
- ગુજરાતમાં દર વર્ષે નોંધાઈ રહ્યા છે 71,500થી વધુ કેન્સરના નવા કેસ; બાળકોમાં વધી રહ્યું છે કેસનું પ્રમાણ
ગુજરાતીઓને પોતાના જીવન જીવવાની ઢબ બદલવી પડશે અને સાથે-સાથે પોતાના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે માર્કેટમાં પેકેટમાં મળતી ચીજ-વસ્તુઓ આપવાનું બંધ કરવું પડશે. કેમ કે કેન્સર નામનો રાક્ષસ પ્રતિદિવસ અનેક શિકાર કરી રહ્યો છે. હવે તો કેન્સર નામનો રાક્ષસ બાળકોને પણ પોતાની ચપેટમાં લઈ રહ્યો છે. એક સરકારી આંકડામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં ગુજરાતીઓ પ્રતિદિવસ કેન્સરના ભોગ બની રહ્યા છે.
ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 71,500થી વધુ કેન્સરના નવા કેન્સર કેસ નોંધાઈ રહ્યા છે. હવે બાળકોમાં પણ કેન્સરના કેસનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો દર વર્ષે સરેરાશ 3600થી વધુ બાળકો કેન્સરની ઝપેટમાં આવે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે 15 ફેબ્રુઆરીની ઉજવણી ‘ઈન્ટરનેશનલ ચાઇલ્ડ કેન્સર ડે’ તરીકે કરવામાં આવે છે. ભારતમાં દર વર્ષે સરેરાશ 76,800થી વધુ બાળકોમાં કેન્સરના નવા કેસ નોંધાય છે.
આ પણ વાંચો-સરકારની રાજ્યને ટીબી મુક્ત કરવાના દાવાની નિકળી ગઈ હવા; 45 દિવસમાં જ નોંધાયા 15748 કેસ
ICMR દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર 19 વર્ષની ઉંમર સુધીમાં કેન્સરના જે કેસ નોંધાયા છે, તેમાં 60% જેટલા બાળકો અને 40% બાળકીઓનો સમાવેશ થાય છે. બાળકોને જે કેન્સર મોટાભાગે જોવા મળે છે તેમાં મુખ્યત્વે બ્લડ, બ્રેઇન ટ્યુમર, લ્યુકેમિયા, લિમ્ફોમા છે.
અલબત્ત, વધુ ચિંતાની વાત એ છે કે ગુજરાતમાં 46% બાળકોને કેન્સરની સારવાર મળતી નથી. આ અંગે ડૉક્ટરોએ જણાવ્યું કે, ‘મોડું નિદાન, જાગૃતિ-સંસાધનોનો અભાવ, જેવા પરિબળો મહદ્અંશે જવાબદાર છે. પ્રત્યેક માતા-પિતાએ ડૉક્ટરની સલાહને આધારે તેમના બાળકોને HPV વેક્સિન અપાવવી જોઈએ.
માતા-પિતાએ પોતાના બાળકોમાં નાની વયથી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત કરવા ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો, ભોજનની નબળી આદતો, પર્યાવરણલક્ષી ફેરફારો જેવા પરિબળથી બાળકના સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે.’
આ પણ વાંચો-બ્રહ્માંડમાં સર્જાઈ શકે છે મહાવિનાશ…! વિનાશકારી બ્લેક હોલ ઝડપથી વધી રહ્યો છે આગળ