
Bharuch: ભરૂચ નગરપાલિકાના PWD (પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ) વિભાગમાં ગંભીર અનિયમિતતાનો મામલો સામે આવ્યો છે. વિભાગની કચેરી કોન્ટ્રાક્ટરોનો અડ્ડો બની ગઈ હોવાનું ખુલ્યું છે, જ્યાં એન્જિનિયરની કેબિનમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ફાઈલો ચેક કરવામાં આવતી હોવાની ઘટના ઝડપાઈ છે.
વિરોધ પક્ષના નેતાએ મુલાકાત લેતા મામલો આવ્યો સામે
ગઈ કાલે વિરોધ પક્ષના નેતા સમશાદ અલી સૈયદે PWD કચેરીની અચાનક મુલાકાત લેતાં આ ગંભીર બાબત પ્રકાશમાં આવી હતી. મુલાકાત દરમિયાન કોન્ટ્રાક્ટરો એન્જિનિયરની કેબિન છોડીને ભાગી ગયા હતા, જેના પગલે મહત્ત્વની ફાઈલો ચોરાઈ કે ગુમ થવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
PWD વિભાગની કચેરીમાં CCTVનો અભાવ
આ ઘટનાએ એક મહત્ત્વનો પ્રશ્ન ઉભો કર્યો છે કે, આવી ઘટના માટે જવાબદાર કોણ? નગરપાલિકાની અન્ય ઓફિસોમાં CCTV કેમેરા હોવા છતાં, PWD વિભાગની કચેરીમાં CCTVનો અભાવ હોવાનું જાણવા મળ્યું છે. આ કારણે વિરોધ પક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે અને આ મામલે કડક કાર્યવાહીની માગણી કરી છે.
ભરૂચ પાલિકાની PWD ઓફિસમાં અધિકારી ગેરહાજર છે અને તેમની કેબિનમાં કોન્ટ્રાક્ટરો બેસીને ફાઈલ ચેક કરતા હોવાના આરોપ અચાનક મુલાકાત લઈ ત્યાંના વિપક્ષ નેતાએ લગાવ્યાં. અગત્યની ફાઈલો ચોરાય કે ગુમ થાય તો જવાબદાર કોણ? કેવી રીતે અધિકારીની મંજૂરી વગર તેમની કેબિનમાં કોન્ટ્રાક્ટર્સ બેસી શકે? કેમ… pic.twitter.com/bxmPVsXKK2
— Krishna Patel (@Krishna760046) July 16, 2025
વિરોધ પક્ષના નેતા સમશાદઅલી સૈયદે કરી આ માંગણી
આ મામલે વિરોધ પક્ષના નેતા સમશાદઅલી સૈયદે જણાવ્યું કે, PWD વિભાગની કામગીરીમાં પારદર્શિતા લાવવા અને ભ્રષ્ટાચારને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. તેમણે CCTV કેમેરા લગાવવાની માંગણી પણ કરી છે.
નગરપાલિકાના પ્રમુખે આપી ખાતરી
આ ઘટનાને પગલે નગરપાલિકાના પ્રમુખે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ મામલે એન્જિનિયરો અને અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે. તેમણે ખાતરી આપી કે, આવી ઘટના ફરી ન બને તે માટે યોગ્ય પગલાં લેવામાં આવશે અને નગરપાલિકાની ગોપનીયતા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
ભરૂચ નગરપાલિકાના વહીવટમાં પારદર્શિતા અંગે ઉઠ્યા સવાલો
આ ઘટનાએ ભરૂચ નગરપાલિકાના વહીવટમાં પારદર્શિતા અને જવાબદારીના અભાવ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. PWD વિભાગમાં CCTV કેમેરા લગાવવા અને કોન્ટ્રાક્ટરોની અનધિકૃત હાજરી પર અંકુશ લાવવા માટે ત્વરિત પગલાં લેવાની જરૂરિયાત ઉભી થઈ છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય.








