
Banaskantha Crime News: બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ટોકરિયા ગામે ગઢ પોલીસની ટીમ પર આરોપીઓએ લાકડી, ધારિયા અને પથ્થરો વડે હુમલો કરતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ ટીમ કોર્ટના ધરપકડ વોરંટની બજવણી માટે ગઈ હતી, જે દરમિયાન આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને તેમણે પોલીસ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં ગઢ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, અને ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.
પાલનપુર બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મારામારીના એક કેસમાં ટોકરિયા ગામના શંકર ઉર્ફે પ્રકાશ ભીલ, રણછોડ ભીલ અને ગીતા ભીલ વિરુદ્ધ પકડ વોરંટ વોરંટ જારી કર્યું હતું. આ વોરંટની બજવણી માટે ગઢ પોલીસની ટીમ આરોપીઓના ઘરે પહોંચી હતી. આ દરમિયાન આરોપીઓએ પોલીસ ટીમને ગાળો આપી, લાકડી અને ધારિયા વડે હુમલો કર્યો, અને પથ્થરો ફેંકીને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ હુમલામાં ગઢ પોલીસના ASIને હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે કેટલા પોલીસકર્મીઓને ઈજાઓ થઈ તે સામે આવ્યું નથી.
મહિલા સહિત ત્રણ આરોપી
ગઢ પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને ત્રણેય આરોપીઓ પ્રકાશ ભીલ, રણછોડ ભીલ અને ગીતા ભીલ સામે હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત, બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રીજી આરોપીની શોધખોળ ચાલુ છે. પોલીસે આ ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
આરોપીઓ સામે અગાઉ પણ મારામારીનો એક ગુનો નોંધાયેલો છે, જેનો કેસ હાલ પાલનપુરની કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસમાં આરોપીઓ મુદતે હાજર ન રહેતા, કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.
આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચકચાર જગાવી છે, અને પોલીસ પર હુમલાની આ ઘટના સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. બનાસકાંઠા પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે અને બાકીના આરોપીઓને પકડવા માટે ઝુંબેશ શરૂ કરી છે.
આ પણ વાંચો: