
Bhavnagar Rajkot terrorism protest: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા સામે દેશભરમાં વિરોધ રહ્યો છે. હુમલાની વિશ્વએ પણ નિંદા કરી છે. ત્યારે ભારતના વિવિધ સ્થળોએ પણ ભારે વિરોધ થયો છે. પહેલગામમાં થયેલા હુમલામાં 3 ગુજરાતીના મોત થયા છે. 2 ભાવનગર જ્યારે 1 સુરતના હોવાના સામે આવ્યું છે. ભાવનગરના પિતા-પુત્ર અને માતા પહેલગામ ફરવા ગયા હતા. જ્યાં આતંકીઓના ફાયરિંગમાં પિતા-પુત્રનું મોત થયું છે. જ્યારે માતાનો બચાવ થયો છે.
આ હુમલામાં સુરતના અન્ય એક યુવકનું પણ મોત થયું છે. આ ત્રણેયના મૃતદેહ આજે વતન લાવવામાં આવી રહ્યા છે. મોડી રાત સુધી મૃતદેહો વતન આવી જશે. પહેલગામમાં થયેલા હુમલામાં 30 જેટલા લોકોના મોત થઈ ગયા છે.
ત્યારે આજે આતંકી હુમલાનો રાજકોટમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. રાજકોટના ત્રિકોણ બાગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કરાયું છે. વિશ્વ હિન્દુ પરિષદના વિનય કારીયાએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ દ્વારા આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે ત્રીજી સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી અને આતંકવાદીઓ સામે લડવા માટે સમગ્ર દેશ સરકારની સાથે છે તેવું જણાવ્યું હતું.
ભાવનગરમાં પણ બજરંગ દળ દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સાથે સાથે જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
જો કે આ હુમલામાં ખુદ અમિત શાહ પણ જવાબદાર છે. તેમણે ટુરિસ્ટની સિઝન હોવા છતાં હુમલાસ્થળે એક પણ સુરક્ષાકર્મી તૈનાત કર્યો ન હતો. આ હુમલાની સીધી જવાબદારી કેન્દ્ર સરકારની બને છે. તેમાં પણ ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહની. આ હુમલામાં મહારાષ્ટ્રના 6 લોકોના મોત થયા છે. જ્યાં શિવ સેનાના નેતા સંજય રાઉતે અમિત શાહને આડે હાથ લીધા હતા. અને રાજીનામું આપી દેવા કહ્યું હતુ.
સ્થાનિકોની સંડોવણી?
સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પહેલગામ હુમલાના શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા હોવાનું કહેવાય છે. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબાનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ છે. આ હુમલામાં સ્થાનિકોની પણ સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃ
Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા મામલે પાકિસ્તાની રક્ષામંત્રીએ શું કહ્યું?
Pahalgam Attack: 3 આતંકીઓના સ્કેચ જાહેર, ધાર્મિક ઓળખ પૂછ્યા બાદ પ્રવાસીઓ પર ફાયરિંગ