
SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2026માં શાળાઓમાં વિદ્યાર્થીનીઓ માટે માસિક ધર્મ સ્વચ્છતા સંબંધિત સુવિધાઓ ફરજિયાત બનાવતો મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. જોકે આદેશના લગભગ આઠ મહિના બાદ કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલા અનુપાલન અહેવાલમાં અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હજુ પણ શૌચાલય, પાણી, સફાઈ કર્મચારીઓ, સેનિટરી પેડ અને કચરા નિકાલ જેવી મૂળભૂત સુવિધાઓમાં ખામીઓ હોવાનું સામે આવ્યું છે.
સુપ્રીમ કોર્ટે શું આદેશ આપ્યો હતો?
30 જાન્યુઆરી 2026ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ તથા કાર્યરત શૌચાલય, સતત પાણી અને સાબુ સાથે હાથ ધોવાની સુવિધા ફરજિયાત કરી હતી. વિદ્યાર્થીનીઓને મફત ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનિટરી નેપકિન, તેને સરળતાથી મેળવવા માટે વેન્ડિંગ મશીન અથવા અન્ય વ્યવસ્થા અને માસિક ધર્મ સંબંધિત કચરાના સુરક્ષિત નિકાલની વ્યવસ્થા કરવાની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.
માત્ર શૌચાલય પૂરતા નથી, જાળવણી પણ જરૂરી
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે શાળામાં શૌચાલયનું બાંધકામ થઈ જવું પૂરતું નથી, પરંતુ તે વાસ્તવમાં ઉપયોગ કરી શકાય તેવી સ્થિતિમાં હોવું જરૂરી છે. શૌચાલયમાં પાણી, સાબુ, ગોપનીયતા અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સુલભતા હોવી જોઈએ. દરેક ટોયલેટ યુનિટમાં ઢાંકણાવાળું કચરાપેટી રાખવાનું અને તેની નિયમિત સફાઈ તથા જાળવણી સુનિશ્ચિત કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.
સફાઈ કર્મચારીઓની અછતથી અમલીકરણ પર સવાલ
કેન્દ્રના અહેવાલમાં કેટલાક રાજ્યોમાં શાળાઓમાં સફાઈ કર્મચારીઓની ઉપલબ્ધતા અંગે ગંભીર ખામીઓ સામે આવી છે. અરુણાચલ પ્રદેશની 2,400થી વધુ શાળાઓમાં સફાઈ કર્મચારી ન હોવાનું જણાવાયું છે. ઝારખંડની 35,457 શાળાઓમાંથી માત્ર લગભગ એક ટકા શાળાઓમાં સફાઈ કર્મચારીઓ હોવાની માહિતી આપવામાં આવી છે. ઉત્તરાખંડમાં પણ 10 ટકાથી ઓછી શાળાઓમાં સફાઈ કર્મચારીઓ હોવાનો અહેવાલ છે. બીજી તરફ બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને આસામ સહિત 15 રાજ્યો દ્વારા સફાઈ કર્મચારીઓની ભરતી અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.
મફત સેનિટરી પેડની વ્યવસ્થામાં પણ મોટો ગેપ
માસિક ધર્મ દરમિયાન વિદ્યાર્થીનીઓને મફત સેનિટરી નેપકિન સરળતાથી મળી રહે તે સુપ્રીમ કોર્ટના આદેશનો મહત્વપૂર્ણ ભાગ છે. છતાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સ્વીકાર્યું છે કે તેમની 50 ટકા શાળાઓમાં હજુ આ વ્યવસ્થા સંપૂર્ણપણે અમલમાં આવી નથી. બિહારની 95,000થી વધુ શાળાઓમાંથી માત્ર 2.6 ટકા શાળાઓમાં સેનિટરી પેડ વેન્ડિંગ મશીન હોવાની માહિતી છે. આંધ્ર પ્રદેશની 61,079 શાળાઓમાં આ સુવિધા માત્ર પાંચ ટકા શાળાઓ સુધી પહોંચી છે. ઉત્તર પ્રદેશમાં 1.25 લાખથી વધુ શાળાઓમાંથી 9,957 શાળાઓમાં વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશમાં આશરે 1.19 લાખ શાળાઓમાં હજુ વેન્ડિંગ મશીન સ્થાપિત કરવાના બાકી હોવાનું જણાવાયું છે.
ચંદીગઢમાં સંપૂર્ણ વ્યવસ્થા, પુડુચેરીમાં હજુ ખામી
ચંદીગઢમાં તમામ શાળાઓમાં સેનિટરી પેડ વેન્ડિંગ મશીન સાથે મફત પેડ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું છે. પુડુચેરીમાં પણ તમામ શાળાઓમાં વેન્ડિંગ મશીન હોવા છતાં મફત પેડની સુવિધા માત્ર 36.2 ટકા શાળાઓમાં હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ શાળાઓમાં ઢાંકણાવાળા કચરાપેટીની વ્યવસ્થા પણ અનેક જગ્યાએ અધૂરી છે અને માત્ર છ રાજ્યો દ્વારા આ વ્યવસ્થા સંપૂર્ણપણે લાગુ થયાનું જણાવાયું છે.
સુપ્રીમ કોર્ટે આંકડાઓ અને જમીની હકીકત વચ્ચેના તફાવત પર ધ્યાન દોર્યું
સુપ્રીમ કોર્ટે તાજેતરની સુનાવણી દરમિયાન કેટલાક રાજ્યો દ્વારા સંપૂર્ણ અનુપાલનના દાવા છતાં રજૂ કરાયેલા આંકડાઓમાં રહેલા તફાવતો પર ધ્યાન દોર્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર સરકારી અહેવાલમાં સુવિધા ઉપલબ્ધ હોવાનું દર્શાવવાથી હકીકતમાં વિદ્યાર્થીનીઓને તેનો લાભ મળી રહ્યો છે એવું માની શકાય નહીં. તેથી જિલ્લા શિક્ષણ અધિકારીઓને શાળાઓમાં સમયાંતરે તપાસ કરવા અને વિદ્યાર્થીઓ પાસેથી સીધો પ્રતિસાદ મેળવવાની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.
સરકાર સામે સૌથી મોટો સવાલ: આદેશ કાગળ પર કે શાળામાં?
સુપ્રીમ કોર્ટે માસિક ધર્મ સ્વચ્છતાને વિદ્યાર્થીનીના સન્માન, જીવનના અધિકાર અને શિક્ષણના અધિકાર સાથે જોડ્યું છે. ત્યારે સરકારો સામે સવાલ એ છે કે આદેશના આઠ મહિના બાદ પણ જો અનેક શાળાઓમાં મફત સેનિટરી પેડ, સફાઈ કર્મચારી અને કચરા નિકાલ જેવી મૂળભૂત સુવિધાઓ અધૂરી છે, તો જવાબદારી કોની નક્કી થશે? રાજ્યો પાસેથી માત્ર આંકડા મંગાવવાને બદલે દરેક શાળાની જમીની હકીકતની તપાસ ક્યારે થશે? જ્યાં આદેશનું પાલન થયું નથી ત્યાં જવાબદાર અધિકારીઓ સામે શું કાર્યવાહી થશે? અને વિદ્યાર્થીનીઓને મળવાની બંધારણીય સુવિધાઓ માટે હવે ફરી કેટલો સમય રાહ જોવી પડશે?
માસિક ધર્મ સ્વચ્છતા માત્ર સુવિધાનો નહીં, શિક્ષણના અધિકારનો મુદ્દો
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે સેનિટરી ઉત્પાદનો, યોગ્ય શૌચાલય અને સુરક્ષિત નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે વિદ્યાર્થીનીઓ શાળામાં ગેરહાજર રહેવા અથવા અભ્યાસ છોડવા સુધી મજબૂર થઈ શકે છે. તેથી આ મુદ્દાને માત્ર સ્વચ્છતા કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રશ્ન માનવાને બદલે શિક્ષણ, સમાનતા અને ગૌરવ સાથે જોડાયેલા અધિકાર તરીકે જોવામાં આવ્યો છે.







