
Gujarat: ગુજરાતમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોનો પાયમાલ થઈ ગયા છે અંદાજે 10 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેતીમાં મોટાપાયે નુકશાન થયું છે આવા મુશ્કેલ સમયમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પાકના નુકસાનનો સર્વે 7 દિવસમાં પૂર્ણ કરી તત્કાળ સહાય આપવાની જાહેરાત કરી હતી પણ કૃષિ વિભાગ કઈક અલગ જ કહી રહ્યો છે.
કૃષિ વિભાગે એક પરિપત્ર બહાર પાડી 20 દિવસમાં નુકસાનનો સર્વે પૂર્ણ કરવાની વાત કરે છે ત્યારે સવાલ એ ઉભો થયો છે કે મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સાચા કે પછી કૃષિ વિભાગ સાચો કારણકે બન્ને વાતો વિરોધાભાસી છે આ વાતથી પડ્યા ઉપર પાટુ ની જેમ ખેડૂતોને પોતાની સાથે મજાક કરવામાં આવી રહ્યાની લાગણી પ્રવર્તી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લીધે મોટાપાયે ખેતીને નુકશાન પહોચ્યું છે, ત્યારે ખેડૂતો હવે કૃષિ પેકેજના સહાય પર આશા રાખીને બેઠાં છે આવા સમયે જ્યાં સુધી પાક નુકશાનીનો સર્વે ન થાય ત્યાં સુધી ખેડૂતોને કેટલું વળતર આપવું તે નક્કી થઈ શકે નહીં પરિણામે ખેડૂતોમાં અસંતોષ અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે.
કારણકે કૃષિમંત્રીએ તો સાત દિવસમાં નુકશાનીનો સર્વે થઇ જશે તેવી જાહેરાત કરી છે પણ હવે કૃષિ વિભાગે પરિપત્ર કરી ખેતીવાડી અધિકારીઓને સૂચના આપી છે કે, સેટેલાઈટ ઈમેજથી સર્વે કરી ખેતી નિયામકોએ 12 દિવસમાં જિલ્લા વહીવટી તંત્રને નુકશાનીની માહિતી મોકલવાની રહેશે.
આ ઉપરાંત ડીજીટલ સર્વે અને સેટેલાઈટ ઈમેજ સરખાવીને સર્વે નંબર સાથે નુકશાનીની વિગતો સાત દિવસમાં જિલ્લા કલેક્ટરોને મોકલવાની રહેશે. ખેતી નિયામકોને એ પણ સૂચના અપાઈ છે કે,15 દિવસમાં સર્વે પૂર્ણ કરી સહાય માટે 15 દિવસમાં સરકારમાં દરખાસ્ત રજૂ કરવી. આ સંજોગોમાં સરકારની મોખિક અને પરિપત્રને લઈને વિસંગતતા સર્જાઈ છે જેથી ખેડૂતોમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. આ વાતથી સાબિત થાય છે કે પાક નુકશાનીનુ વળતર ખેડૂતોને હજુ મળવાનું નથી.
બીજી તરફ કિસાન કોંગ્રેસે આક્ષેપ કર્યાં છે કે, બે મોઢાની વાતો કરી ખુદ સરકાર જ ખેડૂતોની મજાક કરી રહી છે. એવો પણ સવાલ ઊઠાવાયો છે કે, ખુદ ભાજપના ધારાસભ્ય, સાંસદ જ નહીં, કેબિનેટ મંત્રીએ પણ રૂબરૂ જઈને ખેત નુકશાનનુ સર્વે કર્યું હોય તો પણ કેમ માન્ય રખાતુ નથી?. ઉપરાંત જ્યારે 5થી માંડીને 15 ઇંચ વરસાદ પડયો હોય ત્યાં સર્વે કરવાની ક્યાં જરૂરજ છે. જો મગફળીને ટેકાના ભાવે ખરીદી કરાય તો ખેડૂતોને મદદ થઈ શકે તેમ છે.
છેલ્લી સાતેક સીઝનમાં ખેડૂતો કુદરતી મારનો ભોગ બન્યા છે તો પાક ધિરાણ માફ કરવા માંગ ઉઠી છે.
■ નેતાઓની જાહેરાત છતાં કૃષિ વિભાગે જે પરિપત્ર બહાર પાડ્યો છે તેમાં નીચે મુજબ નિયમો જણાવાયા છે.
●સેટેલાઈટ ઈમેજથી સર્વે કર્યા બાદ 12 દિવસમાં જિલ્લા વહીવટી તંત્રને માહિતી મોકલવાની રહેશે.
●ડીજીટલ સર્વે અને સેટેલાઈટ ઈમેજ સરખાવી 7 દિવસમાં જિલ્લા કલેક્ટરોને વિગતો મોકલવાની રહેશે.
●ખેતી નિયામકોએ 15 દિવસમાં સર્વે પૂર્ણ કરી સહાય માટે સરકારમાં દરખાસ્ત રજૂ કરવાની રહેશે.
●વીસીઈ-સર્વેયરની મદદથી નુકશાનીનું સર્વે કરવાનું રહેશે.
●જો વીસીઈ-સર્વેયર ન મળે તે ધો.10 પાસ યુવકોની મદદ લઈ નુકશાનીની વિગતો મેળવવાની રહેશે.
●પાક નુકશાનીનો સર્વે 20 દિવસમાં પૂર્ણ કરવાનો રહેશે.
આમ,નેતાઓ 7 દિવસ કહે છે જ્યારે કૃષિ વિભાગ 20 દિવસ કહે છે જે સંકલનનો અભાવ દર્શાવે છે પરિણામે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
સર્વેમાં મગફળીમાં નુકસાની ન દેખાય તો ટેકાના ભાવે ખરીદવી જોઇએ તેવી માંગ સામે પણ એવી ચર્ચા છે કે ગ્રામસેવકોને એવી મૌખિક સૂચના અપાઈ છે કે, મગફળીના દાણા ખરાબ જણાય તો જ નુકસાની ગણાશે. ખેડૂતોનુ ઓછુ નુકશાન થયુ છે તેવું દેખાડવા સરકારે કડક શરતો લાગુ કરતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીમાં થયેલા વ્યાપક નુકસાનને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વની બેઠક મળી હતી. બેઠકમાં પાક નુકસાનીના સર્વે અને ખેડૂતોને તાત્કાલિક સહાય આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીએ તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે કરવા આદેશ આપ્યો હતો અને આ કામગીરી 7 દિવસમાં પૂર્ણ કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી. આ સાથે ખેડૂતો આર્થિક રીતે પગભર થાય તે માટે સરકાર સકારાત્મક નિર્ણય લેવાની તૈયારીમાં હોવાનું જણાવ્યું હતું પણ બીજી તરફ પરિપત્ર કઈક જુદુજ કહી રહ્યો છે ત્યારે આ 7 દિવસ અને 20 દિવસના અંતરે ભારે ચર્ચા જગાવી છે અને સરકાર જાણે મજાક કરી રહી હોય તેવું જગતના તાત ને લાગી રહ્યું છે.
આ પણ વાંચો:
Bihar NDA Manifesto: બિહારમાં NDAનો ચૂંટણી ઢંઢેરો, જુઓ શું આપ્યા વચનો!
BJP માં અસંતોષ, જૂથવાદ અવિશ્વાસ, ગેરવહીવટ, ભ્રષ્ટાચાર વકર્યો!, હવે ચલાલા ભાજપમાં થયો નવો ડખ્ખો









