
Ahmedabad: અમદાવાદ શહેરના મહિલા પોલીસ સ્ટેશન (પૂર્વ) દ્વારા એક નકલી પત્રકારની ધરપકડ કરવામાં આવી છે, જેણે પોતાને પત્રકાર અને ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીના સભ્ય તરીકે રજૂ કરી ખંડણી માંગી હતી. આરોપી યાસીન ઉર્ફે બાટલી ઉર્ફે સરફરાજ, મોહમ્મદ ફારૂક શેખના પુત્ર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 308(3), 74 અને 296(b) હેઠળ ગુનો નોંધાયો છે.
અમદાવાદમાંથી ઝડપાયો નકલી પત્રકાર
આ ઘટના 15 જુલાઈ, 2025ના રોજ રાત્રે 9:30 વાગ્યે શરૂ થઈ, જ્યારે ફરિયાદીનો પુત્ર અને તેમના પાડોશીનો પુત્ર રમતાં રમતાં ઝઘડી પડ્યા હતા. આરોપીએ આ ઝઘડાના ફોટા અને વીડિયો પોતાના મોબાઈલમાં લીધા અને ફરિયાદીનો હાથ પકડીને ધમકાવ્યો. ફરિયાદીએ હાથ છોડાવતાં આરોપીએ અદાવત રાખી. બીજા દિવસે, 16 જુલાઈ, 2025ના રોજ સવારે 11:30 વાગ્યે, આરોપી ફરિયાદીના ઘરે પહોંચ્યો અને પોતાને પત્રકાર તરીકે ઓળખાવ્યો. તેણે ઝઘડાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપી અને રૂ. 25,000ની ખંડણી માંગી. ફરિયાદીએ ના પાડતાં આરોપીએ ગાળો બોલી અને ફરિયાદીની માતા આવતાં ત્યાંથી નાસી ગયો.
પૂછપરછમાં આરોપીએ કરી કબુલાત
30 જુલાઈ, 2025ના રોજ મહિલા પોલીસ સ્ટેશન (પૂર્વ) દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી. પૂછપરછમાં આરોપીએ સ્વીકાર્યું કે તેણે દસમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે અને તેની પાસે પત્રકારત્વની કોઈ ડિગ્રી કે પ્રમાણપત્ર નથી. આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આરોપીનો ભૂતકાળનો ગુનાહિત રેકોર્ડ પણ સામે આવ્યો છે. તેની વિરુદ્ધ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલો છે.
પોલીસ પકડમાં પણ નકલી પત્રકારે અક્કડ બતાવી
આ નકલી પોલીસ પત્રકારની ધરપકડ બાદ પણ અકક્ડ નથી ગઈ. તે પોલીસ પકડમાં હસી રહયો છે અને ખીસ્સામાં હાથ નાખીને, અદપ વાળીને એમ અલગ અલગ સ્ટાઈલથી ફોટા પડાવી રહ્યો છે તેના ચહેરા પરના હાવ ભાવ બતાવે છે કે તેને પોલીસનો કોઈ ડર નથી.
નકલી અને ખંડણીખોર પત્રકારો સામે કડક કાર્યવાહીની જરુર
મહત્વનું છે કે, અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી અને ખંડણીખોર પત્રકારોનો રાફડો ફાટ્યો છે. આવા પત્રકારોએ પત્રકારત્વને ખંડણી ઉઘરાવવાનો ધંધો બનાવી દીધો છે. જેઓ પત્રકારત્વની છબીને પણ નુકસાન કરી રહ્યા છે. આવી ઘટનાઓ શહેરમાં નકલી પત્રકારો અને ખંડણીની ઘટનાઓ સામે સખત કાર્યવાહીની જરૂરિયાત દર્શાવે છે. પોલીસે આવા તત્ત્વો સામે કડક હાથે કામ લેવાની જરુર છે.
આ પણ વાંચો:
Gujarat ATS: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ
Russia Earthquack: રશિયા નજીક 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ભયાનક વીડિયો આવ્યા સામે