
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI ના વધતા જતા દુરુપયોગને તાત્કાલિક રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજદાર આરતી શાહે તેમની અપીલમાં જણાવ્યું હતું કે AIનો સતત વધી રહેલો દુરુપયોગ દેશના નાગરિકોની ગોપનીયતા, ગૌરવ અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યો છે.
અરજીમાં માંગ કરવામાં આવી છે કે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવા માટે AI દ્વારા તૈયાર કરાતા કૃત્રિમ ફોટોગ્રાફ, ઑડિઓ, વિડિઓ અને ડીપફેક જેવી તકનીકોને તાત્કાલિક નિયંત્રિત કરવામાં આવે તે જરૂરી છે.
અરજીના વકીલ અનિલેન્દ્ર પાંડેના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટને કેન્દ્ર સરકારને એક વ્યાપક AI નિયમનકારી સંસ્થા સ્થાપિત કરવા નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે જે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવા સાથે તકનીકી પ્લેટફોર્મ પર કાનૂની જવાબદારી સુનિશ્ચિત કરે.
પાંડેએ જણાવ્યું હતું કે AI ના દુરુપયોગથી ઉદ્ભવતા જોખમોને ધ્યાનમાં રાખીને, એક મજબૂત નિયમનકારી માળખાની તાત્કાલિક જરૂર છે જે તકનીકી ઉલ્લંઘનોને અસરકારક રીતે સંબોધિત કરી શકે.
અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ AI ના નિયમન માટે અન્ય ઉચ્ચ અદાલતોમાં પડતર તમામ કેસોને પોતાનામાં ટ્રાન્સફર કરે. ત્યારબાદ દેશભરમાં સમાન કાનૂની જોગવાઈઓ સુનિશ્ચિત કરવા માટે તેમની સાથે સુનાવણી થવી જોઈએ.
આપને જણાવી દઇએ કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો વધતો પ્રભાવ હવે દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે પરિણામે નોકરીઓ ઉપર અસર થઈ શકે છે.
તાજેતરના એક રિપોર્ટ અનુસાર, આગામી પાંચ વર્ષમાં AI ટેક્નોલોજી ડ્રાઈવર્સ, કોડર્સ સહિતની નોકરીઓને લગભગ ખતમ થઈ શકે છે. આ ખબર એવા લોકો માટે ચિંતાનો વિષય છે જેઓ આ સેક્ટર્સમાં કામ કરે છે. AI ટૂલ્સ હવે ઝડપથી માનવીઓનું કામ છીનવી રહ્યા છે, જેના કારણે ટેક્નોલોજીની આ ક્રાંતિને સમજવી અને તેની સાથે તાલમેલ બેસાડવો જરૂરી બન્યું છે.
મહત્વનું છે કે તમામ ક્ષેત્રોમાં AIનું મહત્વ વધ્યું છે તેનાથી માત્ર સોફ્ટવેર અને એપ્સનું કોડિંગ જ નહીં પરંતુ લેખન, ફોટોગ્રાફી, ફોટો અને ગ્રાફિક્સ ડિઝાઈનિંગ, એડિટિંગ, મેડિકલ, એજ્યુકેશન જેવા કામો મોટા પાયે સરળતાથી અને ઝડપથી થઈ શકે છે એટલુંજ નહિ રોડ-રેલ-એરક્રાફ્ટ ટ્રાન્સપોર્ટેશનમાં AIનો ઉપયોગ ટ્રાફિક કંટ્રોલ, સ્માર્ટ કાર, સેલ્ફ-ડ્રાઈવિંગ કાર, વેક્યૂમ ક્લીનર્સ, પર્સનલ આસિસ્ટન્ટ રોબોટ્સ વગેરેના રૂપમાં પણ ઝડપથી વધ્યો છે
ટૂંકમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને સરળ શબ્દોમાં કહીએ તો, તે માનવ જેવી બુદ્ધિ છે એટલે કે મશીનોમાં બૌદ્ધિક ક્ષમતા. તેને કૃત્રિમ રીતે કોડિંગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે, માણસોની જેમ મશીનોમાં બુદ્ધિ વિકસાવવામાં આવે છે જેથી તેઓ મનુષ્યની જેમ શીખી શકે, જાતે નિર્ણય લઈ શકે, કાર્યો જાતે કરી શકે અને એક સાથે અનેક કાર્યો પૂર્ણ કરી શકે.
જોકે તેનો દુરુપયોગ પણ એટલોજ વધ્યો છે ત્યારે તેના ઉપર નિયંત્રણ માટે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.
આ પણ વાંચો:
Pakistan Threat: ‘ભારત પર પરમાણુ બૉમ્બ ફેંકી દઈશું!’, પાકિસ્તાની આર્મી ચીફ મુનીરની ધમકી
Diwali Muhurat: 20 કે 21 ઓક્ટોબરે દિવાળી?, જાણી લો લક્ષ્મી પૂજા માટે શુભ સમય!








