
- સ્ટાલિને રાષ્ટ્રીય શિક્ષણ નીતિને હિન્દુત્વ પોલિસી કેમ ગણાવી? જાણો
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને બુધવારે આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) એક “હિન્દુત્વ નીતિ” છે અને સીમાંકન દરખાસ્ત ભાજપને રાજકીય ફાયદો કરાવવા માટે બનાવવામાં આવી હતી. ડીએમકે પ્રમુખે એવો પણ દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારનું આ પગલું લોકશાહી અને સંઘવાદના સિદ્ધાંતોને નબળી પાડે છે.
ચેન્નાઈમાં એક પત્રકાર પરિષદને સંબોધતા સ્ટાલિને કહ્યું કે NEP લાગુ કરવાનો ઉદ્દેશ્ય શિક્ષણનું કેન્દ્રીકરણ કરવાનો અને તેને એક ચોક્કસ વિચારધારા સાથે જોડવાનો છે, જેને તેમનો પક્ષ સ્વીકારી શકતો નથી. તેમણે કહ્યું, “આ નીતિ શિક્ષણનું ભગવાકરણ કરવાનો પ્રયાસ છે, અને અમે તેનો સખત વિરોધ કરીએ છીએ.”
સીમાંકનના મુદ્દા પર, સ્ટાલિને દલીલ કરી હતી કે તે દક્ષિણ રાજ્યોનું પ્રતિનિધિત્વ સંસદમાં ઘટાડશે, ખાસ કરીને તમિલનાડુ જેવા રાજ્યોનું જેમણે વસ્તી નિયંત્રણમાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું, “આ એક રાજકીય ચાલ છે. ભાજપ એવા પ્રદેશોને ફાયદો કરાવવા માંગે છે જ્યાં તેમની સ્થિતિ મજબૂત છે. આ સંઘવાદની વિરુદ્ધ છે અને અમે તેને સહન કરીશું નહીં.”
સ્ટાલિને કેન્દ્ર સરકાર પર તમિલનાડુના હિતોની અવગણના કરવાનો આરોપ પણ લગાવ્યો અને કહ્યું કે તેમની સરકાર આ મુદ્દાઓ સામે લડવાનું ચાલુ રાખશે. તેમણે લોકોને એક થવા અને આ નીતિઓ સામે અવાજ ઉઠાવવા હાકલ કરી હતી.
આ સાથે જ તમિલનાડુમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. તેનું નેતૃત્વ સ્ટાલિન કરી રહ્યા છે. એક જાહેર સભામાં સ્ટાલિને NEPને હિન્દીને પ્રોત્સાહન આપવાની નીતિ ગણાવી અને કહ્યું કે તે રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ છે. “અમે NEPનો વિરોધ કરીએ છીએ કારણ કે તે તમિલનાડુની શૈક્ષણિક પ્રગતિને સંપૂર્ણપણે નષ્ટ કરશે. NEP અનામતને સ્વીકારતું નથી, જે સામાજિક ન્યાય છે. આ નીતિ અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC) ને નાણાકીય સહાયથી વંચિત રાખે છે.”
તેમણે કહ્યું કે તમિલનાડુ NEPના ત્રિભાષી સૂત્રને “હિન્દી લાદવાની એક પ્રોક્સી” માને છે. સ્ટાલિને કેન્દ્ર પર NEP સહિત કેટલીક કેન્દ્રીય યોજનાઓના અમલીકરણનો વિરોધ કરવા માટે રાજ્યને ભંડોળ રોકવાનો આરોપ મૂક્યો હતો.
દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) ના વડાએ કહ્યું કે, “જો તમે હિન્દી ભાષા અપનાવશો નહીં તો તમારા રાજ્યને ફંડ આપવાનો ઇનકાર કરવામાં આવશે, તેનાથી વધુ અરાજકતા શું હોઈ શકે?” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્ય 1968થી અમલમાં રહેલી બે ભાષા (અંગ્રેજી અને તમિલ) નીતિ ચાલુ રાખશે.
સ્ટાલિને કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મારી તમને એક અપીલ છે! હિન્દીને બદલે ભારતનો વિકાસ કરવાનો પ્રયાસ કરો.
સ્ટાલિને આરોપ લગાવ્યો કે આ NEP નહીં પણ “ભગવા નીતિ” છે. તેમણે કહ્યું, “મોદીજી, હજારો કરોડ ખર્ચવા છતાં સંસ્કૃતનો વિકાસ થઈ શકતો નથી. તમે એવી ભાષા વિકસાવવા માટે કરોડો ખર્ચ કરશો જે લોકો બોલતા નથી. શું તમે આપણી તમિલ ભાષા સાથે દગો કરશો, જે ઘણા દેશોમાં માન્ય છે અને લોકો બોલે છે?”
સ્ટાલિનનું આ નિવેદન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્ટાલિન સરકાર પર રાજકીય લાભ લેવાનો આરોપ લગાવ્યાના એક દિવસ બાદ આવ્યું છે. પ્રધાને કહ્યું હતું કે ભાષા લાદવા અંગે ડીએમકેના “તાજેતરના હોબાળા” અને એનઇપીના ત્રણ-ભાષા ફોર્મ્યુલાએ તેમના “દંભ”નો પર્દાફાશ કર્યો છે.
પોતાના સંબોધનમાં ડીએમકે વડાએ કહ્યું કે પ્રધાનને લોકશાહી પર તમિલ લોકોને ભાષણ આપવાની જરૂર નથી. સ્ટાલિને લોકસભા બેઠકોના પ્રસ્તાવિત સીમાંકન પર પોતાના વલણનો પુનરાવર્તિત કર્યો અને કહ્યું કે તે માત્ર તમિલનાડુ જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ભારત પર લટકતી તલવાર છે.
સ્ટાલિને કહ્યું, “દક્ષિણ રાજ્યોમાં અપેક્ષિત વિજય ન મેળવી શકનાર ભાજપ ફક્ત ઉત્તરીય રાજ્યોમાં વિજય દ્વારા સત્તા જાળવી રાખવા માંગે છે અને આ ષડયંત્ર છે! તેઓ જે રાજ્યોમાં તેમનો પ્રભાવ છે ત્યાં સાંસદોની સંખ્યા વધારીને પોતાને વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડીએમકે આને રોકશે. અમે દક્ષિણ રાજ્યોના તમામ પક્ષોને સાથે લઈને આને રોકીશું.”
ડીએમકેના વડાએ જણાવ્યું હતું કે તેમણે સાત રાજ્યો – આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને પંજાબ ના 29 પક્ષોને પત્રો મોકલ્યા છે અને 22 માર્ચે ચેન્નાઈમાં આ પક્ષો સાથે એક બેઠક યોજાશે. ડીએમકેએ બુધવારે NEP અને સીમાંકન મુદ્દાઓ પર કેન્દ્રની નિંદા કરવા માટે રાજ્યભરમાં સમાન રેલીઓનું આયોજન કર્યું હતું.
ભાજપે વળતો પ્રહાર કરતાં તમિલાનાડૂના ભાજપના રાજ્ય એકમના વડા કે અન્નામલાઈએ ડીએમકે પર “ભાષાનું રાજકારણ” રમવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, “તમિલનાડુની શિક્ષણ વ્યવસ્થા વિનાશક નીતિઓને કારણે પડી ભાંગી રહી છે, અને આ માટે ડીએમકે સીધી રીતે જવાબદાર છે. શાળાઓને સુધારવાને બદલે તેઓ પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે ભાષાનું રાજકારણ રમી રહ્યા છે.”
આ પણ વાંચો- ચમચી કૌભાંડ: મધ્ય પ્રદેશ સરકારે ₹800માં ચમચી તો 1300 રૂપિયામાં ખરીદ્યો ચમચો







