
BJP MP Mansukh Vasava Corruption Allegation: રાજ્યમાં નવા નક્કોર રોડ બની જાય છે અને તકલાદી કામને લઈ થોડા જ સમયમાં તૂટી પણ જાય છે અને પછી સર્જાય છે ખાડાઓનું સામ્રાજ્ય. સમગ્ર રાજ્યમાં હાલ ઉબડ ખાબડ રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ માટે સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી રહયા છે ત્યારે પ્રજાએ ભરેલા વેરાના રૂપિયામાંથી ભરૂચ જિલ્લામાં બનાવવામાં આવી રહેલા રોડમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું ખુદ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કરી છે.
તેઓ નેત્રગ અને ઝઘડીયા તાલુકાના લોકસંપર્ક પ્રવાસે ગયા હતા આ સમયે ત્યાં બનેલા રોડની સ્થળ તપાસ કરતા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું જણાયું હતું અને બાદમાં રોડ બનાવનારા કોન્ટ્રાકટરે પણ કબૂલાત કરતા સાંસદ મનુસખ વસાવાએ જણાવ્યું કે, રાજકીય વગ ધરાવનારા લોકો કોન્ટ્રાકટર બની ગયા છે અને તેઓ જ ભ્રષ્ટાચાર આચરી રહયા છે.
તેઓએ એમ પણ કહ્યું કે તેઓ પોતે સરકારના વિરોધી નથી પરંતુ સરકારી પૈસાથી જે હલકુ કામ થાય છે તેનો વિરોધ કરી રહયા છે. આ રોડમાં બે મહિનામાં જ તિરાડ પડી જાય તેવુ કામ આ કોન્ટ્રાકટરે કર્યું છે જેણે ભરૂચમાં પેટા કોન્ટ્રાક્ટ આપ્યો છે. અહીં ડામરને બદલે તે કોન્ટ્રાકટરોએ ઓઈલનો ઉપયોગ કર્યો હોવાનું ખુલ્યું છે. જવાબદાર અધિકારીઓએ પણ સ્થળ તપાસ કરી છે પણ પેટા કોન્ટ્રાકટર સામે પગલાં લઈ શકાય તેમ નહી હોવાથી સંબધિત વિભાગના ઈજનેર સામે પગલા ભરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે આખાય રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં રોડ રસ્તા ધોવાયા છે. રસ્તામાં ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એકથી બીજા સ્થળે જતાં આંખે પાણી આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. આ વખતે પણ ચોમાસાએ રસ્તાની કેટલી મજબૂતાઈ છે તેની પોલ ઉઘાડી કરી દીધી છે. અત્યારે ખાડાખબડા વાળા રોડને લીધે જ સરકાર પર માછલાં ધોવાઈ રહ્યાં છે.
આ અગાઉ પણ પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ સરકાર પર નિશાન તાકતાં કહ્યું કે, ‘એક રૂપિયાનો ખર્ચ દેખાડાય છે પણ કામ તો માત્ર 30 પૈસાનું જ થાય છે. આ પરથી કેટલી હદે ખાયકી કરવામાં આવી રહી છે તેનો અંદાજ આવી શકે તેમ છે તેમ કહી તેઓએ પણ પોલ ખોલી હતી હવે મનસુખ વસાવા કહી રહ્યા છે ભાજપના રાજમાં રાજકીય વગ ધરાવતા કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર આચરી રહયા છે આમ હવે એક પછી એક ભાજપના સાંસદ, ધારાસભ્ય,નેતાઓ હવે ખુલીને સરકાર સામે નિવેદનબાજી કરતાં થયા હોવાનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે.
આ પણ વાંચો:
Bihar NDA Manifesto: બિહારમાં NDAનો ચૂંટણી ઢંઢેરો, જુઓ શું આપ્યા વચનો!
BJP માં અસંતોષ, જૂથવાદ અવિશ્વાસ, ગેરવહીવટ, ભ્રષ્ટાચાર વકર્યો!, હવે ચલાલા ભાજપમાં થયો નવો ડખ્ખો









