
India Road Accident Deaths: ભારતમાં માર્ગ અકસ્માતો સતત ગંભીર જાહેર સુરક્ષા સંકટનું સ્વરૂપ લઈ રહ્યા છે. ઉપલબ્ધ સરકારી આંકડાઓ મુજબ 2015માં દેશમાં આશરે 5,06,000 માર્ગ અકસ્માતોમાં 1,46,000 લોકોના મોત થયા હતા. 2025માં અકસ્માતોની સંખ્યા વધીને લગભગ 5,14,000 થઈ, જ્યારે મૃત્યુઆંક 1,83,000ને પાર ગયો. એટલે કે દરરોજ 500થી વધુ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવતા રહ્યા. 2026માં જુલાઈ સુધીમાં જ 2,96,000 અકસ્માત નોંધાયા હતા અને મૃત્યુઆંક એક લાખને પાર કરી ગયો હતો.
અકસ્મતોની સંખ્યા કરતાં મૃત્યુદર વધુ ચિંતાજનક
આંકડાઓમાં એક મહત્વપૂર્ણ બાબત એ છે કે અકસ્માતોની કુલ સંખ્યામાં મોટો વધારો ન થયો હોવા છતાં દરેક અકસ્માત પાછળ મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. અગાઉ પ્રતિ 100 અકસ્માતે આશરે 22 લોકોના મોત થતા હતા, જ્યારે હવે આ પ્રમાણ વધીને 36 સુધી પહોંચ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
માર્ગ અકસ્માતોના લગભગ 90 ટકા કેસોમાં માનવીય ભૂલને મુખ્ય કારણ ગણવામાં આવે છે અને તેમાં ઓવર સ્પીડિંગનો હિસ્સો આશરે 70 ટકા હોવાનું જણાવાય છે. પરંતુ અકસ્માતો માટે માત્ર ડ્રાઇવરને જવાબદાર ગણવાથી સમસ્યાનું સંપૂર્ણ ચિત્ર સામે આવતું નથી. નશો, ખોટી દિશામાં વાહન ચલાવવું, ખોટી લેન, જોખમી ઓવરટેક, મોબાઇલનો ઉપયોગ, સીટ બેલ્ટ અથવા હેલ્મેટ ન પહેરવું ઉપરાંત ખરાબ રોડ ડિઝાઇન, પોટહોલ, બ્લેક સ્પોટ, બ્રેક ફેલ થવા, ટાયર ફાટવા, ઓવરલોડિંગ અને ટ્રાફિક નિયમોના પાલનનો અભાવ પણ મહત્વના પરિબળો છે.
ખરાબ રસ્તા અને ખામીયુક્ત ડિઝાઇન પણ જીવલેણ બની રહી છે
તેલંગાણામાં NH-163નો એક ભાગ ‘ડેથ કોરિડોર’ તરીકે ઓળખાવા લાગ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રસ્તાની જાળવણીનો અભાવ, મોટા ખાડા, માટી અને રેતીનો જમાવ, ગાયબ ચેતવણી બોર્ડ અને તીવ્ર વળાંકો જેવી સ્થિતિ અકસ્માતનું જોખમ વધારે છે.
એક DCP ટ્રાફિકના જણાવ્યા પ્રમાણે ડ્રાઇવરનું વર્તન જ નહીં, પરંતુ નશો, રસ્તા પરના તીવ્ર વળાંકો, ઢાળ અને માળખાકીય ખામીઓ પણ અકસ્માતોના મોટા કારણો છે. એટલે સરકાર માટે સવાલ એ છે કે અકસ્માત બાદ ડ્રાઇવરની ભૂલ શોધવા કરતાં રસ્તાની ડિઝાઇન, કોન્ટ્રાક્ટર, જાળવણી અને ઇજનેરી ધોરણોની જવાબદારી પણ નક્કી કરવામાં આવે છે કે નહીં?
રસ્તા નિર્માણમાં ભ્રષ્ટાચારના આરોપો પર તપાસ ક્યાં સુધી?
રસ્તા નિર્માણ ક્ષેત્ર સાથે જોડાયેલા એક ઠેકેદારે દાવો કર્યો છે કે ટેન્ડર મેળવવાથી લઈને વિવિધ તબક્કે કથિત કમિશન આપવાની ટકાવારી 55 સુધી પહોંચી ગઈ છે. કર્ણાટકની રસ્તા નિર્માણ કંપનીઓના એક સંગઠને અગાઉ કેન્દ્ર સરકાર સમક્ષ આવી ફરિયાદ કરી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અકસ્મતોના સમાચારો પ્રત્યે સમાજની સંવેદનશીલતા ક્યાં ગઈ?
માર્ગ અકસ્માતમાં બે ડઝન લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયાના સમાચાર સામાન્ય રીતે થોડા સમય માટે ચર્ચામાં રહે છે અને પછી લોકો પોતાના રોજિંદા જીવનમાં પાછા વળી જાય છે. જ્યારે ધર્મ, જાતિ, રાજકીય ઓળખ અથવા અન્ય ભાવનાત્મક મુદ્દાઓ સાથે જોડાયેલી ઘટનાઓ પર સમાજમાં વધુ ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળે છે.
અકસ્મતોમાં મૃત્યુ પામનારાઓ માટે પોલીસ કાર્યવાહી, પોસ્ટમોર્ટમ અને વળતર જેવી પ્રક્રિયા થાય છે, પરંતુ અકસ્માતના મૂળ કારણો અને જવાબદાર તંત્ર સામે લાંબા ગાળાની કાર્યવાહી કેટલા કેસોમાં થાય છે તે મહત્વનો સવાલ છે. શું દરેક મોટા અકસ્માત બાદ માત્ર FIR અને વળતર પૂરતું માનવું જોઈએ? શું જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને રોડ એન્જિનિયરિંગ એજન્સીઓની પણ જવાબદારી નક્કી થવી જોઈએ?
રસ્તાથી રેલવે સુધી સુરક્ષા પ્રાથમિકતા બનશે કે નહીં?
નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે, એક્સપ્રેસવે અને સ્થાનિક રસ્તાઓની સ્થિતિ અંગે વારંવાર ફરિયાદો થતી રહે છે. ટોલ વસૂલાત વચ્ચે રસ્તાની ગુણવત્તા અને જાળવણી અંગે પણ સવાલો ઉઠે છે. બીજી તરફ રેલવે અને એર ટ્રાન્સપોર્ટમાં પણ મુસાફરોની સુરક્ષા અને સુવિધાઓ અંગે ચર્ચા થતી રહે છે.
સરકાર અને સંબંધિત વિભાગો પાસે હવે મૂળભૂત સવાલ છે કે જાહેર પરિવહન અને માર્ગ વ્યવસ્થામાં સુરક્ષાને પ્રોજેક્ટની ઝડપ અને ઉદ્ઘાટન કરતાં ઉપરનું સ્થાન આપવામાં આવશે કે નહીં? શું અકસ્માતપ્રવણ વિસ્તારોની જાહેર યાદી બનાવી ત્યાં સમયબદ્ધ સુધારા કરાશે?
ચૂંટણીમાં રોડ સેફ્ટી પણ રાજકીય મુદ્દો બનશે?
દર વર્ષે લાખો અકસ્માત અને 1.83 લાખથી વધુ મૃત્યુ છતાં માર્ગ સુરક્ષા ઘણી વખત ચૂંટણીના મુખ્ય મુદ્દાઓમાં પાછળ રહી જાય છે. રાજકીય પક્ષો અને સરકારો પાસે હવે સવાલ છે કે તેઓ રોડ સેફ્ટી માટે સ્પષ્ટ લક્ષ્યાંકો, જવાબદારી અને સમયમર્યાદા જાહેર કરશે કે નહીં?
ખરાબ રસ્તો, ખામીયુક્ત ડિઝાઇન, બેદરકારીપૂર્વક વાહન ચલાવવું અને નબળી અમલવારી—આ બધાં પરિબળો મળીને અકસ્માતોને જીવલેણ બનાવે છે. તેથી માર્ગ અકસ્માતને માત્ર ‘ડ્રાઇવરની ભૂલ’ તરીકે જોવાને બદલે તેને નાગરિક સુરક્ષા અને જાહેર નીતિના ગંભીર મુદ્દા તરીકે જોવાની જરૂરિયાત સામે આવી રહી છે.







