
Kuber Dindor: ગુજરાતમાં છેલ્લાં ત્રીસેક વર્ષથી ભાજપનું શાસન છે, અને લોકો દરેક ચૂંટણીમાં ભાજપને ખોબલે ખોબલે મત આપી રહ્યાં છે. પરંતુ, આ ચોમાસામાં રસ્તાઓની દુર્દશાએ સરકારની કામગીરીની પોલ ખોલી નાખી છે. તેવામાં સરકારના મંત્રીઓ જનતાને કહી રહ્યા છે રસ્તાઓ પર ખાડા પડ્યા હોય તો ફોન નહીં કરવાનો જાતે ખાડા પુરી લેવાના, તેઓ નાગરિક ધર્મ નિભાવવાની વાતો કરે છે ત્યારે સવાલ તે થાય છે કે રસ્તાઓ પર ખાડા પુરવાનું કામ કોનું છે ? રસ્તાઓ એટલી હલકી ગુણવત્તાના બનાવવામાં આવે કે, સામાન્ય વરસાદમાં જ ખાડાઓ પડી જાય છે ત્યારે જનતા ફોન કરીને ફરિયાદ કરે ત્યારે તેમને સરકારના મંત્રીઓ ઉલટાની જાતે ખાડા પુરવાની સલાહ આપી રહ્યા છે.
શિક્ષણમંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
ચોમાસાની શરૂઆત સાથે જ રસ્તાઓની દયનીય, સ્થિતિએ ભાજપ સરકારની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. રાજ્યના મોટાભાગના રસ્તાઓ એક જ વરસાદમાં ધોવાઈ ગયા, અને ઠેર ઠેર ખાડાઓ પડી ગયા, જેના કારણે નાગરિકોમાં સરકાર સામે તીવ્ર આક્રોશ ફેલાયો છે. આ પરિસ્થિતિ વચ્ચે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગોધરામાં એક સમારોહ દરમિયાન આપેલા નિવેદનથી લોકોના ઘા પર મીઠું ભભરાવ્યું હોય તેવું લાગે છે. તેમણે સરકારની નિષ્ફળતાને ઢાંકવા માટે નાગરિકોને જ “નાગરિક ધર્મ” નિભાવવાની સલાહ આપી.
ગોધરામાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું, “લોકો નાગરિક ધર્મ જ ભૂલી ગયા છે. રસ્તામાં ખાડો પડે તો કઈ સરકારને ફોન કરવાનો નથી. પાવડો-તગારો લઈ આવો, માટી ભરીને ખાડો જાતે પૂરી દો. નાગરિક ધર્મ તો નિભાવો. બધું જ સરકારે કે તંત્રએ નથી કરવાનું. કેટલાંક કામો લોકોએ પણ જાતે કરવા જોઈએ.” આ નિવેદનથી લોકોમાં એવી લાગણી ફેલાઈ કે, સરકાર પોતાની નિષ્ફળતાનો દોષ નાગરિકો પર ઢોળી રહી છે.
કુબેર ડિંડોરના આ નિવેદનને લોકોએ સરકારની જવાબદારીથી ભાગવાના પ્રયાસ તરીકે જોયું. લોકોનું કહેવું છે કે, રસ્તાઓનું નિર્માણ અને જાળવણી એ સરકાર અને સ્થાનિક તંત્રની પ્રાથમિક જવાબદારી છે. નાગરિકો નિયમિત ટેક્સ ચૂકવે છે, અને તેના બદલામાં સારી માળખાગત સુવિધાઓની અપેક્ષા રાખે છે. પરંતુ, સરકારની નબળી નીતિઓ અને ભ્રષ્ટાચારના કારણે રસ્તાઓની ગુણવત્તા સતત ખરાબ રહી છે, અને ચોમાસામાં તેની સ્થિતિ વધુ બગડે છે. આવી સ્થિતિમાં મંત્રીનું નાગરિકોને “ખાડા પૂરવા”ની સલાહ આપવું એ લોકોની લાગણીઓનું અપમાન કરવા બરાબર છે.
ચોમાસાએ ખોલી નાખી રસ્તાઓની પોલ
ગુજરાત સરકારના જ આંકડા પ્રમાણે, રાજ્યના રસ્તાઓ પર 25,000થી વધુ ખાડાઓનું સમારકામ કરવું પડ્યું છે, જે રસ્તાઓની ગુણવત્તા અને જાળવણીની નબળી સ્થિતિને દર્શાવે છે. પંચમહાલ જિલ્લામાં પણ ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા, અને અન્ય વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડાઓના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે, વાહનચાલકો અને રાહદારીઓને દરરોજ જોખમનો સામનો કરવો પડે છે.
આ સ્થિતિના કારણે સ્થાનિક તંત્ર અને સરકારી અધિકારીઓ પર લોકોનો ગુસ્સો ભભૂકી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં લોકોની ફરિયાદોનું નિરાકરણ નથી થતું, અને અધિકારીઓ પ્રજાની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન વલણ દાખવી રહ્યાં છે. આ બધા વચ્ચે, સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પણ લોકો વચ્ચે જવામાં અસમર્થ બન્યા છે, કારણ કે જન આક્રોશ એટલો ઉગ્ર બન્યો છે કે, તેઓને જાહેરમાં સવાલોનો સામનો કરવો પડી શકે છે.
લોકોમાં આક્રોશ અને સરકારની ઉદાસીનતા
પંચમહાલ જિલ્લામાં રસ્તાઓની ખરાબ સ્થિતિ ઉપરાંત, અન્ય ઘણી સમસ્યાઓ પણ લોકોને પરેશાન કરી રહી છે. ગોધરા, હાલોલ, અને કાલોલ જેવા શહેરી વિસ્તારોમાં પાણીની સમસ્યા, નબળી વીજ પુરવઠો, અને અપૂરતી આરોગ્ય સેવાઓએ લોકોની હાલત કફોડી બનાવી છે. ગ્રામીણ વિસ્તારોમાં તો રસ્તાઓની સ્થિતિ એટલી ખરાબ છે કે, ખેડૂતોને ખેતપેદાશો બજાર સુધી લઈ જવામાં મુશ્કેલી પડે છે, અને વિદ્યાર્થીઓને શાળાઓ સુધી પહોંચવું દુષ્કર બની રહ્યું છે.
લોકોનું કહેવું છે કે, સ્થાનિક તંત્ર ફરિયાદોનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. અધિકારીઓ પ્રજાની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન રહે છે, અને ઘણી વખત તેમની પાસે કોઈ જવાબ જ નથી હોતો. આ ઉપરાંત, ખુદ મંત્રીઓની વાત પણ અધિકારીઓ સાંભળતા નથી, જે સરકારની આંતરિક નિષ્ફળતાને દર્શાવે છે. આવી સ્થિતિમાં, કુબેર ડિંડોરનું નિવેદન લોકોને એવું લાગ્યું કે, સરકાર પોતાની જવાબદારીથી ભાગી રહી છે અને નાગરિકો પર દોષ ઢોળીને પોતાની નિષ્ફળતા ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે.
રાજકીય પ્રતિસાદ
કુબેર ડિંડોરના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ લોકોનો ગુસ્સો જોવા મળ્યો. ઘણા નાગરિકોએ આ નિવેદનને “અસંવેદનશીલ” અને “જવાબદારીથી ભાગવાનો પ્રયાસ” ગણાવ્યો. વિપક્ષી પાર્ટીઓએ પણ આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ આ નિવેદનને લઈને ભાજપ સરકારની ટીકા કરી, અને લોકોને ખાતરી આપી કે, તેઓ આ મુદ્દે સરકારને ઘેરવા માટે આંદોલન કરશે.
વિવાદ બાદ કુબેર ડિંડોરએ કરી સ્પષ્ટતા
પછીથી કુબેર ડિંડોરએ કહ્યું કે, પુરી સ્ક્રિટ કોઈએ સાંભળી નથી અને તેને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું હતું ગયા વર્ષે વાવાઝોડું આવ્યું હતુ અને જે થાંભલા પડી ગયા હતા અને રોડ બ્લોક થઈ ગયા હતા. તે સમયની મે વાત કરી હતી, તે સમયે મે પણ ઝાડ કાપીને રસ્તાઓ ખુલ્લા કર્યા હતા અને એક લાઈટનું પુન સ્થાપન કર્યું હતું. તે ઘટનાના આધરે મે કહયું હતુ કે, આપડી પણ ફરજ બને છે. તંત્ર પણ કામગીરી કરી રહ્યું છે પરંતુ આપણે પણ નાગરિક ધર્મ નિભાવીને મદદ કરવી જોઈએ.
જનતાનો આક્રોશ ચૂંટણીમાં પડી શકે છે ભારે
ગુજરાતમાં ચોમાસાની સાથે રસ્તાઓની દયનીય સ્થિતિ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના વિવાદાસ્પદ નિવેદનએ ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરી છે. લોકોનો આક્રોશ દર્શાવે છે કે, નાગરિકો હવે સરકારની ઉદાસીનતા અને જવાબદારીથી ભાગવાની વૃત્તિ સામે ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. સરકારે આ મુદ્દે તાત્કાલિક પગલાં લઈ, રસ્તાઓની ગુણવત્તા સુધારવા અને લોકોની ફરિયાદોનું નિરાકરણ લાવવું જરૂરી છે, નહીં તો આ આક્રોશ આગામી ચૂંટણીઓમાં ભાજપ માટે મોંઘો પડી શકે છે.
આ પણ વાંચો:
Madhya Pradesh: 12 વર્ષના બાળકે ઓનલાઈન ગેમમાં રૂપિયા ગુમાવતા માતા-પિતાના ડરથી જીવન ટુંકાવ્યું
Junagadh: મોડી રાત્રે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કેમ પોલીસ સ્ટેશન માથે લીધું? કોને બચાવે છે પોલીસ?
Surendranagar: મૂકબધિર પિતાએ સગી દીકરીને જ હવસનો શિકાર બનાવી, સગીરા ગર્ભવતી થતા ફૂંટ્યો ભાંડો