
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરતાં ધાનેરા તાલુકાની જનતામાં ભારે આક્રોશ છે. જેને લઈ આજે (21મી જાન્યુઆરીએ) ધાનેરા બંધનું એલાન આપી ધાનેરામાં જન આક્રોશ જનસભા યોજી છે. ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિએ ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન અને ટ્રેક્ટરમાં ગાંધીનગર કૂચ કરવા ચીમકી ઉચ્ચારી છે. તો પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ હવે દિવસેને દિવસે વિવાદ વકરતો જતો જોવા મળી રહ્યો છે. જેમાં ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા આ વિભાજન મુદ્દે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે(21મી જાન્યુઆરીએ) બનાસકાંઠા ધાનેરા બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ એલાન સાથે ધાનેરા જન આક્રોશ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધાનેરાના લોકોનું કહેવું છે કે તેમને થરાદ વાવમાંથી પરત બનાસકાંઠામાં રાખવામાં આવે. ધાનેરાના વિવિધ વેપારી સંગઠએ ધાનેરા બંધને ટેકો જાહેર કર્યો છે.
આ જન આક્રોશ સભામાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ સભામાં જોડાયા છે. ધાનેરા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ મામા બાપજીના મંદિર પાસે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. બીજી તરફ કાંકરેજના લોકોની પણ બનાસકાંઠામાં જોડાવાની માંગ છે સાથે જ દિયોદરના લોકોની એવી માગ છે કે દિયોદરને મુખ્ય મથક બનાવી તેને ઓગડ નામ રાખવામાં આવે.
મફતલાલ પુરોહિતે શું કહ્યું?
પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે જણાવ્યું હતું કે, ધાનેરા હિતરક્ષક સમિતિએ છેલ્લા 14 દિવસથી લોકોની માગ અને લોકલાગણીને વાચા આપવા માટે આંદોલન ચલાવ્યું છે, એમાં ધાનેરા બંધ, પ્રતીક ઉપવાસ બીજા બધા ઘણા કાર્યક્રમો આવ્યા છે. ગામડે ગામડે એ કાર્યક્રમને લઈને ગામડાઓ બંધ રાખીને આજે ધાનેરા હિતરક્ષક સમિતિને સમર્થન આપી રહ્યા છે. છતાં પણ કોઈ નિર્ણય સરકારે લીધો નથી, એટલે સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ તેમણે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચોઃ SURAT SUCIEDE: દિકરીના આપઘાત મામલે AAPના પાયલ સાકરીયાએ શું કહ્યું?