
Valsad News: વલસાડ જિલ્લાના ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી જીબી પેક પ્રા.લિ. નામની પ્લાસ્ટિકની વસ્તુઓનું ઉત્પાદન કરતી આજે કંપનીમાં મંગળવારે સવારે એક ગંભીર દુર્ઘટના ઘટી. કંપનીના પરિસરમાં લોખંડનો શેડ અચાનક તૂટી પડતાં 9 શ્રમિકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. જેમાંથી 1 શ્રમિક ભાવિન જોશીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ દુર્ઘટનામાં 4 શ્રમિકોને સામાન્ય ઈજાઓ થઈ, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા.
પ્રાપ્તા માહિતી અનુસાર આજે 1 જુલાઈ 2025ના રોજ સવારે ઉમરગામ જીઆઈડીસીમાં આવેલી જીબી પેક પ્રા.લિ. કંપનીમાં શ્રમિકો નિયમિત કામગીરીમાં વ્યસ્ત હતા. આ દરમિયાનકંપનીના પરિસરમાં ઊભો કરાયેલો લોખંડનો શેડ અચાનક તૂટી પડ્યો.
શેડ પડતાં જ નચી કામ કરતાં 9 શ્રમિકો દબાઈ ગયા હતા. જેમાં મનમહેન્દ્ર દાસ, શુભમ કુસ્વાહ, અમરનાથ સરોજ, શુભ લાડ, સુરેન્દ્ર બેહેરિયા, સાજીદ ખાન, વિકાસ ચૌધરી, અને ભાવિન જોશીનો સમાવેશ થાય છે. ઘટનાની ગંભીરતાને લીધે કંપનીના મેનેજર, સહકર્મચારીઓ અને આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
1 શ્રમિકનું મોત
ઘટનાની જાણ થતાં જ ઉમરગામ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડે ઝડપથી કાટમાળમાં દબાયેલા નવેય શ્રમિકોને બહાર કાઢ્યા. જોકે, ભાવિન જોશીને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
આ કારણે શેડ તૂટ્યો?
4 શ્રમિકોને સામાન્ય ઈજાઓ થઈ, જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી, જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ કર્મચારીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં ઉમરગામ પોલીસ મથકના પી.આઈ. ચૌધરી અને તેમની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે શેડ પર પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગો મૂકવામાં આવી હતી, જેના વધુ વજનને કારણે ચોમાસાના પવન અને વરસાદમાં શેડ ટકી શક્યો નહીં અને તૂટી પડ્યો.
કંપનીની બેદરકારી પર સવાલ
આ દુર્ઘટનાએ કંપનીની સલામતીના ધોરણો અને વ્યવસ્થાપનની બેદરકારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. લોખંડના શેડ પર પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગો મૂકવી એ સલામતીના નિયમોનું ઉલ્લંઘન દર્શાવે છે. ચોમાસાની ઋતુમાં વરસાદ અને પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને શેડની મજબૂતાઈ અને વજનની ક્ષમતાનું યોગ્ય નિરીક્ષણ ન કરવું એ કંપનીની ગંભીર બેદરકારી દર્શાવે છે. સ્થાનિક લોકો અને કર્મચારીઓમાં આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે.








