
Sonam Wangchuk: દેશમાં જ્યારે પણ યુવાનો પોતાના હક અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે છે, ત્યારે દિલ્હીના શાસકો પોલીસ તંત્રનો ઉપયોગ કરીને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે. આ સરમુખત્યારશાહી વલણ સામે આબોહવા કાર્યકર્તા સોનમ વાંગચુકે આરપારની લડાઈનું એલાન કર્યું છે. તેમણે ગુરુવારે દિલ્હીના જંતર-મંતર પર પ્રસ્તાવિત પ્રદર્શન પહેલાં સરકારને ખુલ્લી ચેતવણી આપી છે. વાંગચુકે જાહેરાત કરી છે કે જો ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સ્થાપક અભિજીત દીપકે અથવા આ આંદોલનના અન્ય કોઈ પણ સભ્યની ધરપકડ કરવામાં આવશે, તો તેઓ ૪૨ દિવસની ભૂખ હડતાલ પર ઉતરી જશે. આ સરકારી દમન સામે લડવા માટે તેઓ ખુદ લદ્દાખથી દિલ્હી આવી રહ્યા છે.
ભૂખ હડતાલનું એલાન
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરેલા એક વિડીયો સંદેશમાં સોનમ વાંગચુકે દેશની જનતાને સંબોધતા કહ્યું કે, “હું તમને મળવા માટે લદ્દાખથી દિલ્હી આવી રહ્યો છું અને જંતર-મંતર પર પ્રદર્શનમાં સામેલ થઈશ.” પરંતુ, તેમણે શાસકોની દમનકારી નીતિઓનો પર્દાફાશ કરતા ઉમેર્યું કે, જો કોઈ પણ કારણસર વહીવટી તંત્ર દ્વારા તેમની અથવા કોકરોચ જનતા પાર્ટીના કોઈ પણ સભ્યની ધરપકડ કરવામાં આવી, તો તેઓ એક મોટું અને આકરૂ પગલું ભરવા મજબૂર થશે. વાંગચુકે સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપી છે કે ધરપકડ થતાંની સાથે જ તેઓ ૬ અઠવાડિયા એટલે કે ૪૨ દિવસની ભૂખ હડતાલ શરૂ કરી દેશે.
HOPE FOR THE BEST, PREPARE FOR THE WORST.
Let’s make this the most peaceful movement in India’s history.
Please be vigilant that no miscreants play mischief.
See you all in Delhi tomorrow…#CockroachJantaParty #CJP #SonamWangchuk pic.twitter.com/qJAwal2wIy— Sonam Wangchuk (@Wangchuk66) June 5, 2026
યુવાનો સાથે જોડાણ
પોતાના આકરા તેવર બતાવતા વાંગચુકે કહ્યું કે, તેઓ પોતે પણ આશ્ચર્યચકિત છે કે આટલા ટૂંકા ગાળામાં તેઓ કોકરોચ જનતા પાર્ટી અને દેશના યુવાનો સાથે આટલા ઊંડાણપૂર્વક કેવી રીતે જોડાઈ ગયા. તેમણે આ આંદોલનની આગેવાની કરી રહેલા યુવાનોની પ્રશંસા કરતા જણાવ્યું કે, આ કોઈ વિદેશી કાવતરું નથી પરંતુ દેશના અત્યંત સરળ, પ્રમાણિક, સાચા અને દેશભક્ત યુવાનોનો અવાજ છે. NEET પેપર લીક અને શિક્ષણ મંત્રાલયની નિષ્ફળતાઓ સામે લડી રહેલા આ યુવાનોના સમર્થનમાં ઉતરીને તેમણે સાબિત કરી દીધું છે કે સત્તાના નશામાં અંધ બનેલી સરકાર સામે હવે દેશનો બુદ્ધિજીવી વર્ગ પણ રસ્તા પર ઉતરવા તૈયાર છે.
શાંતિપૂર્ણ આંદોલનની અપીલ
સરકારી તંત્ર હંમેશા આંદોલનોને બદનામ કરવા અથવા હિંસા ભડકાવવા માટે પોતાના માણસો મોકલતું હોય છે, તે વાતથી વાંગચુક પૂરેપૂરા વાકેફ છે. આથી જ તેમણે દેશભરના સમર્થકોને આ વિરોધ પ્રદર્શનને ઇતિહાસનું સૌથી શાંતિપૂર્ણ આંદોલન બનાવવાની અપીલ કરી છે. તેમણે કાર્યકર્તાઓને ખાસ તાકીદ કરી છે કે કોઈપણ પ્રકારની ઉશ્કેરણીના પ્રયાસો સામે ચેતતા રહેવું. શાસકોને હિંસાનું બહાનું ન મળે તે માટે તેમણે યુવાનોને પૂરી રીતે શાંતિ જાળવી રાખવાનો આગ્રહ કર્યો છે અને સત્તાધીશોના કોઈ પણ તોફાની તત્વોની ગડબડ સામે સતર્ક રહેવા જણાવ્યું છે.
વાંગચુકે આંદોલનકારીઓને અપીલ કરતા કહ્યું કે, “મારું આપને નમ્ર નિવેદન છે કે આપ માત્ર એક પાણીની બોટલ, પોતાનો મોબાઇલ ફોન અને કેટલાક ફૂલો લઈને જ જંતર-મંતર પર આવો.” તેમણે સ્પષ્ટ કર્યું કે આ સત્તા અને જનતા વચ્ચેની વૈચારિક લડાઈ છે, તેથી લાકડી, પથ્થર કે એવી કોઈ પણ હિંસક વસ્તુ લાવવાની બિલકુલ જરૂર નથી. જો કોઈ વ્યક્તિ આવી શંકાસ્પદ વસ્તુઓ લાવે છે અથવા હિંસા ભડકાવવાનો પ્રયાસ કરે છે, તો તરત જ તેનો લાઈવ વિડીયો રેકોર્ડ કરીને નજીકની પોલીસને જાણ કરો, જેથી સરકારને આ ઐતિહાસિક યુવા આંદોલનને બદનામ કરવાનો કોઈ મોકો ન મળે.
આ પણ વાંચો:








