
- પેટમાં સામાન્ય દુઃખાવો થતાં 11 વર્ષના બાળકને સદવિચાર હોસ્પિટલમાં દાખલ કરાયું હતું.
- બાળકની હાલત બગડી રહી હતી છતાં નર્સે ડોક્ટરના ના બોલાવ્યા તેવી પરિવારનો આક્ષેપ.
Bhavnagar News | ભાવનગર જિલ્લાનાં પાલિતાણાની સદવિચાર હોસ્પિટલમાં તબીબ અને સ્ટાફની ઘોરબેદરકારીને કારણે 11 વર્ષના બાળકનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરી ભારે રોકકળ કરી હતી. પરિવારજનોએ કડક પગલાં ભરાય તેવી માગણી પણ ઉચ્ચારી હતી.
પાલિતાણામાં રહેતા અશોક ભાઈના 11 વર્ષના દીકરાને પેટમાં દુઃખાવો ઉપડતાં પરિવારજનો તેને તાત્કાલિક સદવિચાર જનરલ હોસ્પિટલમાં લઇ ગયા હતાં. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ થોડા સમયમાં બાળકની તબિયત વધારે લથડી હતી. અને માત્ર 24 કલાકના ગાળામાં જ માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું. બાળકનું મોત નિપજતાં પરિવારજનો માથે આભ તૂટી પડ્યું હતું.
અશોકભાઈના જણાવ્યા પ્રમાણે, દીકરાની હાલત ગંભીર થતાં અમે ડોક્ટરને બોલાવવા માટે નર્સ સ્ટાફને વિનંતી કરી હતી. પરંતુ, નર્સે કહ્યું કે, થોડી થોડી વારે ડોક્ટરને બોલાવો એ ના ચાલે, ડોક્ટર કંઈ વારે વારે આવવા માટે નવરાં નથી. દીકરાની તબિયત લથડી રહી હતી છતાં નર્સે ડોક્ટરને બોલાવ્યા નહીં. અને ડોક્ટરે પણ બાળકની તબિયત અંગે પુછપરછ કરી નહીં પરિણામે તેનું મોત નિપજ્યું હતું.
વ્હાલસોયાં દીકરાને ગુમાવવાને પગલે પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. તો રોષે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલ અને ડોક્ટર સહિત સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, આજકાલ હોસ્પિટલ્સમાં ડોક્ટર્સ સારવાર પણ વ્યક્તિની પરિસ્થિતિ જોઈને કરતાં થઈ ગયાં છે. સામાન્ય વર્ગના લોકોને સારી સારવાર મળી રહે તેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં ભાજપા સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે.

અલંગમાં ફર્નિચરના ખાડામાં આગ, લાખોનો સામાન બળીને ખાખ
Bhavnagar News | ભાવનગર જિલ્લામાંથી અન્ય એક સમાચાર મળી રહ્યાં છે. અલંગના ત્રાપજ રોડ પર આવેલા નીલકંઠ ફર્નિચરના ખાડામાં વિકરાળ આગ લાગતાં ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો.
ઘટના સ્થળે દોડી આવેલાં અલંગ અને તળાજાના ફાયર ફાઈટર્સે આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ભારે જહમત બાદ આખરે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે, આગને પગલે ખાડામાં રહેલો ફર્નિચરનો જથ્થો બળીને ખાખ થઈ જતાં લાખો રૂપિયાનું નુકસાન પહોચ્યું હતું. હાલના તબક્કે ખાડામાં કેવી રીતે આગ લાગી? તે અંગેની કોઈ ચોક્કસ જાણકારી પ્રાપ્ત થતી નથી.





