
Ahmedabad Bomb Blast Case: વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસની ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી અપીલ અને સજા કન્ફર્મેશનની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય લઈને સ્ટે આપ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન લાઈવ સ્ટ્રીમિંગ પર ગુજરાત હાઈકોર્ટે પ્રતિબંધ મૂક્યો હતો, જેની સામે એક અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજદારે માંગ કરી હતી કે આ કેસના વકીલો અલગ-અલગ રાજ્યો અને શહેરોમાંથી છે, તેથી સુનાવણી વર્ચ્યુઅલ માધ્યમથી યોજવી જોઈએ અને તેનું લાઈવ સ્ટ્રીમિંગ પણ થવું જોઈએ. આ માંગને ધ્યાને લઈને સુપ્રીમ કોર્ટે હાલ ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી રોજબરોજની સુનાવણી પર સ્ટે લગાવ્યો છે. આ મામલે વધુ સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે છ અઠવાડિયા બાદનો સમય નક્કી કર્યો છે, એમ છ આરોપીઓનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ ઉત્કર્ષ દવેએ જણાવ્યું હતું.
2008 માં શું થયું હતુ?
વર્ષ 2008ની 26 જુલાઈએ અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં 22 જગ્યાએ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 56 નિર્દોષ લોકોનાં મોત થયાં હતાં અને 246 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે અમદાવાદ સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી. 2009માં દાખલ થયેલા આ કેસનો ચુકાદો 13 વર્ષની લાંબી કાનૂની પ્રક્રિયા બાદ 18 ફેબ્રુઆરી, 2022ના રોજ આવ્યો હતો. સેશન્સ કોર્ટે 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, જેમાંથી 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે 29 આરોપીઓને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવામાં આવ્યા હતા.
આ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપીઓ અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ, મધ્યપ્રદેશ, કેરળ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઝારખંડના રહેવાસી હતા. તેમની સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની હત્યા, રાજદ્રોહ અને રાષ્ટ્ર સામે યુદ્ધ છેડવાની કલમો ઉપરાંત, ગેરકાનૂની પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ (UAPA), એક્સપ્લોઝિવ સબસ્ટેન્સ એક્ટ, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુના નોંધવામાં આવ્યા હતા.
આ કેસમાં કુલ 35 એફઆઈઆર નોંધાઈ હતી અને 548 ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 6,000થી વધુ પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા, અને 1,163 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સેશન્સ કોર્ટનો ચુકાદો 7,000 પાનાંનો હતો, જ્યારે આ કેસની પેપર બુકમાં કુલ 7.88 લાખ પાનાંનો સમાવેશ થયો હતો. આ એક અત્યંત જટિલ અને વ્યાપક કાનૂની પ્રક્રિયા હતી, જેમાં દરેક પાસાંની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
હાઈકોર્ટમાં અપીલ અને સજા કન્ફર્મેશન
સેશન્સ કોર્ટ દ્વારા 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી હોવાથી રાજ્ય સરકારે આ સજાના અમલ માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. બીજી તરફ, 48 દોષિત આરોપીઓએ તેમની સજા સામે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. આ અપીલો અને સજા કન્ફર્મેશનની અરજીઓ પર હાઈકોર્ટમાં રોજબરોજની સુનાવણી ચાલી રહી હતી, પરંતુ હાઈકોર્ટે આ સુનાવણીના લાઈવ સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ પ્રતિબંધના વિરોધમાં અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેના પરિણામે હવે સુનાવણી પર સ્ટે લાગ્યો છે.
અરજદારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસમાં સામેલ વકીલો દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી આવે છે, જેના કારણે તેમના માટે ગુજરાત હાઈકોર્ટમાં રૂબરૂ હાજર રહેવું મુશ્કેલ બની રહે છે. આથી, સુનાવણી વર્ચ્યુઅલ માધ્યમથી યોજવાની માંગ કરવામાં આવી હતી. વધુમાં, અરજદારે એવી પણ માંગ કરી હતી કે આ કેસની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ થવું જોઈએ, જેથી પારદર્શિતા જળવાઈ રહે અને જનતા આ મહત્વના કેસની કાર્યવાહી જોઈ શકે. આ દલીલોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટની સુનાવણી પર સ્ટે આપ્યો છે અને આ મુદ્દે વધુ સુનાવણી માટે છ અઠવાડિયાનો સમય આપ્યો છે.
આ પણ વાંચો:
Ahmedabad: સેવન્થ ડે સ્કૂલ પર ફરી સ્થિતિ બેકાબૂ, પોલીસનો લોકો પર લાઠીચાર્જ, ભારે વિરોધ
Lipulekh Dispute: લિપુલેખ વિવાદ શું છે?, જેના પર ભારત-નેપાળ ફરી આમને સામને આવી ગયા?
Ahmedabad: ભ્રષ્ટાચારના પ્રતિકનું પતન, ખોખરા બ્રિજ તોડવાનું શરું, જુઓ