
Pakistan Imran Khan News : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડા ઈમરાનખાનની જેલમાં હત્યા કરી નાખવામાં આવી હોવાના પ્રસરેલા અહેવાલો બાદ આખરે ઈમરાન ખાનની બહેન ડૉ. ઉઝમા ખાનને આજે જેલમાં ઈમરાનને મળવાની મંજૂરી આપવામાં આવતા બહેન 28 દિવસ બાદ ભાઈને મળી શક્યા હતા.
ઓગસ્ટ-2023થી જેલમાં બંધ ઈમરાન ખાનને તેમના પરિવાર સાથે મળવા નહિ દેવાતા ઈમરાનની હત્યા થઈ ગઈ હોવાનો દાવો કરવામાં આવતો હતો અને વિશ્વભરના મિડિયામાં આ અહેવાલો પ્રસારિત થતાં ભારે સસ્પેન્સ ઉભુ થયુ હતું.
દરમિયાન,બહેન ડૉ. ઉઝમા ખાને ઈમરાન સાથે 20 મિનિટ મુલાકાત કર્યા બાદ જેલમાંથી બહાર આવીને પુષ્ટિ કરી છે કે, ‘ઈમરાન ખાનની તબિયત ઠીક છે, પરંતુ તેમને જેલમાં પરેશાન કરવામાં આવી રહ્યા છે.
તેમને આખો દિવસ એક રૂમમાં બંધ રાખવામાં આવે છે.તેમણે ઇમરાન ખાન પર થઈ રહેલા અત્યાચાર માટે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને જવાબદાર ઠેરવ્યા છે.
લાંબા સમય સુધી મુલાકાતની મંજૂરી ન મળવાને કારણે ઈમરાન ખાનના પુત્ર કાસિમ ખાને X પર પોસ્ટ કરીને પોતાના પિતાના જીવિત હોવાનો પુરાવો રજૂ કરવાની માંગણી કરી હતી. વકીલોના એક જૂથે ઈમરાન ખાનને એકાંતમાં રાખવા બદલ સરકાર વિરુદ્ધ ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર પ્રદર્શન પણ કર્યું હતું.ઈમરાન ખાનના સમર્થકો મોટી સંખ્યામાં અડિયાલા જેલની બહાર મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.
આજે મંગળવારે (2 ડિસેમ્બર, 2025) ના રોજ ઇસ્લામાબાદ હાઇકોર્ટ અને અદિયાલા જેલની બહાર પીટીઆઈ દ્વારા ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના મુલાકાત અધિકારો પર પ્રતિબંધો સામે વિરોધ પ્રદર્શન બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે. પાર્ટીએ દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ વડા પ્રધાનના પરિવાર અને પક્ષના નેતાઓને છેલ્લા ઘણા અઠવાડિયાથી તેમને મળવાની મંજૂરી નથી.
ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીના જણાવ્યા અનુસાર, 27 ઓક્ટોબરથી કોઈને પણ ઇમરાન ખાન કે તેમની પત્ની બુશરા બીબીને મળવાની મંજૂરી આપવામાં આવી નથી. ઇમરાન ખાનની પાર્ટી, પીટીઆઈ દ્વારા વિરોધ પ્રદર્શનો પહેલા ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી.
પાકિસ્તાનના ગૃહ રાજ્યમંત્રી, તલાલ ચૌધરીએ કડક સૂચનાઓ જારી કરી હતી કે કલમ 144નું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
તલાલ ચૌધરીએ ચેતવણી આપી હતી કે, “ભલે તેઓ ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં આવે કે અદિયાલા જેલમાં, કલમ 144 હેઠળ ભેદભાવ વિના કાર્યવાહી કરવામાં આવશે.” તેમણે ખાસ કરીને પીટીઆઈ સમર્થિત ધારાસભ્યોને કાયદાનું પાલન કરવાની અપીલ કરી હતી.
અત્રે, ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી સોહેલ આફ્રિદી જ્યારે ઈમરાન ખાનને મળવા જેલ ઉપર ગયા ત્યારે તેઓને મળવા દેવામાં આવ્યા ન હતા અને પોલીસે રોડ ઉપર ઢસડીને માર મારવામાં આવ્યો હતો.
જોકે,ચારેતરફથી ભીંસ વધતા જેલ પ્રશાસને આજે બહેન ડૉ. ઉઝમા ખાનને મળવા દેવાતા ઈમરાન જીવિત હોવાની વાત સાફ થઈ ગઈ છે.
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!





