
Vadodara: વડોદરાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને વિવાદોના હીરો મધુ શ્રીવાસ્તવે ફરી રાજકારણના મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. ભાજપથી અલગ થયેલા આ નેતાએ નવા કાર્યાલયના ઉદ્ઘાટન સાથે રાજકીય હલચલ મચાવી દીધી છે. સરકારી અધિકારીઓ પર આકરા પ્રહાર કરતાં તેમણે જાહેરમાં હુંકાર ભર્યો કે, “મામલતદાર હોય કે અધિકારી, કાન ખોલી લેજો! 14મું રત્ન ન વાપરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. ભગવાન સિવાય હું કોઈથી ડરતો નથી!”
મધુ શ્રીવાસ્તવની રાજકીય પીચ પર ધમાકેદાર વાપસી
વાઘોડિયામાં નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મધુ શ્રીવાસ્તવે સ્પષ્ટ કર્યું કે, તેઓ તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં ઝંપલાવશે. “વાઘોડિયા અને તાલુકામાં બે નંબરના કાવતરાં ચાલી રહ્યા છે, પણ હું બધાને ઠેકાણે પાડીશ,” એમ તેમણે ગર્જના કરી. તેમણે વચન આપ્યું કે, વાઘોડિયાની જનતાના અધૂરા કામો પૂર્ણ કરવા તેઓ ખડેપગે રહેશે. “મારા ઘરના દરવાજા 24 કલાક ખુલ્લા છે, નાત-જાતના ભેદભાવ વિના હું પ્રજાની સેવા કરીશ,” એમ તેમણે ઉમેર્યું.
સરકારી અધિકારીઓની કામગીરી પર સવાલ
મધુ શ્રીવાસ્તવે સરકારી અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, “જે બે નંબરના ધંધા ચાલે છે, તે બધું બંધ કરીશ.” તેમણે વાઘોડિયાના વિકાસ માટે નવો મોર્ચો ખોલવાની વાત કરી, જેમાં ગંદકી દૂર કરવી, રસ્તાઓનું નવીનીકરણ અને શુદ્ધ પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાનો સમાવેશ થાય છે. “નર્મદાનું પાણી લાવ્યો, પણ વિકાસ અધૂરો રહ્યો. હવે આ ઓફિસ ખોલીને વિકાસની નવી શરૂઆત કરીશ,” એમ તેમણે જણાવ્યું.
ભાજપમાંથી સસ્પેન્ડ થયા બદ કર્યો હતો બળવો
મહત્વનું છે કે, મધુ શ્રીવાસ્તવની દબંગ નેતા તરીકેની છાપ રહી છે, જેઓ વિવાદિત નિવેદનો માટે જાણીતા છે. ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ તેમણે પક્ષ સામે બળવો કરી અપક્ષ ચૂંટણી લડી હતી, જોકે તેમાં તેઓ હારી ગયા હતા. હવે ફરી એકવાર તેઓ રાજકીય મેદાનમાં સક્રિય થયા છે, જેમાં કોંગ્રેસ કે ભાજપથી અલગ રહીને લોકશાહી મોર્ચો બનાવવાની વાત કરી છે.
વાઘોડિયામાં નવા કાર્યાલયનું ઉદ્ઘાટનમાં કરી સ્પષ્ટતા
વાઘોડિયામાં નવા કાર્યાલયનું ઉદ્ઘાટન ગણપતિ પૂજા અને સત્યનારાયણ કથા સાથે થયું. આ પહેલાં મધુ શ્રીવાસ્તવે ગુતાલ ગામે રામાપીર મંદિરમાં રામપીર જયંતી પર નેજા ચઢાવી આશીર્વાદ લીધા. ઉદ્ઘાટન સમારોહમાં વેપારીઓ, કોંગ્રેસના કાર્યકરો અને તેમના ચાહકો ઉપસ્થિત રહ્યા. આ નવી શરૂઆત સાથે મધુ શ્રીવાસ્તવે સ્પષ્ટ કર્યું કે, તેઓ વાઘોડિયાની પ્રજાના હિત માટે અથાક મહેનત કરશે અને વિકાસના અધૂરા કામો પૂર્ણ કરશે.
વડોદરાના રાજકારણમાં ગરમાવો
મધુ શ્રીવાસ્તવની આ ધમાકેદાર વાપસી વાઘોડિયાના રાજકારણમાં નવો રંગ લાવશે. તેમના આકરા નિવેદનો અને વિકાસની યોજનાઓથી ચૂંટણી પહેલાં રાજકીય વાતાવરણ ગરમાશે તે નિશ્ચિત છે.
આ પણ વાંચો:
Jharkhand: ચોરીની શંકામાં મહિલા સાથે દુરવ્યવહાર, સેન્ડલની માળા પહેરાવી ગામમાં ફેરવી
Uttarakhand: હાઈકોર્ટ જતા અધિકારીઓની કાર પર પડ્યો મોટો પથ્થર, માત્ર 1 સેકન્ડ જીવ લઈ લેત
Japanese Protest: ‘જાપાનમાંથી ગેરકાયદેસર રહેતાં લોકોને બહાર કાઢો!’, મસ્કે આપ્યો ટેકો