
NCERT History Curriculum Changes: NCERTએ ધોરણ 9 માટે સામાજિક વિજ્ઞાનની નવી પાઠ્યપુસ્તક ‘Understanding Society: India and Beyond – Part 2’ 29 સપ્ટેમ્બર 2026થી ઉપલબ્ધ કરાવી છે. નવી પાઠ્યપુસ્તકમાં ભારતના મધ્યકાલીન ઇતિહાસ, પ્રાદેશિક સત્તાઓ, વિદેશી આક્રમણો સામેના પ્રતિકાર અને ભારતીય સાર્વભૌમત્વ જેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. નવા પુસ્તકની રચના National Curriculum Framework for School Education 2023 અને National Education Policy 2020 હેઠળ ચાલી રહેલા અભ્યાસક્રમ પરિવર્તનનો ભાગ છે.
ફ્રેન્ચ અને રશિયન ક્રાંતિના બદલે ભારતીય ઇતિહાસ પર ભાર
નવી આવૃત્તિ અંગેના અહેવાલો અનુસાર અગાઉના ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન અભ્યાસક્રમમાં ફ્રેન્ચ ક્રાંતિ અને રશિયન ક્રાંતિ સહિત યુરોપીય ઇતિહાસની કેટલીક ક્રાંતિઓને સ્થાન મળતું હતું. નવી પાઠ્યપુસ્તકમાં આ વિષયોની જગ્યાએ ભારતના મધ્યકાલીન સમયગાળાને વધુ વિગતથી રજૂ કરવામાં આવ્યો છે.
નવા પુસ્તકમાં ઈ.સ. 1000થી 1700 વચ્ચેના લગભગ 700 વર્ષના સમયગાળાને ‘Resistance and Resilience’ એટલે કે પ્રતિકાર અને સ્થિતિસ્થાપકતાના પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવામાં આવ્યો છે. તેમાં ભારતીય સમાજે બાહ્ય પડકારોનો સામનો કેવી રીતે કર્યો અને પોતાની પરંપરાઓ જાળવી રાખી તે અંગે ચર્ચા કરવામાં આવી છે.
7મી સદીથી આક્રમણોની ચર્ચા, કારણોમાં વિસ્તરણ અને ધાર્મિક હેતુનો ઉલ્લેખ
પાઠ્યપુસ્તકમાં 7મી સદી પછી ભારતીય ઉપખંડ પર થયેલા વિવિધ આક્રમણોની ચર્ચા કરવામાં આવી છે. તેમાં પ્રાદેશિક વિસ્તરણ અને ધાર્મિક હેતુઓને આક્રમણ પાછળના કારણો તરીકે રજૂ કરવામાં આવ્યા છે. ભારતની સમૃદ્ધિ, ફળદ્રુપ જમીન અને બારેમાસી નદીઓથી સિંચાતા મેદાનોમાં થતું કૃષિ ઉત્પાદન પણ વિદેશી શક્તિઓ માટે આકર્ષણનું કારણ હતું એવી રજૂઆત કરવામાં આવી છે.
આ રીતે ઇતિહાસની નવી રજૂઆતમાં માત્ર શાસન પરિવર્તન કરતાં આક્રમણો, સ્થાનિક સત્તાઓનો પ્રતિકાર અને ભારતીય સમાજની પ્રતિક્રિયા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જોકે સરકાર અને NCERT સામે સવાલ એ છે કે આ પ્રકારના ઐતિહાસિક નિષ્કર્ષો માટે કયા શૈક્ષણિક સંશોધન અને નિષ્ણાતોની ભલામણોને આધાર બનાવવામાં આવી છે?
સીખ ગુરુઓ સાથે જોડાયેલી ઘટનાઓને પણ સ્થાન
નવી પુસ્તકમાં મુઘલ શાસન અને સીખ ગુરુઓ વચ્ચેના સંઘર્ષની પણ ચર્ચા છે. તેમાં ગુરુ અર્જન દેવને આપવામાં આવેલી સજા, મુઘલ સમ્રાટ જહાંગીરના સમયગાળા દરમિયાન ગુરુ હરગોવિંદની અટકાયત અને ઔરંગઝેબના શાસન દરમિયાન ગુરુ તેગ બહાદુરને આપવામાં આવેલા મૃત્યુદંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પુસ્તકમાં આ ઘટનાઓને સીખ સમુદાયના પ્રતિકાર અને સંગઠનના ઐતિહાસિક વિકાસ સાથે જોડવામાં આવી છે. આ સાથે અકાલ તખ્તની સ્થાપના અને દમન સામે સશસ્ત્ર તથા સંગઠિત પ્રતિકારના વિકાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જાટ બળવો અને પ્રાદેશિક પ્રતિકારને પણ મહત્વ
‘Safeguarding Sovereignty: Resistances, Alliances and Confederacies’ નામના અધ્યાયમાં ભારતની વિવિધ પ્રાદેશિક શક્તિઓ અને સમુદાયોના સંઘર્ષોની ચર્ચા કરવામાં આવી છે. તેમાં ગંગા-યમુના દોઆબના જાટોનો 1669નો બળવો પણ સામેલ છે.
પુસ્તકની રજૂઆત પ્રમાણે ભારે કરવેરો, આર્થિક શોષણ અને ઔરંગઝેબની ધાર્મિક નીતિઓ પ્રત્યે અસંતોષ જેવા પરિબળો જાટ બળવાના કારણોમાં સામેલ હતા. અન્ય અહેવાલોમાં રાણી નાયકી દેવી અને રાણી અબક્કા ચૌટા જેવી મહિલા શાસકોના પ્રતિકારને પણ નવા અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું હોવાનું જણાવાયું છે.
ઇતિહાસના અભ્યાસમાં બદલાયેલા દૃષ્ટિકોણથી સવાલો
NCERTની નવી પાઠ્યપુસ્તકમાં ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્થાનિક પ્રતિકારને વધુ સ્થાન આપવાના નિર્ણયને અભ્યાસક્રમમાં ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો છે. બીજી તરફ, અગાઉની પાઠ્યપુસ્તકોમાં યુરોપીય ઇતિહાસ અને વિવિધ વૈશ્વિક ઐતિહાસિક પ્રક્રિયાઓને મળેલા સ્થાનની તુલનામાં હવે ભાર બદલાયો છે.
અહીં સરકાર પાસે સવાલ છે કે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ફ્રેન્ચ અને રશિયન ક્રાંતિ જેવી વિશ્વ ઇતિહાસની ઘટનાઓનું સ્થાન ઘટાડવા પાછળ ચોક્કસ શૈક્ષણિક કારણો શું છે? શું વિદ્યાર્થીઓને ભારતીય અને વૈશ્વિક ઇતિહાસ બંનેનું પૂરતું તુલનાત્મક જ્ઞાન આપવાનું લક્ષ્ય જળવાયું છે?
NCERT પર વિચારધારાત્મક દૃષ્ટિકોણના આરોપો
છેલ્લાં કેટલાંક વર્ષોમાં NCERTની પાઠ્યપુસ્તકોમાં થયેલા ફેરફારોને લઈને રાજકીય અને શૈક્ષણિક ચર્ચા સતત ચાલી રહી છે. ટીકાકારોનો આરોપ રહ્યો છે કે ઇતિહાસ અને ઐતિહાસિક પાત્રોની રજૂઆતમાં ચોક્કસ વિચારધારાને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ, નવી પાઠ્યપુસ્તકોના સમર્થકો આ ફેરફારોને ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને અગાઉ ઓછું સ્થાન મળેલા પ્રાદેશિક પાત્રોને વધુ મહત્વ આપવાના પ્રયાસ તરીકે જુએ છે.
અગાઉની કેટલીક પાઠ્યપુસ્તકોમાં બાબર, અકબર, નૂરજહાં અને રઝિયા સુલતાન જેવા ઐતિહાસિક પાત્રોની રજૂઆતને લઈને પણ ચર્ચા થઈ હતી. તેથી હવે સરકાર અને NCERT સામે મહત્વનો સવાલ એ છે કે પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરતી વખતે શૈક્ષણિક નિષ્પક્ષતા અને ઐતિહાસિક પુરાવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટે કઈ પ્રક્રિયા અપનાવવામાં આવી?
વિદ્યાર્થીઓને ઇતિહાસનું સંપૂર્ણ ચિત્ર મળશે કે નહીં?
નવી પાઠ્યપુસ્તકમાં ભારતીય સાર્વભૌમત્વ, પ્રતિકાર, પ્રાદેશિક રાજ્યો અને મધ્યકાલીન સંઘર્ષોને વધારે મહત્વ મળ્યું છે. આ સાથે ભારતીય શાસન પરંપરા, સાંસ્કૃતિક વારસો અને આધુનિક નાગરિક જીવન સાથે જોડાયેલા વિષયો પણ નવી સામાજિક વિજ્ઞાન શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે.
હવે મુખ્ય સવાલ એ છે કે શાળાના વિદ્યાર્થીઓને ઇતિહાસની વિવિધ દૃષ્ટિઓ, સંઘર્ષો અને સહઅસ્તિત્વની પ્રક્રિયાઓ સાથે સંતુલિત રીતે પરિચિત કરાશે કે નહીં? સરકાર શું જાહેર કરશે કે નવી પાઠ્યપુસ્તક તૈયાર કરતી વખતે કયા ઇતિહાસકારો, શિક્ષણવિદો અને વિષય નિષ્ણાતોની સલાહ લેવામાં આવી? અને જો પાઠ્યપુસ્તકમાં મોટા ઐતિહાસિક ફેરફારો કરવામાં આવ્યા છે, તો તેની શૈક્ષણિક અસરનું સ્વતંત્ર મૂલ્યાંકન કરવાની કોઈ વ્યવસ્થા સરકાર પાસે છે?







