
Gandhinagar: દેશમાં આજકાલ નેતાઓને જલસા પડી ગયા છે,આઝાદી પછી જો કોઈને મજા આવી હોય તો તે નેતાઓ છે. જનતાના ભાગમાં મહેનત કર્યા પછી પણ એક હાલત છે અને મધ્યમ-ગરીબ લોકો આજેપણ જિંદગી જીવવા સંઘર્ષ કરી રહયા છે મોંઘુ શિક્ષણ બાળકોને આપી જ્યારે નોકરી માટે જાય ત્યારે વિશાળ બેરોજગારીને લઈ ખાનગી સેકટરમાં તેનો ફાયદો ઉઠાવી નજીવો પગાર આપવામાં આવે છે લાખ્ખો પરિવાર ભાડાના મકાન માં રહે છે બાકીના સેંકડો પરિવાર એવા છે જેઓની જિંદગી ફ્લેટના હપ્તા ભરવામાં જ પુરી થઈ જાય છે,લગ્ન-બીમારીમાં બચત હોય તે પુરી થઈ જાય છે.
આ વાસ્તવિકતા ઘરે ઘરની કહાની બની ગઈ છે પણ રાજકારણ એક એવું ફિલ્ડ છે જ્યાં વગર શિક્ષણે નિવૃત્તની ઉંમરે પહોંચેલા દાદાની ઉંમરના વ્યક્તિઓ લાખ્ખોમાં પગાર મેળવી રહયા છે મફતમાં સુખ-સુવિધાઓ અને સત્તાનો પાવર વાપરી રહયા છે ત્યારે ગાંધીજી જે વાતો કરતા હતા કે નેતાઓએ દેશના સેવક બની સાદગી અપનાવીને રહેવું જોઈએ પણ આજે સ્થિતિ વિપરીત બની ગઈ છે અને દીવસે-દિવસે નેતાઓ જનતાના પૈસે એશોઆરામ કરતા જોવા મળી રહયા છે,જનતામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નેતાઓને બંગલા અને ફ્લેટ અપાયા છે તે અમીરી દર્શાવે છે,જનતાના પૈસે તાગડધિન્ના કરવાનું આ દલા તરવાડી જેવું લાયસન્સ કેવી મળ્યું હશે તે વાત આજના જનરેશનમાં ચર્ચાનો વિષય બની છે.
ગાંધીનગરના સેક્ટર-17માં જૂનાં MLA ક્વાર્ટર્સને તોડીને રૂ.325 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે 216 આધુનિક અને લક્ઝરિયસ 5BHK(ઓફિસ અને સર્વન્ટ રૂમ સહિત) ફ્લેટ બનાવવામાં આવ્યા છે,ફ્લેટદીઠ 1.50 કરોડથી વધુનો ખર્ચ થયો છે. 9 માળના 12 ટાવરમાં લક્ઝરિયસ ફ્લેટમાં આધુનિક સુખ-સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.
માર્ગ મકાન વિભાગ દ્વારા આ સદસ્ય નિવાસ સંકુલનું કુલ 28,576 ચોરસ મીટરમાં નિર્માણ થયું છે અને પ્રતિ આવાસ સુપર બિલ્ટઅપ 238.45 ચો.મી.(2562 સ્કવેર ફૂટ)માં 3 બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ તથા સર્વન્ટ રૂમની સુવિધા છે. જ્યારે પ્રતિ યુનિટ 170.32 ચો.મી(1829 સ્કવેર ફૂટ).કાર્પેટ એરિયા છે.
અહીં અન્ય સુવિધાઓમાં 2 લેન્ડસ્કેપ ગાર્ડન અને પ્લેઝન્ટ સીટઆઉટ, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, કેન્ટીન, આધુનિક હેલ્થ ક્લબ, ચિલ્ડ્રન પ્લે એરિયા, વરિષ્ઠ નાગરિક પાર્ક, ઇન્ટરનેટ લાઉન્જ અને ઇન્ડોર ગેમ ઝોન, ડેક સાથે યોગ એરોબિક્સ ઝોન, જોગિંગ અને વોકિંગ ટ્રેક તથા દવાખાનું અને ગ્રોસરી સ્ટોર વગરે છે, ઉપરાંત 4 ઇન-આઉટ ગેટ પણ છે.
ધારાસભ્યોના નિવાસ સંકુલમાં વિશાળ ગાર્ડન, 300 વ્યક્તિની ક્ષમતા ધરાવતો મલ્ટીપર્પઝ હોલ, કોમ્યુનિટી હોલ, સાથે સંકુલમાં પૂરતા પ્રમાણમાં પાર્કિંગ મળી રહે તે માટે પણ દરેક યુનિટ દીઠ 2 એલોટેડ પાર્કિંગ જેમાંથી 1 બેઝમેન્ટ અને 1 ગ્રાઉન્ડ ફ્લોર પર આપવામાં આવ્યા છે તેમજ કેમ્પસના તમામ આંતરિક રસ્તાઓ RCCનાં બનાવવામાં આવ્યા છે.
વૈભવી ફલેટ્સમાં નોકર-ચાકરો માટે અલગ વ્યવસ્થા કરી સાહેબની પ્રાઇવેસીનું પણ ખાસ ધ્યાન અપાયું છે અહીં સર્વન્ટ રૂમની એન્ટ્રી અલગ છે સર્વન્ટ સીધો જ કિચનમાં જાય કામકાજ પૂર્ણ કરી ફરી તેના રૂમમાં જતો રહે તેવી વ્યવસ્થા છે જેથી સાહેબને ડિસ્ટર્બ ન થઈ શકે.
રસપ્રદ વાતતો એછે કે ધારાસભ્યો પાસેથી ફ્લેટનું ભાડું માત્ર 37.50 રૂપિયા રાખવામાં આવ્યુ છે,મહત્વનું છે કે હાલમાં ધારાસભ્યોને 78,800 રૂપિયા સરકારી પગાર ઉપરાંત ભથ્થાં મળી કુલ 1.16 લાખ રૂપિયા મળે છે.
એમાંય રૂ. 7 હજાર ટેલિફોન ખર્ચ, 5 હજાર પોસ્ટલ-સ્ટેશનરી ખર્ચ, 20 હજાર પર્સનલ આસિસ્ટન્ટ એલાવન્સનો સમાવેશ થાય છે.
આ લક્ઝરિયસ ફલેટમાં 2 સોફા, 1 એસી, 6 પંખા, ફ્રિજ, 43 ઇંચનું ટીવી,પગ લુછણિયાં, પડદા ફિનાઈલ, ટોઇલેટ, ક્લીનર,પણ અપાશે. ફ્લેટનું લાઈટ બિલ પણ સરકાર એટલે કે જનતાના પૈસે ભરાશે.
આમ,નેતાઓની સુખ સાહ્યબી વધી છે અને લોકશાહી દેશમાં જનતા શુ ઈચ્છે છે તે વાત કોરાણે મુકાઈ હોવાનું નાગરિકો ‘ફિલ’કરી રહયા છે.
મહત્વનુ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાત પ્રવાસે છે તેઓએ રીબીન કાપીને આ ફ્લેટસનું ઉદઘાટન કર્યું તે સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિર પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો:
મહિલા વર્લ્ડકપમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવ્યું, દેશમાં ખુશીનો માહોલ | Women World Cup
Busuness: વર્ષ 2025માં સોનું મોંઘુ થતાં ખરીદી ઘટી; માંગમાં 16 ટકા ઘટાડો નોંધાયો!
Gujarat news: ગુજરાતના બે સ્મશાનગૃહોની હૃદયવિદારક તસવીરો, ગોદડા બાળી- પતરું રાખી કરવી પડી અંતિમ વિધિ








