
Sanjay Raut: મુંબઈના સરહદી વિસ્તારમાં આવેલા મીરા રોડ પર પૂનમ ક્લસ્ટર-૧ નામના રહેણાંક સંકુલની અંદર વર્ષોથી ચાલતી ભાઈચારાની પરંપરાને તોડવાનો એક શરમજનક પ્રયાસ સામે આવ્યો છે. આ સોસાયટીમાં ૬૦૦ ફ્લેટ છે, જેમાં સરખી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ પરિવારો વર્ષોથી કોઈ પણ વિવાદ વિના તમામ તહેવારો સાથે ઉજવતા આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ રહેવાસીઓએ ઈદ-ઉલ-અઝહા (બકરીઈદ) ની ધાર્મિક કુરબાની માટે ખરીદેલા બકરા રાખવા સોસાયટીની અંદર એક મંડપ બનાવ્યો હતો. જોકે, આ વખતે બ્રાહ્મણ સમુદાયના માત્ર ત્રણ પરિવારોએ કથિત રાજકીય પીઠબળ સાથે આનો ઉગ્ર વિરોધ કર્યો અને મહાનગરપાલિકા પાસે કાર્યવાહી કરાવીને મંડપ હટાવવાની જીદ પકડી, જેના કારણે દિવસો સુધી વિવાદ ચાલતો રહ્યો.
બકરા સામે ભૂંડ અને સોસાયટીની બહાર હનુમાન ચાલીસાના પાઠ
આ વિવાદે ૨૬ મેના રોજ ત્યારે એક અત્યંત વરવું અને નાટકીય સ્વરૂપ ધારણ કરી લીધું જ્યારે કથિત દક્ષિણપંથી સંગઠનોની એક મોટી ભીડ એક જીવતા ભૂંડને સાથે લઈને સોસાયટીના ગેટ બહાર ભેગી થઈ ગઈ અને મુસ્લિમ તહેવારના વિરોધમાં હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરી દીધા. સોશિયલ મીડિયા પર વાયરાલ થયેલા એક વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ટીવી પત્રકારોના હોબાળા અને ઉશ્કેરાયેલી ભીડ વચ્ચેથી એક લાચાર પોલીસકર્મી માંડ-માંડ તે ભૂંડને પોતાના હાથમાં પકડીને બહાર લઈ જઈ રહ્યો છે, જ્યારે ડઝનબંધ લોકો તે જાનવરને પોલીસના હાથમાંથી ઝૂંટવી લેવાની કોશિશ કરી કોમી હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તહેવારના નામે પશુનો આવો દુરુપયોગ સત્તાના ઈશારે સમાજમાં ઝેર ઘોળવાની હીન માનસિકતા દર્શાવે છે.
ચૂંટણીઓ નજીક આવતા જ ભાજપ ગઠબંધન દ્વારા ધ્રુવીકરણનો આક્ષેપ
આ ગંભીર ઘટના બાદ શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રની વર્તમાન ભાજપ-શિંદે શાસક સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા તેમણે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો કે, “આ કોઈ સામાન્ય સોસાયટીનો વિવાદ નથી પરંતુ સંપૂર્ણપણે રાજકીય બાબત છે. બે ધર્મો વચ્ચે ધ્રુવીકરણ ઊભો કરવાનો આ સત્તાધારીઓનો સુનિયોજિત પ્રયાસ છે.” રાઉતે ચેતવણી આપતા કહ્યું કે જેમ-જેમ રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવશે, તેમ-તેમ વોટબેંકના સ્વાર્થ માટે આવા કોમી તણાવ ફેલાવવાની ઘટનાઓ સત્તા પક્ષ દ્વારા હજુ વધુ વધારવામાં આવશે, કારણ કે તેઓ દાયકાઓથી માત્ર આ જ નફરતનું રાજકારણ કરતા આવ્યા છે.
કામાખ્યા મંદિરની પશુ બલિ પર શાસક પક્ષ અને ગોદી મીડિયાની બોલતી બંધ
સંજય રાઉતે હિન્દુત્વના નામે નાટક કરતા સંગઠનો અને શાસક પક્ષના બેવડા વલણને ખુલ્લું પાડતા સવાલ કર્યો કે, “જે લોકો ઈદ પર કુરબાનીની વાતો કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તેઓ પહેલા એ જવાબ આપે કે આસામના પ્રખ્યાત કામાખ્યા મંદિરમાં ધાર્મિક વિધિના નામે દર વર્ષે કેટલા પાડાઓની બલિ આપવામાં આવે છે?” તેમણે બળાપો કાઢતા કહ્યું કે સત્તાધારી તંત્રને પોતાની ધાર્મિક પ્રથાઓ અને પશુ બલિ બિલકુલ યોગ્ય લાગે છે, પરંતુ રાજકીય રોટલા શેકવા માટે બીજા ધર્મની સદીઓ જૂની કુરબાનીની પ્રથાથી અચાનક મુશ્કેલી ઊભી થઈ જાય છે. આ બતાવે છે કે કાયદો અને વહીવટી તંત્ર માત્ર એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરવા માટે હથિયાર બની ગયા છે.
મહારાષ્ટ્ર માંસાહારીઓ અને ક્ષત્રિયોની ધરતી: સંજય રાઉત
પોતાના આક્રમક અંદાજમાં શિવસેના નેતાએ સ્પષ્ટ કર્યું કે મહારાષ્ટ્રની સંસ્કૃતિને શાકાહાર-માંસાહારના નામે વહેંચવાનો પ્રયાસ કરનારાઓ ભૂલી રહ્યા છે કે મહારાષ્ટ્ર એ છત્રપતિ શિવાજી મહારાજની ધરતી છે. તેમણે કહ્યું, “અમે ક્ષત્રિય છીએ, અમે મરાઠા છીએ અને મહારાષ્ટ્ર મૂળભૂત રીતે માંસાહારીઓની ધરતી છે. તેથી અમે આવી કુરબાનીઓ અને પરંપરાઓનું સન્માન કરતા આવ્યા છીએ અને કરતા રહીશું.” તેમણે આગળ ઉમેર્યું કે મરાઠાઓ માત્ર પશુઓની જ નહીં, પરંતુ દેશની રક્ષા માટે સરહદ પર સર્વોચ્ચ બલિદાન આપવામાં પણ ક્યારેય પાછા પડતા નથી. જો આવા સર્વોચ્ચ બલિદાનો નહીં અપાય તો દેશ અને મહારાષ્ટ્રની અસ્મિતાને બચાવી શકાશે નહીં.
સરકારી આતંક અને પોલીસ છાવણીમાં ફેરવાયેલી સોસાયટીઓ
મીરા રોડની આ ઘટનાની સામાજિક અસરો મુંબઈના અન્ય શાંત વિસ્તારોમાં પણ અત્યંત ડરામણી રીતે ફેલાઈ છે. પૂનમ ક્લસ્ટરમાં થયેલા હંગામા બાદ મીરા-ભાયંદર-વસઈ-વિરાર (MBVV) પોલીસે સમગ્ર વિસ્તારમાં અને મુસ્લિમ વસ્તીવાળા સંવેદનશીલ વિસ્તારોમાં ભારે પોલીસ ફોર્સ ખડકી દીધો છે. પ્રશાસનના આ પક્ષપાતી વલણ અને કથિત ગુંડાઓના ડરને કારણે શહેરની અન્ય હાઉસિંગ સોસાયટીઓમાં પણ મુસ્લિમ પરિવારોએ તંત્રની અગાઉથી મળેલી સત્તાવાર પરવાનગી હોવા છતાં, કોઈ મોટો વિવાદ ન થાય તે માટે પોતાના બકરાઓને નક્કી કરેલી જગ્યાઓ પરથી હટાવવા પડ્યા છે. લઘુમતીઓને ડરના ઓથાર હેઠળ જીવવા મજબૂર કરતું આ શાસક પક્ષનું નવું નફરતનું મોડેલ છે.
આ પણ વાંચો:
Narendra Modi: મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી ઈટાલિયન ગાંધીની- MODI – thegujaratreport.com
Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે? – thegujaratreport.com







