
Anand Crime News: આણંદ જીલ્લામાં વારંવાર અપરાધિક ઘટના બની રહી છે. ત્યારે હવે વધુ એક હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. આણંદ તાલુકાના કણભઈપુરા ગામમાં આ હચમચાવી નાખતી ઘટના બની છે. જેમાં ગાયત્રીબેન અશોકભાઈ ઠાકોર નામની મહિલાએ પોતાના પતિની કથિત પ્રેમિકા મીનાબેન ઠાકોરની ચપ્પાના ઘા મારી હત્યા કરી નાખી છે. આ ઘટનામાં મીનાબેનના સસરા ગોરધનભાઈ અને તેમની 7 વર્ષીય પુત્રી પણ ઈજાઓની ભોગ બની છે. ખંભોળજ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાનું મોત થતાં તેના ત્રણ બાળકો નોંધારા થયા છે.
પતિના આડા સંબંધના વહેમથી ઝઘડા
ખંભોળજ પોલીસ મથકના જણાવ્યા અનુસાર કણભઈપુરા ગામના દૂધની ડેરી પાસે રહેતા ગાયત્રીબેનનો પતિ અશોકભાઈ ઠાકોર ખેતરમાં ગુલાબ વીણવાની મજૂરી કરવા જતો હતો. આ ખેતરમાં ફળિયામાં રહેતા મીનાબેન ઠાકોર સહિત અન્ય મહિલાઓ પણ મજૂરી માટે જતી હતી. આ દરમિયાન ગાયત્રીબેનને વહેમ થયો હતો કે, તેમના પતિ અશોકભાઈનો મીનાબેન સાથે આડો સંબંધ છે. આ બાબતે બંને વચ્ચે વારંવાર ઝઘડાઓ પણ થતા હતા.
ગઈકાલે રાત્રે ગાયત્રીબેન ચપ્પુ લઈને અચાનક મીનાબેનના ઘરે પહોંચી ગયા. વહેમના આધારે તેમણે મીનાબેન પર ચપ્પાથી હુમલો કર્યો. પ્રથમ ઘા મીનાબેનના પેટમાં માર્યો, જેનાથી તેમના આંતરડા બહાર નીકળી ગયા. બીજો ઘા છાતીના ભાગે માર્યો, જેના કારણે મીનાબેન લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગયા. બૂમાબૂમ સાંભળીને મીનાબેનના સસરા ગોરધનભાઈ અને 7 વર્ષીય પુત્રી વચ્ચે પડ્યા, પરંતુ ઝપાઝપીમાં તેમને પણ ચપ્પાના ઘા વાગ્યા અને તેઓ ઘાયલ થયા.
હોસ્પિટલમાં સારવાર અને મૃત્યુ
ઘટનાની જાણ થતાં પરિવારજનો અને આસપાસના રહીશો સ્થળ પર દોડી આવ્યા. ઘાયલ મીનાબેન, તેમની પુત્રી અને સસરાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મીનાબેનની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા. ગોરધનભાઈ અને મીનાબેનની પુત્રીની સારવાર ચાલુ છે.
પોલીસ કાર્યવાહી
મીનાબેનના સાસુની ફરિયાદના આધારે ખંભોળજ પોલીસે ગાયત્રીબેન અશોકભાઈ ઠાકોર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને ઘટનાના સંજોગોની તપાસ કરી રહી છે.
મૃતકના દિયરનું નિવેદન
મૃતક મીનાબેનના દિયર ગોપાલભાઈ ઠાકોરે જણાવ્યું, “મારા કાકા ખાવા બેઠા હતા અને ભાભી ઘરની બહાર છોકરા રમાડતા હતા. તે વખતે ગાયત્રીબેન આવીને ભાભીને ચપ્પુ મારી દીધું. કાકા છોડાવવા વચ્ચે પડ્યા તો તેમને પણ ચપ્પુનો ઘા વાગ્યો. આ ઘટનાથી અમારો પરિવાર નિરાધાર બની ગયો છે.”
ગામમાં શોક અને રોષ
આ ઘટનાથી કણભઈપુરા ગામમાં શોકનો માહોલ છવાયો છે, સાથે જ રોષની લાગણી પણ જોવા મળી રહી છે. મીનાબેન વિધવા હતાં અને મજૂરી કરીને પોતાના ત્રણ સંતાનોનું ગુજરાન ચલાવતાં હતાં. તેમના અવસાનથી તેમના ત્રણેય સંતાનો નિરાધાર બન્યા છે, જેનાથી ગામમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.
આ ઘટનાને પગલે પોલીસ તપાસ ચાલુ છે, અને ગામના લોકો આ દુઃખદ ઘટનામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મીનાબેનના નિરાધાર બાળકોના ભવિષ્ય માટે સમાજના લોકો અને સંગઠનો દ્વારા મદદની અપેક્ષા રાખવામાં આવે છે.
આ પણ વાંચો:
એક પર હુમલો બંને દેશો પર ગણાશે, પાકિસ્તાન અને સાઉદી અરેબિયાની ડીલ કે ચાલ! | Pakistan | Saudi Arabia
‘બસ ચોરી કરવાનું બંધ કરો વડાપ્રધાન’, એક સભામાં 1 હજાર બસ રોકતાં લોકોને મુશ્કેલી | Modi | Gujarat









