
CJP Gyanesh Kumar Resignation: કૉક્રોચ જનતા પાર્ટી (CJP)એ ગુરુવાર, 24 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં પ્રેસ કૉન્ફરન્સ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે. CJPએ કહ્યું છે કે જો જ્ઞાનેશ કુમાર 48 કલાકની અંદર રાજીનામું નહીં આપે તો દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. પ્રેસ કૉન્ફરન્સને CJPના રાષ્ટ્રીય સંયોજક અભિજીત દિપકે, સહ-સંયોજક આશુતોષ રાંકા અને સૌરવ દાસે સંબોધિત કરી હતી.
SIRને લઈને ચૂંટણી પંચની આંતરિક પ્રક્રિયા પર સવાલ
CJPએ ચૂંટણી પંચને લઈને સામે આવેલા અહેવાલોના સંદર્ભમાં આ જાહેરાત કરી છે. પક્ષનું કહેવું છે કે ચૂંટણી પંચની SIR પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. તાજેતરના અહેવાલોમાં ત્રણ સભ્યોના ચૂંટણી પંચની અંદર SIR સંબંધિત મુદ્દાઓ પર ઓછામાં ઓછા 14 વખત વાંધા નોંધાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. CJPએ આ મુદ્દાને લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલો ગણાવ્યો છે.
Mamata Banerjee’s constituency:
51k votes deleted. She lost by 15k.M.K. Stalin’s constituency:
1 lakh votes deleted. He lost by 9k.Arvind Kejriwal’s constituency:
40k votes deleted. He lost by 4k.Was this the real reason behind the introduction of SIR?…
— Cockroach Janta Party – CJP (@Cockroachisback) September 24, 2026
અનુચ્છેદ 324 અને નિર્ણય પ્રક્રિયા અંગે દાવો
CJPએ દાવો કર્યો છે કે SIR સાથે જોડાયેલા કેટલાક નિર્ણયો બંધારણના અનુચ્છેદ 324ની ભાવનાને અનુરૂપ રીતે લેવામાં આવ્યા નથી. પક્ષના જણાવ્યા પ્રમાણે ચૂંટણી પંચના નિર્ણયો સર્વસંમતિથી અને તે શક્ય ન હોય તો બહુમતીથી લેવાવા જોઈએ. જોકે, અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે SIR સાથે જોડાયેલા કેટલાક આદેશોને ચૂંટણી કમિશનરોની બહુમતીની મંજૂરી મળી ન હતી. આ મુદ્દે ચૂંટણી પંચની નિર્ણય પ્રક્રિયા અને સત્તાના ઉપયોગ અંગે સ્પષ્ટતા જરૂરી બને છે.
રાજીનામા સિવાય CJPની અન્ય માંગણીઓ
CJPએ જ્ઞાનેશ કુમારના રાજીનામા ઉપરાંત તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. સાથે જ પક્ષે સવાલ કર્યો છે કે મુખ્ય ચૂંટણી કમિશનર કયા આદેશ અથવા સત્તાના આધારે નિર્ણયો લઈ રહ્યા હતા. CJPએ આગામી તમામ ચૂંટણીઓ સ્થગિત કરવાની અને SIR પ્રક્રિયાને ફ્રીઝ કરવાની માંગ પણ કરી છે.
પક્ષે જાન્યુઆરી 2025ની મતદાર યાદી પુનઃસ્થાપિત કરવાની તથા SIR સંબંધિત નિર્ણય લેવાની સમગ્ર પ્રક્રિયાની સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટ SIR સાથે જોડાયેલી તમામ ફાઇલો પોતાના કબજામાં લે, જેથી કોઈ રેકોર્ડમાં ફેરફાર, નાશ કે ગાયબ થવાની શક્યતા ન રહે, તેવી પણ માંગ કરવામાં આવી છે.
ચૂંટણી કમિશનરોની નિમણૂકના કાયદા અંગે પણ સવાલ
CJPએ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક, સેવા શરતો અને કાર્યકાળને લગતા 2023ના કાયદાને રદ કરવાની માંગ કરી છે. પક્ષે તેની જગ્યાએ નવું કાયદાકીય માળખું બનાવવાની વાત કરી છે, જેમાં નાગરિક સમાજની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત થાય અને ચૂંટણી વ્યવસ્થા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધે.
અભિજીત દિપકેના ગંભીર આરોપો
પ્રેસ કૉન્ફરન્સમાં અભિજીત દિપકેએ જ્ઞાનેશ કુમાર સામે અનેક ગંભીર આરોપો લગાવ્યા અને તેમને તાત્કાલિક રાજીનામું આપવા કહ્યું. તેમણે જ્ઞાનેશ કુમાર માટે અત્યંત કડક રાજકીય શબ્દોનો ઉપયોગ કર્યો અને આરોપ લગાવ્યો કે તેમની કામગીરી ભારતના લોકશાહી માળખા માટે જોખમી છે.
દિપકેએ એવો પણ સવાલ કર્યો કે જો મતદાર યાદીમાં કોને મત આપવાની મંજૂરી મળશે અને કોને નહીં તે નક્કી કરવાની પ્રક્રિયા શંકાના ઘેરામાં આવે, તો તેને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે માનવી? આ મુદ્દે ચૂંટણી પંચે પ્રક્રિયા, સત્તા અને નિર્ણય લેવાની પદ્ધતિ અંગે જાહેર સ્પષ્ટતા કરવી જોઈએ કે નહીં તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
2024ની લોકસભા ચૂંટણી અંગે પણ આરોપો
દિપકેએ 2024ની લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરીને દાવો કર્યો કે BJPને બહુમતી ન મળ્યા બાદ રાજકીય પરિસ્થિતિમાં મોટો ફેરફાર થયો. તેમણે ‘400 પાર’ના નારા સામે BJPને 240 બેઠકો મળ્યાનો ઉલ્લેખ કર્યો અને ત્યારબાદ પ્રાદેશિક રાજકીય શક્તિઓ સામે કાર્યવાહી થવાના આરોપો લગાવ્યા. તેમણે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે, NCP, તમિલનાડુમાં એમકે સ્ટાલિન, કેરળમાં પિનરાઈ વિજયન, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનો ઉલ્લેખ કરીને એક કથિત પેટર્ન હોવાનો દાવો કર્યો.
મતદાર યાદીમાંથી નામ હટાવવાના દાવા
CJPએ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને દિલ્હીને લઈને પણ મતદાર યાદીમાંથી મોટી સંખ્યામાં નામ હટાવવાના દાવા કર્યા. દિપકેએ દાવો કર્યો કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની બેઠક પરથી 50,000 મત હટાવવામાં આવ્યા અને તેઓ આશરે 15,000 મતથી હારી ગયાં. તમિલનાડુમાં સ્ટાલિનની બેઠક પરથી એક લાખ મત અને દિલ્હીમાં કેજરીવાલની બેઠક પરથી 40,000 મત હટાવાયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. આ દાવાઓના આધારે તેમણે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા.
SIRમાં 12 કરોડ નામ હટાવવાનો દાવો
CJPના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી દેશભરમાં SIR પ્રક્રિયા હેઠળ મતદાર યાદીઓમાંથી આશરે 12 કરોડ નામ હટાવવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં નામો દૂર થવાના દાવા વચ્ચે સ્વાભાવિક રીતે સવાલ ઊભો થાય છે કે દરેક મતદારને પૂરતી ચકાસણી અને પોતાની વાત રજૂ કરવાની તક મળી છે કે નહીં.
સરકાર અને ચૂંટણી પંચ સામે જવાબદારીના સવાલ
CJPના આક્ષેપો અને SIRને લઈને સામે આવેલા અહેવાલોની વચ્ચે સરકાર અને ચૂંટણી પંચ પાસે કેટલાક મૂળભૂત સવાલો ઊભા થાય છે: 14 વખત વાંધા નોંધાયા હોવાના અહેવાલો અંગે સત્તાવાર સ્પષ્ટતા શું છે? SIRના નિર્ણયો કઈ પ્રક્રિયા હેઠળ અને કોની મંજૂરીથી લેવામાં આવ્યા? 12 કરોડ નામ હટાવવાના દાવાનો સત્તાવાર આંકડો શું છે? મતદાર યાદીમાંથી નામ દૂર થતાં પહેલાં દરેક મતદારને અસરકારક અપીલ અને ચકાસણીની તક મળી છે કે નહીં? અને સૌથી મહત્વપૂર્ણ, સમગ્ર પ્રક્રિયા અંગે જાહેર વિશ્વાસ જળવાઈ રહે તે માટે ચૂંટણી પંચ સ્વતંત્ર અને પારદર્શક તપાસ માટે તૈયાર છે કે નહીં?







