
Surat: સુરતની સિવિલ હોસ્પિટલની જૂની ઇમારત નજીક આવેલા એક ઊંચા વૃક્ષ પર બે દિવસ પહેલા એક 60 વર્ષીય મહિલા અર્ધનગ્ન હાલતમાં ચઢી ગઈ, જેનાથી આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો. મહિલા ઝાડની ટોચ પર પહોંચી ગઈ હોવાથી ફાયર બ્રિગેડને બોલાવવી પડી, અને ભારે જહેમત બાદ તેને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવી.
શું બની હતી ઘટના?
બે દિવસ પહેલા સુરત સિવિલ હોસ્પિટલની જૂની ઇમારત પાસે એક વિશાળ વૃક્ષ પર મહિલા અચાનક અર્ધનગ્ન હાલતમાં ચઢવા લાગી. આ દૃશ્ય નજીકથી પસાર થતી વિદ્યાર્થિનીઓ અને અન્ય લોકોએ જોયું. મહિલા ઝડપથી 60 ફૂટ ઊંચાઈએ વૃક્ષની ટોચની ડાળીઓ સુધી પહોંચી ગઈ. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને હોસ્પિટલના અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા.
ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યું
ફાયર બ્રિગેડની ટીમ મજુરા ગેટથી ઝડપથી ઘટનાસ્થળે પહોંચી. મહિલા ઊંચાઈએ હોવાથી સુરક્ષા માટે નીચે જાળી ફેલાવવામાં આવી અને ટર્ન ટેબલ લેડર બોલાવવામાં આવ્યું. રેસ્ક્યૂ દરમિયાન મહિલા એક ડાળી તૂટવાથી થોડી નીચે ખસી ગઈ, જેના કારણે ફાયર બ્રિગેડે લેડરને નીચું કરીને તેને પકડવાનો પ્રયાસ કર્યો. મહિલા ભાગવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ ફાયર બ્રિગેડની ટીમે ભારે પ્રયાસો બાદ તેને સુરક્ષિત રીતે પકડી લીધી.
મહિલાની માનસિક સ્થિતિ
રેસ્ક્યૂ બાદ મહિલાને અર્ધનગ્ન હાલતમાં હોવાથી સાડી વીંટાળીને લેડર દ્વારા નીચે ઉતારવામાં આવી. તેની માનસિક સ્થિતિ નબળી લાગતાં, સુરક્ષા માટે તેને સ્ટ્રેચર સાથે બાંધીને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવી.
પરિવારે શું કહ્યું ?
મળતી માહિતી અનુસાર, મહિલા સુરત જિલ્લાના ઉચ્છલ વિસ્તારની રહેવાસી છે. તેના પતિનું થોડા દિવસ પહેલાં સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન થયું હતું, અને તે તેમની સંભાળ માટે હોસ્પિટલમાં રોકાયેલી હતી. આ દરમિયાન રાત્રે મહિલા ગુમ થઈ ગઈ હતી, અને બપોરે અચાનક આ ઘટના બની. પરિવારનું કહેવું છે કે મહિલાને કોઈ માનસિક બીમારી નથી, અને તે અત્યાર સુધી પતિની સારસંભાળ સારી રીતે કરી રહી હતી.
આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે, અને મહિલાની માનસિક સ્થિતિ અંગે હોસ્પિટલમાં તપાસ ચાલી રહી છે. એવી વિગતો સામે આવી છે કે, મહિલા માનસિક રીતે બિમાર છે.
આ પણ વાંચો
Gujarat politics : અમદાવાદના સવા લાખ ગુમનામ મતદારો,લાલ શાહીથી મતદારોને ડિલીટ કરી દેવાયા