
Jaya Parvati Vrat 2025 : શિવપુરાણ સહિતનાં પુરાણોમાં માતા પાર્વતીએ ભગવાન શિવશંકરને કેવી રીતે પતિ રૂપે કેવી રીતે પ્રાપ્ત કર્યા તેની કથાનું વર્ણન છે. એ કથા પ્રમાણે માતા પાર્વતીએ અષાઢ સુદ તેરસથી વ્રત કર્યું હતું. એ વ્રતના પ્રતાપે ભોળાનાથ રીઝ્યા અને પાર્વતીજીને પત્ની, અર્ધાંગિનીનું સ્થાન આપ્યું. હિમાલયનાં પુત્રી પાર્વતીએ જે વ્રત કર્યું હતું એ પછીથી જયા પાર્વતી વ્રત તરીકે ઓળખાયું. અષાઢ સુદ તેરસથી 5 દિવસ સુધી 12-13 વર્ષની કુમારિકા અને લગ્નોત્સુક યુવતીઓ આ વ્રત કરતી હોય છે. શ્રાવણ મહિનામાં જે રીતે ભગવાન શંકરના પૂજન-અર્ચનનું માહાત્મ્ય છે એ રીતે જયા પાર્વતી વ્રતમાં માતા પાર્વતીની ભક્તિનું મહત્ત્વ છે. આ વ્રત કરવાથી સુંદર, સુશીલ, ગુણવાન, સ્વસ્થ, ધનવાન પતિની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે. 9મીએ જવારા વાવીને વ્રતારંભ કરવાનો હોય છે. પાંચ દિવસ ઉપવાસ કર્યા પછી 12 જુલાઈએ જાગરણ અને 13 જુલાઈએ પારણાં કરવામાં આવે છે. કાઠિયાવાડ, મધ્ય ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં આ વ્રતનું મહત્ત્વ રહેલું છે.
કેવી રીતે કરવું આ વ્રત?
આ વ્રત કરનારે પાંચેય દિવસ પરોઢિયે ઊઠીને સ્નાન કરવું. શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને માતા પાર્વતી અને ભગવાન શંકરની પૂજા કરવી. પ્રતિમા અથવા છબિને ફૂલ, ફળ અર્પણ કરી ધૂપ અને દીપનાં દર્શન કરાવવા. ત્યાર પછી જયા પાર્વતીની વ્રતકથાનું વાંચન કે શ્રવણ કરવું. 12 જુલાઈએ ભજનકિર્તન સાથે જાગરણ કરવું અને 13 જુલાઈએ મા પાર્વતીની પૂજા કરીને પારણાં કરવા.
જયા પાર્વતી વ્રતની કથા
મા ગિરિજા ભગવાન શિવને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરે છે. શિવજી તે સમયે સમાધિમાં લીન હતા અને સંસારી જીવનથી દૂર રહેતા હતા. એટલે પાર્વતી માતાએ હિમાલય પર્વત પર હજારો વર્ષ સુધી કઠોર તપ કર્યું. ફળ અને કંદમૂળ ખાઈને શિવ નામજપ અને અખંડ ધ્યાન ધર્યું. શિયાળાની કડકડતી ઠંડી અને ઉનાળાની બળબળતા તડકામાં પણ ધ્યાનમાં લીન રહ્યાં. ઠંડી અને ગ્રીષ્મની તપ્તીમાં પણ ધ્યાનમાં લીન રહી. માતા શિવભક્તિમાં બહુ જ લીન થઈ ગયાં હતાં. એટલે દેવતાઓએ તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું.આખરે, શિવજી પ્રસન્ન થયા અને તેમને પત્ની તરીકે સ્વીકાર્યાં. આમ, પાર્વતીએ પોતાની ભક્તિ અને સત્યનિષ્ઠાથી શિવજી જેવા મહાતપસ્વીને પ્રાપ્ત કર્યા.
કથાનો ઉલ્લેખ અને ધાર્મિક મહત્વ
જયા પાર્વતી વ્રતનો સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં વ્રતની વિધિ અને કથા વિસ્તારથી આપવામાં આવી છે. નારદ પુરાણમાં પણ વ્રતનું મહત્ત્વ વર્ણવેલું છે.સૌપ્રથમ અગ્નિદેવે મા પાર્વતીની તપસ્યા ભંગ કરવા પ્રયાસ કર્યો. અગ્નિદેવે તપસ્વિની પાર્વતીના આશ્રમને ચારેકોરથી અગનજ્વાળા પ્રકટાવી. છતાં ગિરિજા શિવધ્યાનમાં જ લીન રહ્યાં. અગ્નિ એમનું તપ ન ઓગાળી શકી. એ પછી ઇન્દ્ર દેવે પરીક્ષા કરી. સ્વર્ગની અપ્સરાઓને હિમાલય મોકલીને નૃત્ય અને સંગીતથી તપસ્યા ભંગ કરવાનો પ્રયાસ કર્યો પણ પાર્વતી માતા ધ્યાનમગ્ન જ રહ્યાં. એ પછી ઇન્દ્રદેવના કહેવાથી કામદેવે ઉમા ગૌરી પર પ્રેમનાં તીર છોડ્યાં પણ એ પણ કામ ન લાગ્યાં. દેવોથી જે ન થઈ શક્યું એ ઋષિ-મુનિઓએ કરવાનો નિશ્ચય કર્યો. ઋષિઓએ ગિરિજાને કઠોર તપસ્યા છોડીને રાજકુમારીની જેમ રહેવા સમજાવ્યાં. શિવને ભિક્ષુક કહ્યા પણ માતા ટસનાં મસ ન થયાં. એ પછી પુત્રીની ચિંતામાં પિતા હિમાલયે પણ પરીક્ષા કરી. પિતાએ શિવ સન્યાસી, તપસ્વી છે. તું સંસારનું સુખ નહીં ભોગવી શકે, કહીને સમજાવ્યાં ત્યારે પાર્વતીજીએ દૃઢતાથી કહ્યું, શિવ જ સૌથી મહાન છે. મારી તપસ્યા એમને જ પ્રાપ્ત કરશે. છેલ્લે શિવજીએ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો અને ભિક્ષુકનું રૂપ ધરીને મા પાર્વતી પાસે ગયા. ભિક્ષુક બનેલા ભગવાને કહ્યું, ‘શિવ તો ભસ્મ લગાવે છે, સર્પ ધારણ કરે છે, તું એમને શા માટે ચાહે છે?’ ત્યારે મા પાર્વતીએ જવાબ આપ્યો, ‘શિવ સર્વોપરી છે, એમના સિવાય મારો કોઈ નથી.’ આ સાંભળીને શિવજી પ્રસન્ન થયા અને વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કર્યું. આ બધી પરીક્ષાઓમાં માતાએ અડગ રહીને ભોળાનાથ પ્રત્યેની ભક્તિ પુરવાર કરી. અને દેવતાઓએ તેમની નિષ્ઠા સ્વીકારી અને શિવજીએ પાર્વતીને પત્ની તરીકે સ્વીકાર્યાં.
જયા પાર્વતી વ્રત પાંચ દિવસનું કેમ હોય છે?
જયા પાર્વતી વ્રત પાંચ દિવસ ચાલે છે, જેમાં દરેક દિવસનો એક વિશેષ અર્થ અને પૌરાણિક પાયો છે. આ પાંચ દિવસની રચના પાર્વતી-શિવના તપ, મિલન અને દામ્પત્ય પ્રેમની ઘટનાઓ સાથે જોડાયેલી છે. પ્રથમ દિવસે વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે. બીજા દિવસે ઉપવાસ સાથે અગ્નિની સાક્ષીએ પૂજન કરવામાં આવે છે. ત્રીજા દિવસે વિશેષ રીતે શિવ-પાર્વતીની પૂજા કરવામાં આવે છે. ચોથા દિવસે ગૌરી (પાર્વતી)ની પૂજા કરવામાં આવે છે. પાંચમા દિવસે વ્રતનું વિસર્જન કરી શિવ-પાર્વતીની વિદાય પૂજા કરવામાં આવે છે.આ પાંચ દિવસ પંચતત્ત્વ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનું પ્રતિનિધિત્વ પણ કરે છે. એ સિવાય પંચાક્ષરી મંત્ર ‘ૐ નમઃ શિવાય’ સાથે સંકળાયેલા છે. તેમાં તપ (તપસ્યા), પૂજા, ધ્યાન, સ્મરણ અને આરાધના, એમ .પાંચ પ્રકારની ભક્તિને પણ ચરિતાર્થ કરે છે.