
દિલીપ પટેલ
Arvind Ladani: સામાન્ય વ્યક્તિત્વ ધરાવતા પક્ષપલટું ધારાસભ્યએ પોતાની આખી સરકારને હચમચાવી દીધી છે. તેમણે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને ગૃહ વિભાગનો હવાલો સંભાળતા ભૂપેન્દ્ર પટેલને પડકાર ફેંક્યો છે કે આપણી પોલીસ કેવી હપ્તાખોર છે. જુગાર રમાડવા માટે રૂ. 70 હજારનો હપ્તો લઈ રહી છે.
જુનાગઢના માણાદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ માણાવદર-બાંટવા પોલીસ સામે હપ્તાખોરીના આરોપો લગાવ્યા હતા. માણાવદર પોલીસ મથક સામે ધરણાં પર બેઠા હતા. બે પોલીસ મથક હરતી ફરતી જુગારની ક્લબ બનાવી પૈસા ઉઘરાવતા હોવાનો આરોપ મૂક્યો હતો. હરતી ફરતી કલબના મહિને 70 થી 80 હજાર રૂપિયા હપ્તો લે છે. જુગારના ગુના નિર્દોષ લોકો પર કરવામાં આવે છે. એમ કહીને ધારાસભ્ય અરવિંદ લાડાણી એસપીને રૂબરૂ મળી અડ્ડાની વાત કરવાના હતા. નિષ્પક્ષ તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ડીવાયએસપી દિનેશ કોડિયાતરે કહ્યું કે, જુગારની રેડમાંથી ફરાર આરોપીએ ધારાસભ્યને ગેરમાર્ગે દોર્યા હતા. બાટવા પોલીસે જુગારની રેડ કરી હતી. જેમાં 3 આરોપીઓની ધરપકડ કરી હતી. 12 આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
ભાજપમાં નહીં જાવ
કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે અરવિંદ લાડાણીએ કહ્યું હતું કે, ‘વિસ્તારના વિકાસના અધુરા કામ પૂરા કરવા માટે ભાજપમાં જોડાયો છું. ઘેડ પંથકની નદીઓને ઉંડી-પહોળી કરવી, સિંચાઇના કામો, રસ્તાના કામો, માણાવદર શહેરમાં પાંચ દિવસને બદલે દરરોજ પાણી આપવાના મુદ્દે પ્રયત્ન કરીશ.’ આ કામો હજું અધુરા છે અને ઘેડના નાગરિકો તેમની સામે આંદોલન કરી રહ્યાં છે.
હું ભાજપમાં નથી જવાનો઼
કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપમાં ગયા ત્યારે અરવિંદ લાડાણીએ કહ્યું હતું કે, મારે ભાજપમાં જવાનો સવાલ જ નથી, હું જવાહર ચાવડા નથી. જેણે મત આપ્યા તેને જ વફાદાર રહેવું એવો આપણો માનવધર્મ હોવો જોઈએ, એટલે ભાજપમાં જવાનો તો પ્રશ્ન જ નથી. જ્યાં ખોટું થતું હશે તો સામે વિરોધ કરું છું.
પક્ષપલટો
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના અંબરીશ ડેર, અર્જુન મોઢવાડિયા, નવસારીના કોંગ્રેસના નેતા ધર્મેશ પટેલ અને મૂળુ કંડોરિયા બાદ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી માર્ચ 2024માં કોંગ્રેસના ધારાસભ્ય હતા. પક્ષપલટો કરીને ભાજપમાં જતા રહ્યા હતા. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા અરવિંદ લાડાણીને પક્ષાંતર કરાવીને ભાજપમાં લઈ ગયા હતા. વંથલીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આવકાર આપ્યો હતો. આ વખતે પૂર્વ પ્રધાન જવાહર ચાવડા ગેરહાજર રહ્યા હતા.
અરવિંદ લાડાણીના રાજીનામાથી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ નામશેષ થઈ છે. હવે કોંગ્રેસના સૌરાષ્ટ્રમાં એકમાત્ર ધારાસભ્ય વિમલ ચુડાસમા છે. જવાહરને કાપવા માટે કોરડીયાને ભાજપમાં લવાયા હતા. હવે કોરડીયા હરતી ફરતી જુગારની કલબ ના હપ્તા માટે ભાજપની સામે આવી ગયા છે.
અબજોપતિને હરાવ્યા
ભાજપના નેતા જવાહર ચાવડા 130 કરોડની સંપત્તિના માલિક છે. જવાહર ચાવડા રૂપાણી સરકારમાં પ્રધાન હતા. 4 વખત ધારાસભ્ય હતા. 2019માં ભાજપમાં જોડાયા બાદ તેમને પ્રધાન બનાવવામાં આવ્યા હતા. 36 લાખની જીપમાં ફરતા અને 85 હજારની ઘડિયાળ પહેરતા ભાજપના નેતા જવાહર ચાવડાને કોરડીયાએ હરાવ્યા હતા. કોંગ્રેસના પેથલજી ચાવડાનો રાજકીય વારસો ધરાવતા ભાજપના જવાહર ચાવડાને પરાજિત કર્યા હતા.
3 વર્ષ પહેલા કોંગ્રેસના કોમનમેન લાડાણી વિધાનસભામાં આવ્યા હતા. બાઇક પર પ્રચાર કરતા હતા અને ધારાસભ્ય બની ગયા હતા. લગ્ન નથી કર્યા. 2019ની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા સામે હાર્યા હતા. 2019ની પેટા ચૂંટણીમાં ભાજપના તત્કાલીન મંત્રી જવાહર ચાવડા સામે પહેલીવાર ધારાસભાની ચૂંટણી લડ્યા હતા. 9000 મતથી પરાજય થયો હતો. ફરી એકવાર કોંગ્રેસ દ્વારા 2022માં ટિકિટ આપવામાં આવી હતી.
11 જૂન 2024માં તો ભાજપના ધારાસભ્ય બની ગયા હતા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદ લાડાણીને 82,017 તો કોંગ્રેસ ઉમેદવાર હરિભાઈ કણસાગરાને 51,001 મત મળ્યા છે. ભાજપની 31,016 મતના લીડ સાથે ભવ્ય જીત થઈ હતી.
પાટીલને પત્ર
ધારાસભ્ય બની જતાં જ લાડાણીએ ભાજપ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખી લાડાણીએ પૂર્વ પ્રધાન અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જવાહર ચાવડાએ પત્ની અને દીકરાને આગળ રાખી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાનો લાડાણીનો આરોપ હતો. જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાએ 4 મે ના દિવસે ભાજપ કાર્યકર્તા અને 6 મેના દિવસે વેપારીઓ સાથે બેઠક યોજી ભાજપ ઉમેદવાર વિરુદ્ધ મતદાન માટે ઉશ્કેર્યા હોવાનો લાડાણીએ આક્ષેપ કર્યો હતો.
પત્રમાં આક્ષેપ કરાયો હતો કે, જવાહર ચાવડાના પુત્રએ 700થી 800 કર્મચારીને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા હાંકલ કરી હતી. 6 મે 2024એ નુતન જીનીંગ ફેક્ટરીમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. જવાહર ચાવડના દીકરા રાજ ચાવડાએ કોંગ્રેસ ઉમેદવારને સમર્થન જાહેર કર્યું હતું. મતદાનના દિવસે જવાહર ચાવડાએ માણાવદર-વંથલી અને મેંદરડાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો હતો. પ્રવાસ દરમિયાન કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા હાકલ કરી હતી.
માણાવદર ભાજપના 22 હોદ્દેદારો પર પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાનો આરોપ હતો. મતદાનના દિવસે મેંદરડા તાલુકાના કોંગ્રેસ આગેવાનો સાથે મળીને ભાજપ વિરોધી મતદાન કરાવ્યાનો લાડાણીનો આરોપ હતો.
જવાહર ચાવડાએ પણ એવું નિવેદન આપ્યું હતું કે મારી હાર પાછળ પાર્ટીના જ કેટલાક લોકો જવાબદાર છે.
અધિકાર ભંગ
માણાવદરની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પત્ર લખ્યો હતો. અરવિંદ લાડાણીએ આ પત્રમાં વિધાનસભાના વિશેષાધિકાર ભંગ કર્યો હતો. ધારાસભ્ય ન હોવા છતાં તેનો ઉપયોગ કરે છે તો વિધાનસભાના વિશેષાધિકાર ભંગ કર્યો કહી શકાય. આ ભંગ માટે વિધાનસભાની વિશેષાધિકાર સમિતિ તેમની સામે પગલાં લઈ શકે છે, જેમાં અધ્યક્ષ સૂચના પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે.
દિલીપ સંઘાણી સામે વિવાદ
22 જાન્યુઆરી 2025માં લાડાણીએ ટેકાના ભાવે ખરીદી મગફળીમાં ગેરરીતિનો ગુજકોમાસોલના ડિરેક્ટર આરોપ લગાવ્યો હતો. ડિરેક્ટરના સગાની મંડળીને મોટો લાભ મળી રહ્યો છે તો જુનાગઢ જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. મગફળી ખરીદીમાં મનસ્વી વર્તનના આરોપ લગાવ્યા હતા. ગુજકોમાસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે 1 કરોડનો બદનક્ષીનો દાવો કરવાના હતા.
દિલીપ સંઘાણીએ MLAના આરોપોને ખોટા ઠરાવતા જણાવ્યું છે કે, “ગુજકોમાસોલમાં ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા અન્ય કોઈપણ પ્રકારની ખોટી બાબત પરસ્પર લાગુ થઈ નથી.” તેમણે આક્ષેપ કરતા ખેડૂતોને ગુજકોમાસોલમાં જ્યારે ભ્રષ્ટાચાર અથવા ગેરરીતિની કોઈ વાત આવે, તો તેમને તુરંત જાણ કરવા અપીલ કરી હતી.
અધિકારીના કાન પકડાવ્યા
માણાવદરની પ્રજાના પ્રશ્નો ન ઉકેલાતા આંદોલન કરવા પાલિકાની કચેરી સામે જ ધરણા પર બેસી ગયા હતા. કામ ન થતા હોવાથી મુખ્ય અધિકારીને ખખડાવી નાંખ્યા હતા. અધિકારીને કાન પણ પકડાવ્યા હતા.
હકીતતમાં માણાવદરના લોકોના પ્રશ્ન સાંભળવા માટે ધારાસભ્ય પહોંચ્યા હતા અને પાલિકાની ઓફિસ બહાર જ જમીન પર બેસી ગયા હતા. માણાવદરમાં પ્રી-મોન્સૂનની કામગીરી મોડી શરૂ થતા અનેક વિસ્તારોમાં હજુ સફાઈ થઈ નથી. એવામાં લોકોના સમસ્યાના કારણે ધારાસભ્યએ ત્યાં જ બેસીને ડાયરીમાં બધા પ્રશ્નો લખ્યા હતા.
રિવરફ્રન્ટમાં ભ્રષ્ટાચાર
વિસાવદર વિધાનસભાના અપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ વંથલીની સભામાં આરોપ લગાવ્યો હતો કે, ‘સાવજ ડેરીમાં કેમિકલવાળું દૂધ પેક થાય છે. કેમિકલવાળું દૂધ ભાજપના માણસો ભરે છે. માણાવદરનો રિવરફ્રન્ટ પૂરો થઇ ગયો હોવા છતા આજે એ અનાથ બની ગયો છે. માણાવદરના લોકોને સરેરાશ 1250 રૂપિયા જેટલો ટેક્સ ભરવો પડે છે. જો નગરપાલિકા રિવરફ્રન્ટની જાળવણીનો ખર્ચ ઉઠાવે, તો આ ટેક્સ વધીને 2500 રૂપિયા સુધી પહોંચી શકે છે. 400 જેટલા પરિવારો બેઘર થયા છે. સાવજ ડેરીના ચેરમેને પૂર્વ મંત્રી અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા પર નામ લીધા વિના રિવરફ્રન્ટમાં ભ્રષ્ટાચાર કર્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
સરપંચ બન્યા
ખેડૂત પુત્ર અરવિંદ લાડાણી 36 વર્ષથી રાજકારણમાં છે. લાડાણી બે વખતથી જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. જિલ્લા પંચાયતની મટીયાણા બેઠકના કાર્યકારી સભ્ય અને ત્રણ ટર્મ સુધી તાલુકા સંઘના પ્રમુખ હતા. લાડાણી 1989માં કોડવાવ ગામના સરપંચ બન્યા હતા. ત્યારથી ગામમાં પોતાના જૂથના સરપંચ બને છે. આ ઉપરાંત માણાવદર તાલુકા ખરીદ-વેચાણ સંઘમાં બે વખત પ્રમુખ રહી ચૂક્યા છે. વર્ષ 1995થી તેમના કોડવાવ ગામની સહકારી મંડળી અને કેળવણી મંડળ કોડવાવના પ્રમુખ છે. તેમણે સમાજસેવા કરવા માટે આજસુધી લગ્ન નથી કર્યા.
વ્યક્તિત્વ
લાડાણી માણાવદરમાં લોકપ્રિય છે. ખેડૂતોના અનેક પ્રશ્નો, જેવા કે પાક વીમો, ટપક સિંચાઈ સહાય અંગે સરકાર સામે લડતાં રહ્યાં છે. વર્ષ 1997થી કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરતા હતા. તેમની સામે એક પણ ગુનો નોંધાયેલો નથી. સાવ સાદા પેન્ટ-શર્ટમાં ફરે છે. બે હાથ પાછળ રાખીને જનતાને સંબોધન કરે છે. સરપંચથી લઈ ધારાસભ્ય પદ સુધી પહોંચનારા છે.
જન્મ 7 જાન્યુઆરી 1962ના રોજ માણાવદર તાલુકાના કોડવાવ ગામમાં થયો હતો. પરિવારમાં ભાઈ-ભાભી અને માતા છે. રાજકોટમાંથી એસ.વાય.બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો હતો. લગ્ન ન કરવા એ મારી અંગત વાત છે, પરંતુ મેં સમાજસેવાને કારણે લગ્ન કર્યા નથી. ફોર-વ્હીલ નથી. પ્રચારમાં ફોર-વ્હીલ આવી જાય છે. રાજકીય ગુરુ કોઈ નથી. તેમના કોઈ આદર્શ નથી. ભાજપથી લોકો સંપૂર્ણપણે કંટાળી ગયા તેથી તેઓ જીત્યા હતા.
આ પણ વાંચો:
Ahmedabad: BRTS કોરિડોરમાં કાર, ટુ વ્હીલર વચ્ચે ભયંકર અકસ્માત, બે લોકોના દર્દનાક મોત
UP: પીધેલી પત્નીએ મચાવ્યો હોબાળો, પતિના વાળ પકડીને કર્યા બેહાલ, વીડિયો વાયરલ
Surat: ભૂવાએ મહિલા પર ચાલુ બસમાં દુષ્કર્મ આચર્યું, પિતૃદોષ દૂર કરાવવા જવું મોંઘુ પડ્યુ, જાણો