીની ચકાસણી માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટના નિર્ણય પહેલાં જ સરકારના ઇશારે શ્રીવાસ્તવે રાજીનામું આપી દીધું. પાઠકે આરોપ લગાવ્યો કે શ્રીવાસ્તવે નકલી ડિગ્રીના આધારે VC પદ હાંસલ કર્યું, અને સરકારે તેમના શૈક્ષણિક દસ્તાવેજોની ચકાસણી ન કરી.
શૈક્ષણિક દસ્તાવેજો વગર નિમણૂક
RTI દ્વારા માગવામાં આવેલી માહિતીમાં શિક્ષણ વિભાગે જણાવ્યું કે શ્રીવાસ્તવના શૈક્ષણિક દસ્તાવેજો ઉપલબ્ધ નથી. આશ્ચર્યજનક રીતે, શ્રીવાસ્તવે યુનિવર્સિટી કે શિક્ષણ વિભાગમાં કોઈ શૈક્ષણિક દસ્તાવેજો રજૂ કર્યા ન હતા, અને માત્ર બાયોડેટાના આધારે તેમને VC ની નિમણૂક આપવામાં આવી.
મનીષ દોષીએ કરી તપાસની માંગ
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ સરકાર પર આક્ષેપ કર્યો કે શ્રીવાસ્તવ સામે યોગ્ય તપાસ કરવામાં આવી નથી અને તેમને રાજીનામું આપીને બચાવવામાં આવ્યા. તેમણે એમ.એસ. યુનિવર્સિટીના અન્ય વિવાદો અને પૂર્વ VC પરિમલ વ્યાસના મુદ્દે પણ તપાસની માગ કરી. આ ઘટનાએ શિક્ષણ વિભાગની પારદર્શિતા અને જવાબદારી પર સવાલો ઉભા કર્યા છે, અને શ્રીવાસ્તવ સામે કડક કાર્યવાહીની માગ વધી રહી છે.
આ પણ વાંચો:
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ
Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ
Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ