
Gujarat Congress: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મહત્વપૂર્ણ સંગઠનાત્મક ફેરફારો કરવામાં આવ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડે લાંબા સમયથી ચાલતી અટકળોને વિરામ આપતા આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે યુવા નેતા તુષાર ચૌધરીને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂકો 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે. અમિત ચાવડા, જેઓ અગાઉ 2018થી 2021 દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, તેમને બીજી વખત પ્રદેશ પ્રમુખની કમાન સોંપવામા આવી છે.
અમિત ચાવડા નવા પ્રદેશ પ્રમુખ, તુષાર ચૌધરી વિધાનસભામાં વિપક્ષના નેતા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મોટા સંગઠનાત્મક ફેરફારોની જાહેરાત સાથે રાજ્યના રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. કોંગ્રેસ હાઈકમાન્ડે શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે તુષાર ચૌધરીને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિર્ણયો 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રખાતા પક્ષની રણનીતિને વધુ મજબૂત કરવાના હેતુથી લેવાયા છે.
ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનવા બદલ શ્રી @AmitChavdaINC જી ને ખૂબ ખુબ અભિનંદન
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનવા બદલ @TusharAmarsinh1 જી ને ખૂબ ખુબ અભિનંદન.#Mission2027 pic.twitter.com/wGKuPX0LZc
— Gujarat Congress (@INCGujarat) July 17, 2025
અમિત ચાવડાનું પુનરાગમન
અમિત ચાવડા, જેઓ આંકલાવના ધારાસભ્ય અને 2018-2021 દરમિયાન પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, તેમની બીજી ટર્મમાં પક્ષને નવું જોમ આપવાની અપેક્ષા છે. ચાવડા ગ્રામીણ સ્તરે કાર્યકરો સાથે મજબૂત જોડાણ ધરાવે છે અને ગુજરાતના રાજકારણમાં તેમનો ઊંડો અનુભવ છે. તેમના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ જનતાના મુદ્દાઓને આક્રમક રીતે ઉઠાવીને સંગઠનને વધુ ગતિશીલ બનાવવાની યોજના ધરાવે છે.
તુષાર ચૌધરી: યુવા નેતૃત્વની નવી શરૂઆત
યુવા નેતા તુષાર ચૌધરીને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચૌધરીની નિમણૂકથી વિધાનસભામાં કોંગ્રેસની રણનીતિને નવી દિશા અને આક્રમકતા મળવાની આશા છે. તેઓ સરકારને જનહિતના મુદ્દાઓ પર ઘેરવા અને વિપક્ષ તરીકે અસરકારક ભૂમિકા ભજવવા માટે જાણીતા છે.
શું કોંગ્રેસને નારાજગીનો સામનો કરવો પડશે ?
નોંધનીય છે કે, ચાવડા પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના નજીકના સંબંધી છે. પ્રદેશ પ્રમુખની રેસમાં ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ પણ હતા, પરંતુ હાઈકમાન્ડે ચાવડા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બીજી તરફ પાટીદારોએ પણ તેમના નેતામાંથી કોઈને પ્રદેશ પ્રમુખ બનાવવાની માંગ કરી હતી. જો કે, તેમની માંગ સ્વીકારવામાં આવી નથી જેથી નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત બાદ પાટીદારોમાં કોંગ્રસ પ્રત્યે નારાજગી જોવા મળી શકે છે.
