
Vadodara: મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટીમાં બોગસ ડિગ્રીના આરોપો અને પૂર્વ વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવના રાજીનામા બાદ હવે આ વિવાદે નવું વળાંક લીધું છે. યુનિવર્સિટીના પ્રોફેસર સતીશ પાઠક, જેમણે વિજય શ્રીવાસ્તવની નકલી પીએચડી ડિગ્રીનો પર્દાફાશ કરી તેમને રાજીનામું આપવા મજબૂર કર્યા, તેઓ હવે પોલીસની હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે એમએસયુના પૂર્વ વીસીને તગેડી મુકનારા સતિષ પાઠકની થઇ રહેલી હેરાનગતિ સામે વડોદરા નવનિર્માણ સંઘ મેદાનમાં આવ્યું છે.
શું છે સમગ્ર મામલો?
સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો વિજય શ્રીવાસ્તવ, જે 2022થી જાન્યુઆરી 2025 સુધી એમ.એસ. યુનિ.ના વી.સી. હતા, હાલમાં અમદાવાદની કે.એન. યુનિવર્સિટીમાં વી.સી. તરીકે ફરજ બજાવે છે. તેમણે દાવો કર્યો હતો કે તેમની પીએચડી ડિગ્રી ઉત્તર પ્રદેશની બુંદેલખંડ યુનિવર્સિટીમાંથી 2000માં મેળવી હતી, પરંતુ સર્ટિફિકેટમાં નામ ‘વિજયકુમાર’ હોવાથી શંકા ઉભી થઈ. પ્રોફેસર સતીષ પાઠકે આ ડિગ્રીની સત્યતા પર સવાલ ઉઠાવ્યા અને સોશિયલ મીડિયા તથા મીડિયા દ્વારા આ મુદ્દો ઉજાગર કર્યો. 3 સપ્ટેમ્બર, 2025ના રોજ એક વોટ્સએપ ગ્રુપમાં શ્રીવાસ્તવની ડિગ્રી નકલી હોવાનું PDF વાયરલ થયું, જેના મૂળમાં પાઠક હોવાનું મનાય છે. શ્રીવાસ્તવે બુંદેલખંડ યુનિ. પાસેથી ડિગ્રીની પુષ્ટિ માંગી, અને 4 સપ્ટેમ્બરે યુનિવર્સિટીએ જણાવ્યું કે ખોટા નામ અને રોલ નંબરને કારણે પહેલો રિપોર્ટ ખોટો હતો, અને શ્રીવાસ્તવની ડિગ્રી સાચી છે.
વિજય શ્રીવાસ્તવની સતીષ પાઠક વિરુદ્ધ ફરિયાદ
આ ઘટના બાદ વિજય શ્રીવાસ્તવે સતીષ પાઠક વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં બદનામી અને ખોટી માહિતી ફેલાવવાના આરોપો છે. પોલીસે પાઠકનો લેપટોપ અને મોબાઈલ જપ્ત કર્યા અને 15 સપ્ટેમ્બરે તપાસ માટે બોલાવ્યા છે. પાઠકે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા જતાં ચાર કલાક રાહ જોવી પડી, જ્યારે સોલા પોલીસે તરત ફરિયાદ નોંધી. પ્રોફેસર સતીષ પાઠકને હવે આ તપાસમાં હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસે તેમના જવાબ લીધા છે અને આજ રોજ તેમને બોલાવ્યા છે. ત્યારે સતીષ પાઠક અને તેમના સમર્થકોનું કહેવું છે કે ‘જે વ્યક્તિ લડી રહ્યો છે તેને જ સરકાર સજા આપી રહી છે.’ તેઓ માને છે કે આ રીતે તેમની લડતને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સતિષ પાઠકની થઇ રહેલી હેરાનગતિ સામે વડોદરા નવનિર્માણ સંઘ મેદાનમાં
વડોદરા નવનિર્માણ સંઘના કાઉન્સિલર આશિષ જોશીએ કહ્યું કે, વડોદરા MS યુનિવર્સિટીના પ્રોફેસર સતીશ પાઠકની ખોટી રીતે હારેનગતિ થઈ રહી છે જેનું કારણ છે બોગસ દસ્તાવેજો રજૂ કરીને MS યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બનેલા વિજય શ્રીવાસ્તવને તેમણે ખુલ્લા પાડ્યા છે. ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિદ્યાર્થીઓ અને નાગરિકોને હું આહ્વવાન કર્યું છે કે, આપણી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીની ગરિમાને બચાવવા પ્રોફેસર શ્રી વાસ્તવ જે આબરુ કાઢીને ગયા છે તેની સામે લડત આપનાર પ્રોફેસર સતીષ પાઠકના સમર્થનમાં મોટી સંખ્યામાં જોડાવ તેવું હું સમગ્ર વડોદરા શહેરના નાગરિકોને આહ્વાન કરું છું.
આ પણ વાંચો:
PM Modi: મોદીના સ્વાગત માટે વિદ્યાર્થીઓને વરસાદમાં ઉભા રાખ્યા, બાળકોના સ્વાસ્થ્યનું શું?









