
Anand: આણંદ શહેરમાં વરસાદી સિઝનની શરૂઆત સાથે જ રસ્તાઓ પર ખાડાઓ, પાણી ભરાવું અને રોડની ખરાબ સ્થિતિની સમસ્યાઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આણંદ મહાનગર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની નિષ્ફળતા પર સ્થાનિક રહીશોમાં તીવ્ર રોષ ફેલાયો છે. ખાસ કરીને મોગર ગામ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની દયનીય હાલતને કારણે અકસ્માતનો ભય વધ્યો છે. ત્યારે સ્થાનિકોએ આ મુદ્દે અનોખા વિરોધ પ્રદર્શનો દ્વારા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.
ખાડામાં શ્રીફળ અને હારતોરા
આણંદના એક યુવાને શહેરના ખાડાઓની સમસ્યા સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. તેણે મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તા પરના ખાડાઓમાં શ્રીફળ મૂકી અને હારતોરા ચઢાવીને પાલિકાની નિષ્ફળતા પર કટાક્ષ કર્યો હતો. અમુલ ડેરી રોડ પરના ખાડા ભરાવવા માટે આ યુવાને વિરોધનો અણોખો રસ્તો પસંદ કર્યો અને તંત્રને ઊંઘમાંથી જગાડવાનો અનોખો પ્રયાસ કર્યો. આ ઘટનાએ સ્થાનિકોમાં વ્યાપક ચર્ચા ફેલાવી છે અને સોશિયલ મીડિયા પર આ વિરોધની તસવીરો વાયરલ થઈ રહી છે.
Unique protest by locals in Anand, Gujarat against BJP Govt demanding to fix potholes & roads
Gujarat model at its best 😂😂 pic.twitter.com/qbYEvfaKmq
— Ankit Mayank (@mr_mayank) June 30, 2025
ખાડાઓએ બનાવ્યા રસ્તાઓ જોખમી
આણંદ શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક રસ્તાઓ વરસાદના પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે ખાડાઓની સમસ્યા વધુ ગંભીર બની છે. મોગર ગામના રહીશોએ જણાવ્યું કે, “વરસાદની શરૂઆત થતાં જ રસ્તાઓ ખરાબ થઈ ગયા છે. પાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના નામે માત્ર ખાનાપૂર્તિ કરવામાં આવી છે.”સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, પાલિકા દ્વારા ખાડાઓ ભરવાને બદલે મોટા પથ્થરો મૂકી દેવામાં આવે છે, જેનાથી અકસ્માતનું જોખમ વધ્યું છે.
ભ્રષ્ટાચારના આરોપો
સ્થાનિકો અને વિરોધી પક્ષો દ્વારા આણંદ મહાનગર પાલિકા પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. રસ્તાઓના નિર્માણ અને જાળવણીનું કામ સોંપાયેલા કોન્ટ્રાક્ટરો નબળી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરે છે, જેના કારણે થોડા જ વરસાદમાં રસ્તાઓ તૂટી જાય છે.
વિપક્ષના પ્રહારો
કરોડો રૂપિયાનું બજેટ ખર્ચવાના દાવા થાય છે, પરંતુ રસ્તાઓની હાલત કાગળ પરના વિકાસની પોલ ખોલે છે. ખરાબ રસ્તાઓને કારણે અકસ્માતોમાં લોકોના જીવ જઈ રહ્યા છે. આણંદ મહાનગર પાલિકા તરફથી આ મુદ્દે હજુ સુધી કોઈ નક્કર જવાબ કે કાર્યવાહી જોવા મળી નથી. રાજકીય પક્ષો પણ આ મુદ્દે પાલિકા વિરુદ્ધ પ્રહાર કરી રહ્યા છે અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે તંત્ર પર દબાણ વધી રહ્યું છે.