
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની તાલીમાર્થી મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત જાહેર થયેલા સંજય રોયને કોર્ટે સજા ફટકારી છે. કોલકાતાની સ્પેશિયલ કોર્ટે સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે દોષિત સંજય રોય પર 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે મૃતકના પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર આપવાનો હુકમ કર્યો છે. કોર્ટમાં પીડિતાના માતા-પિતાએ કહ્યું કે અમને કોઈ વળતર જોઈતું નથી.
ચુકાદો આપતા પહેલા, કોર્ટે પીડિતાના માતા-પિતાને કેસ પર તેમનું અંતિમ નિવેદન આપવાની મંજૂરી આપી હતી. આ પછી ખાસ કોર્ટના ન્યાયાધીશે કેસમાં સજા સંભળાવી. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2024 માં કોલકાતાના હોસ્પિટલ પરિસરમાં તાલીમાર્થી મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્પેશિયલ કોર્ટના જજ અનિર્બાન દાસે 18 જાન્યુઆરીએ રોયને દોષિત ઠેરવ્યો હતો.
9 ઓગસ્ટના રોજ મૃતદેહ મળી આવ્યો હતો
વર્ષ 2024ની 9 ઓગસ્ટે સવારે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના કેમ્પસના સેમિનાર હોલમાંથી તાલીમાર્થી મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસની શરૂઆતમાં કોલકાતા પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેણે રોયની ધરપકડ કરી હતી. જોકે, ગુનાની તારીખના પાંચ દિવસ પછી સીબીઆઈએ તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ શહેર પોલીસે રોયને કેન્દ્રીય એજન્સીના અધિકારીઓને સોંપી દીધો હતો. આ કેસમાં સુનાવણી પ્રક્રિયા વર્ષ 2024માં 11 નવેમ્બરે શરૂ થઈ હતી.