
Gujarat News: આખરે ગુજરાતમાં વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા પોતાની 20 માંગણીઓ માટે સરકાર સામે ચાલતા આંદોલનનો અંત આવ્યો છે, સરકારે નમતુ જોખતા ચોથા દિવસે અચોક્કસ મુદતની હડતાળ સમેટાઈ ગઈ છે.
રેશન સંચાલકો વતી ફેર પ્રાઈઝ એસોસિએશને કેબિનેટ મંત્રી સાથે જ મંત્રણા કરવાનો આગ્રહ રાખ્યો હતો જે પૂર્ણ કરાયો હતો અને અન્ન પુરવઠા વિભાગે દુકાનદારોની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લેતાં મામલો થાળે પડતા હવે આવતીકાલથી ગુજરાતમાં વાજબી ભાવની દુકાનોમાં રાબેતા મુજબ અનાજ વિતરણ શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કમિશનમાં વધારો, ૨૫ ટકા સુધી જથ્થાની ફાળવણી,પરિપત્રમાં સુધારા સહિત વિવિધ ૨૦ પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતા રેશન ડિલરોએ આંદોલનનું શસ્ત્ર ઉગામતા છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં ખાસ કરીને ગરીબ-મધ્યમ વર્ગના કાર્ડધારકો ખાંડ-અનાજથી વંચિત રહ્યા હતા. ત્રણ ત્રણ વખત મંત્રણા કર્યા પછી પણ રેશન ડિલરો પોતાની માંગ ઉપર અડગ રહયા હતા.
એક સમયે અન્ન પુરવઠા વિભાગના અધિકારીએ દુકાનદારોને જૂના પડતર કેસ ખોલવાની ધમકી આપતા વિવાદ વધુ વકર્યો હતો ઉપરથી સરકારે અનાજ વિતરણથી અળગા રહેલાં દુકાનદારો વિરુધ્ધ કાર્યવાહી કરવા ચિમકી પણ ઉચ્ચારી હતી. આમ છતાં રેશન ડિલરોએ એકસંપ થઈ અનાજનો જથ્થો ઉપાડવા ચલણ ભર્યુ ન હતું પરિણામે આંદોલન વધુ આગળ વધ્યુ હતુ,પરિણામે સરકારે નમતું જોખી રેશન ડિલરોની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લેતા મામલો થાળે પડ્યો છે અને આંદોલન સમેટાઈ ગયું છે.
હવેથી દુકાનદારોને રૂ. 20 હજાર ના બદલે રૂ. 30 હજાર કમિશન મળશે ઉપરાંત બોરી દીઠ રૂ. 1.50ને બદલે રૂ. 3 કમિશન ચૂકવવામાં આવશે. તકેદારી સમિતીની હાજરીમાં દુકાન પર અનાજનો જથ્થો ઉતારવાનો પરિપત્ર અન્ન પુરવઠા વિભાગે દુકાનદારોની જીદને પગલે રદ કરવો પડ્યો છે.
હવે માત્ર બે સભ્યોની હાજરીમાં અનાજનો જથ્થો ઉતારવામાં આવશે. છેલ્લાં ઘણાં વખતથી સર્વરના ધાંધિયા ચાલી રહ્યાં છે તેના પણ ટેકનીકલ ઉકેલને લઈને ચર્ચા કરાઈ હતી. અન્ય માંગણીઓને પણ સરકાર હકારાત્મક રીતે ઉકેલ લાવવા ખાતરી આપી છે.
આમ, રેશન ડીલરોનું આંદોલન સમેટાતા રાજ્યના લાખો ગરીબ પરિવારોને હવે કાલથી અનાજનો જથ્થો નિયમિત રીતે મળતો થશે.
આ પણ વાંચો:
Dev Deepavali: આજે દેવ દિવાળી, જાણો દિવાળી-દેવ દિવાળી વચ્ચેનો તફાવત?
Bihar: સીતામઢીના ભાજપ ઉમેદવાર સુનીલ કુમારનો અશ્લીલતા કરતો વીડિયો વાયરલ!, પછી શું કર્યો ખૂલાસો?








