
નવી દિલ્હી : રિઝર્વ બેન્ક દ્વારા ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ દર બે વર્ષે પ્રકાશિત કરવામાં આવે છે. તેમા બધા જ નાણાકીય નિયમનકારોના પ્રદાનનો સમાવેશ થાય છે. રિકવરી અને બેડ લોનના માંડવાળની સાથે બેડ એસેટ્સની વૃદ્ધિમાં ઘટાડો કરવાના લીધે ભારતીય બેન્કોની એસેટ ક્વોલિટીમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન સુધારો થયો છે. બેન્કો આના લીધે તેમની મૂડીમાં વૃદ્ધિ પણ કરી શકે છે.
ભારતીય બેન્કોને 12 વર્ષના તળિયે ગયેલો બેડ લોન રેશિયો એટલે કે એનપીએ ક્રેડિટ ગુણવત્તા, વ્યાજદર અને ભૂરાજકીય જોખમોને લગતી સ્થિતિ કથળી તો માર્ચ 2026 સુધીમાં બમણો થઈ પાંચથી સાડા પાંચ ટકાની વચ્ચે થઈ શકે છે, એમ રિઝર્વ બેન્કના સોમવારે પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું હતું. આમ બેડ લોન રેશિયો 2.6 ટકા સાથે 12 વર્ષના તળિયે ગયો તેનાથી બહુ ખુશ થવાની જરૂર નથી. તેવા સંકેત આરબીઆઇએ આપ્યા હતા.
રિઝર્વ બેન્કે નાણાકીય સ્થિરતા પરના અહેવાલમાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2024માં 2.6 ટકાના તળિયે પહોંચેલો બેડ લોનનો રેશિયો માર્ચ 2026 સુધીમાં વધીને ત્રણ ટકાએ પહોંચી શકે છે કેમકે 46 બેન્કો બરોબર આ રેશિયોની લાઇન પર ઊભી છે.
તેને બેઝલાઇન સીનારિયો પણ કહી શકાય. બે જુદાં-જુદાં હાઈ રિસ્ક સીનારિયોની સ્થિતિમાં બેડ લોન રેશિયો પાંચથી 5.3 ટકાએ જઈ શકે છે. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે બેન્કોને સર્વગ્રાહી મૂડી ગુણોત્તર ઘટયો હોવાથી ખરાબમાં ખરાબ સંજોગોમાં પણ કોઈપણ બેન્કની લઘુત્તમ મૂડી જરુરિયાત 9 ટકાથી નીચે નહીં રહે.
છેલ્લા એક વર્ષ દરમિયાન રિઝર્વ બેન્ક નાણાકીય ક્ષેત્રને દરેક પ્રકારની આત્યંતિકતા સામે ચેતવણી આપી હતી. તેમા ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોનને લગતા નિયમો મજબૂત બનાવવામાં આવતા નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે બેન્કો પાસેથી ધિરાણ મેળવવું વધુ આકરું થઈ ગયું છે. તેની સાથે નોન-કોમ્પ્લાયન્ટ લેન્ડરો પર કારોબાર કરવા પર પ્રતિબંધ લાદ્યો છે.








