
Gandinagar: ગાંધીનગરના અડાલજ નજીક આવેલા અંબાપુર નર્મદા કેનાલ વિસ્તારમાં એક દુ:ખદ ઘટનાએ રાજ્યની કાયદો-વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. એક યુવક અને યુવતી મોડી રાત્રે બર્થડે ઉજવણી માટે કેનાલના સર્વિસ રોડ પર બેઠાં હતાં, ત્યારે અજાણ્યા શખ્સે લૂંટના ઇરાદે તેમના પર હુમલો કર્યો. આ હુમલામાં યુવક વૈભવ મનવાણીનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ. હુમલાખોરે બંને પાસેથી કીમતી સામાન લૂંટીને યુવકની સ્કોડા ગાડી લઈ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગાડી બંધ પડતાં તે ગાડી મૂકીને ફરાર થઈ ગયો.
પાટનગરમાં બની હચનચીવનારી ઘટના
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, અમદાવાદના હાંસોલ વિસ્તારના રહેવાસી વૈભવ મનવાણી 19 સપ્ટેમ્બરે તેનો જન્મદિવસ ઉજવવા માટે મિત્રો સાથે અમદાવાદમાં બહાર ગયા હતા. રાત્રે લગભગ 12:30 વાગ્યે, તેઓ ઝુંડાલ વિસ્તારમાં એક મિત્રને ઘરે મૂકવા ગયા. ત્યારબાદ વૈભવ અને તેની મિત્ર યુવતી અંબાપુર નર્મદા કેનાલના સર્વિસ રોડ પર પહોંચ્યા. અહીં બંને ગાડીમાં બેઠાં હતાં ત્યારે અજાણ્યો શખ્સ લૂંટના ઇરાદે તેમની પાસે આવ્યો. તેણે છરી બતાવીને ધમકી આપી, પરંતુ યુવકે પ્રતિકાર કરતાં હુમલાખોરે છરીના ઘા ઝીંકી દીધા, જેમાં વૈભવનું ઘટનાસ્થળે જ મોત થયું. યુવતીએ પણ બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ. હાલ યુવતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તે બેહોશ હોવાથી વધુ વિગતો મળી શકી નથી.
પોલીસની કાર્યવાહી
ઘટનાની જાણ રાત્રે એક પસાર થતી વ્યક્તિએ કંટ્રોલ રૂમને કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી. વૈભવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને અમદાવાદ ATS સહિતની 15 ટીમો બનાવી છે. આસપાસના વિસ્તારમાં CCTV ફૂટેજની તપાસ ચાલી રહી છે, પરંતુ ઘટનાસ્થળે CCTV ન હોવાથી તપાસમાં મુશ્કેલી પડી રહી છે.
નવરાત્રિ પહેલાં સુરક્ષા પર ચિંતા
આ ઘટના નવરાત્રિના માત્ર બે દિવસ પહેલાં બની છે, જ્યારે ગુજરાતમાં યુવાઓ મોડી રાત સુધી ગરબા અને અન્ય ઉજવણીઓમાં ભાગ લે છે. ગાંધીનગર જેવા રાજધાની શહેરમાં આવી ઘટના બનવાથી અન્ય શહેરોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે. ગત વર્ષે પણ નવરાત્રિ દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક રહી હતી, અને આ વખતે પોલીસે સુરક્ષાના મોટા દાવાઓ કર્યા હોવા છતાં આવી ઘટનાઓએ લોકોનો વિશ્વાસ ડગમગાવ્યો છે.
નાગરિકો માટે ચેતવણી
નર્મદા કેનાલ જેવા એકાંત વિસ્તારોમાં મોડી રાત્રે બેસવું જોખમી બની શકે છે, કારણ કે આવા વિસ્તારોમાં અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ નોંધાઈ છે. પોલીસે નાગરિકોને સાવચેત રહેવા અને રાત્રે એકાંત સ્થળો ટાળવા અપીલ કરી છે. નવરાત્રિ દરમિયાન યુવક-યુવતીઓએ સલામત અને જાહેર સ્થળોએ જ ઉજવણી કરવી જોઈએ.
આ ઘટનાએ ગુજરાતની કાયદો-વ્યવસ્થાની નબળી કડીઓ ઉજાગર કરી છે. હવે જોવાનું રહેશે કે આગામી નવરાત્રિમાં પોલીસ આવા ગુનાઓને રોકવા માટે કેટલી અસરકારક રીતે કામ કરે છે.
આ પણ વાંચો:
Godhra: ગોધરા પોલીસ સ્ટેશન પર લઘુમતિ ટોળાએ કર્યો હુમલો, પોલીસે શું કર્યો ખુલાસો?
Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ
Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ
The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF








