
India Pedestrian Deaths Report: ભારતમાં રસ્તાઓ પર મોતનો આંકડો માત્ર આંકડાકીય માહિતી નથી, પરંતુ એક ભયાનક વાસ્તવિકતા છે. વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪ દરમિયાન ભારતના રસ્તાઓ પર દર વર્ષે સરેરાશ ૩૦,૫૦૦ થી વધુ પદયાત્રીઓએ જીવ ગુમાવ્યા છે. સડક પરિવહન મંત્રાલયના અહેવાલો દર્શાવે છે કે પગપાળા ચાલનારાઓ માટે ભારત એક મૃત્યુભૂમિ સમાન બની રહ્યું છે. સૌથી આઘાતજનક બાબત એ છે કે આ મોત માત્ર ગીચ શહેરોની સમસ્યા નથી, પણ રાષ્ટ્રીય રાજમાર્ગો (NH) પર થતા અકસ્માતોમાં ૩૦ ટકા મોત પદયાત્રીઓના હોય છે. વિકાસના નામે હાઇવે તો બનાવી દેવાયા, પરંતુ તેની બાજુમાં ચાલનાર માનવીની સુરક્ષા માટે કોઈ સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું નથી. આ આંકડાઓ એ સાબિત કરે છે કે ભારતમાં રસ્તાનો ઉપયોગ કરનારાઓમાં પગપાળા ચાલનારાઓ સૌથી વધુ જોખમ ધરાવે છે.
નેશનલ હાઇવે પર પદયાત્રીઓના સૌથી વધુ મોત થવા એ દર્શાવે છે કે આપણે હાઇવેનું નિર્માણ કરતી વખતે માત્ર વાહનોની ઝડપને ધ્યાનમાં રાખી છે, માણસને નહીં. ૫૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં કુલ મોતના ૧૨-૧૩ ટકા હિસ્સો નોંધાય છે, જેનો અર્થ એ છે કે બાકીના ભયાનક મોત રાજ્ય રાજમાર્ગો, ગ્રામીણ રસ્તાઓ અને જિલ્લાના મુખ્ય માર્ગો પર થાય છે. જ્યાં સરકારો ગતિશીલતા (mobility) ની મોટી વાતો કરે છે, ત્યાં આ પદયાત્રીઓ ક્યાંય ચિત્રમાં નથી. આ રસ્તાઓનું માળખું જ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે ત્યાં પગપાળા ચાલવું એ જાણે મોતને આમંત્રણ આપવા જેવું છે. સરકાર અને સડક નિર્માણ કરતી એજન્સીઓ માટે આ એક મોટો આઈના સમાન છે કે તેમના દ્વારા બનાવાયેલા રસ્તાઓ જ સામાન્ય માણસના જીવ લેનારા સાબિત થઈ રહ્યા છે.
સુરક્ષિત ફૂટપાથનો અભાવ
તાજેતરના આંકડા મુજબ, લગભગ ૫૪ ટકા અકસ્માતો ટુ-વ્હીલર અને કાર દ્વારા થાય છે. વર્ષ ૨૦૨૪માં માત્ર આ વાહનોના કારણે ૧૯,૬૮૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નિષ્ણાતો સ્પષ્ટ કહે છે કે આ અકસ્માતો પાછળનું મુખ્ય કારણ કોઈ ડ્રાઈવરની ભૂલ કરતાં પણ વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અછત છે. આપણે શહેરો એવા બનાવ્યા છે કે જેમાં ગાડીઓ માટે તો પાકા રસ્તા છે, પણ પદયાત્રીઓ માટે સુરક્ષિત ફૂટપાથ કે ક્રોસિંગની કોઈ વ્યવસ્થા નથી. બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગો માટે તો આ રસ્તાઓ કોઈ યુદ્ધના મેદાન જેવા બની ગયા છે. જ્યારે રસ્તાઓ પર માત્ર વાહનોનું જ વર્ચસ્વ હોય, ત્યારે પદયાત્રીનું અસ્તિત્વ ગૌણ થઈ જાય છે. આ માળખાકીય સુવિધાઓની કમી એ કોઈ કુદરતી હોનારત નથી, પણ આયોજનની નિષ્ફળતા છે.
સર્વોચ્ચ અદાલતની ટકોર
સુપ્રીમ કોર્ટે અગાઉ બંધારણની કલમ ૨૧ હેઠળ ફૂટપાથ પર ચાલવાના અધિકારને મૂળભૂત અધિકાર ગણાવ્યો છે અને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સરકારોએ પગપાળા ચાલનારાઓ માટે કાયદો બનાવવો જોઈએ. પરંતુ જમીની હકીકત એ છે કે અદાલતના આ આદેશોને કાગળ પર જ દફનાવી દેવામાં આવ્યા છે. સડક સુરક્ષા કામ જોઈ ચૂકેલા નિષ્ણાત અભય દામલેનું માનવું છે કે, સમસ્યા ધોરણોની નથી પણ તેને લાગુ કરવાની છે. જમીની સ્તર પર નિયમોનું પાલન કરાવવાની કોઈ ઈચ્છાશક્તિ નથી. જ્યારે સત્તાધારીઓ રસ્તાઓ પર ગાડીઓનો ઠાઠ જોવે છે, ત્યારે તેમને રસ્તાની કિનારે ચાલતા સામાન્ય નાગરિકની પરવા હોતી નથી. મૂળભૂત અધિકારોની આવી અવગણના એ ભારતીય લોકશાહી અને ન્યાયતંત્રની ગરિમા સામે એક મોટો પ્રશ્ન છે.
રાજ્યોની નિષ્ફળતા
જો આપણે રાજ્યવાર સ્થિતિ જોઈએ, તો તમિલનાડુમાં સૌથી વધુ ૪,૭૧૨ મોત, ત્યારબાદ બિહાર (4,149), મહારાષ્ટ્ર (3,344) અને પશ્ચિમ બંગાળ (3,241) નો નંબર આવે છે. આ આંકડા કોઈ ચોક્કસ રાજ્યની વાત નથી, પણ આખા દેશમાં ફેલાયેલી આ માનવસર્જિત આપત્તિ છે. શહેરોની વસ્તી વધી રહી છે પણ પદયાત્રીઓની સુરક્ષાના સાધનો ઘટતા જાય છે. ૫૦ લાખથી વધુ વસ્તી ધરાવતા મોટા શહેરોમાં પણ ૧૧-૧૨ ટકા મોત પદયાત્રીઓના થાય છે, જે દર્શાવે છે કે આધુનિકતાના ગઢ ગણાતા શહેરો પણ પદયાત્રીઓ માટે સુરક્ષિત નથી. શું આ આંકડાઓ જોઈને સરકારી અધિકારીઓને જરા પણ શરમ નથી આવતી? શું રસ્તાઓ બનાવતી વખતે એ યાદ રાખવું આટલું અઘરું છે કે ત્યાંથી કોઈ પદયાત્રી પણ પસાર થશે?
| વર્ષ | પગપાળા ચાલનારાઓના મોતોની સંખ્યા | નેશનલ હાઇવે પર | 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં |
| 2019 | 25858 | 7749 | 3384 |
| 2020 | 23124 | 7753 | 2818 |
| 2021 | 29124 | 9462 | 3789 |
| 2022 | 32825 | 10160 | 4362 |
| 2023 | 35221 | 11180 | 4604 |
| 2024 | 36526 | 11386 | 4328 |
આજે જે શહેરો આપણે જોઈ રહ્યા છીએ, તે માત્ર ગાડીઓ માટેના સ્મારકો બની ગયા છે. એમિકસ ક્યુરીએ સૂચન આપ્યું છે કે હાઇવે પર સાઇનબોર્ડ લગાવવા જોઈએ કે પદયાત્રીઓની મનાઈ છે, પણ આ સાઇનબોર્ડ શું પદયાત્રીઓને જીવિત રાખશે? પદયાત્રીઓની સુરક્ષા એટલે માત્ર વોર્નિંગ બોર્ડ નહીં, પણ અલગ અને સુરક્ષિત ફૂટપાથ બનાવવી. જ્યાર સુધી આપણી નીતિઓમાં માણસ કેન્દ્રમાં નહીં હોય, ત્યાં સુધી આ મોતનો આંકડો વધતો જ જશે. સાધનો અને સુવિધા હોવા છતાં, માણસો મરી રહ્યા છે તે સાબિત કરે છે કે આપણી પ્રાથમિકતામાં માણસ ક્યાંય છે જ નહીં. જો હવે આ નીતિઓમાં બદલાવ નહીં આવે, તો આવનારા વર્ષોમાં પણ રસ્તાઓ પર પદયાત્રીઓનું લોહી રેડાતું રહેશે અને આપણે માત્ર આંકડાઓ જોઈને નિસાસા નાખતા રહીશું.
આ પણ વાંચો:







