
Gujarat Heavy Rain: ગુજરાતમાં ગઈકાલ 6 સપ્ટેમ્બરની સાંજથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં એકધારો અને ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદે નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો કર્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી સરેરાશ 34.72 ઈંચ સાથે સિઝનનો 100% વરસાદ પડી ચૂક્યો છે.
ભારતીય હવામાન વિભાગે આજે 7 સપ્ટેમ્બરના રોજ, કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, મહિસાગર, ખેડા, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, પંચમહાલ, આણંદ, દાહોદ, ભરુચ, સુરત, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યનું વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં છે અને પૂરની સંભવિત અસરથી બચવા માટે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સાબરમતીમાં પાણીની ભયજનક સ્થિતિ
Ahmedabad: ભારે વરસાદના કારણએ રિવરફ્રન્ટ પાણીમાં pic.twitter.com/qoNN5dfsZz
— The Gujarat Report (@TGujarat_Report) September 7, 2025
અમદાવાદ શહેરમાં 6 સપ્ટેમ્બરની મોડી રાતથી એકધારો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. સાબરમતી નદી પર સ્થિત વાસણા બેરજથી 32,410 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે, જેના માટે બેરજના કુલ 27 ગેટ ખોલવામાં આવ્યા છે. આ પગલાંથી નદીના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને પૂરના જોખમથી બચાવવા માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. સંબંધિત સત્તાધિકારીઓને નદીના જળસ્તર પર સતત નજર રાખવા અને નજીકના ગામોને અગાઉથી ચેતવણી આપવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, નદીના કાંઠે આવેલા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે.
બોપલમાં દીવાલ ધરાશાયી
અમદાવાદના બોપલ વિસ્તારમાં ઇસ્કોન ગાંઠિયા નજીક આવેલી સરસ્વતી હોસ્પિટલના પાર્કિંગની દીવાલ ભારે વરસાદને કારણે ધરાશાયી થઈ ગઈ છે. આ ઘટનામાં પાર્કિંગમાં રહેલી ત્રણ ગાડીઓ બાજુમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટની જગ્યામાં પડી ગઈ હતી. આ કન્સ્ટ્રક્શન સાઇટ પર ભોયરાનું કામ ચાલી રહ્યું હતું, જેના કારણે દીવાલનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને નુકસાનની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ગાડીઓમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે. આ ઘટનાએ શહેરના નિર્માણ સ્થળો પર સલામતીના ધોરણોની ચકાસણીની જરૂરિયાતને ઉજાગર કરી છે, ખાસ કરીને ભારે વરસાદની સ્થિતિમાં.
રાજ્યમાં વહીવટી તૈયારીઓ
ગઈકાલે, 6 સપ્ટેમ્બરે, ગાંધીનગરમાં મુખ્ય સચિવ પંકજ જોષીના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિવિધ જિલ્લાના કલેક્ટરોને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી હતી. મુખ્ય સચિવે રાજ્યના ડેમોના જળસ્તર અને વરસાદી પાણીની આવકની વિગતવાર માહિતી મેળવી હતી. જરૂર પડે તો ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોના ગામોને અગાઉથી ચેતવણી આપવા જણાવાયું હતું.
આ ઉપરાંત, આજે યોજાનારી GPSCની પરીક્ષાને ધ્યાનમાં રાખીને પરીક્ષા કેન્દ્રો ખાતે પણ વિશેષ તકેદારી રાખવા જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. પરીક્ષાર્થીઓને કોઈ અગવડ ન પડે અને પરીક્ષા કેન્દ્રો સુરક્ષિત રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે રાજ્યમાં 12 NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને 20 SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે વડોદરા ખાતે એક NDRF ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.
બનાસકાંઠા- થરાદમાં જળબંબાકાર
બનાસકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે દાંતીવાડા ડેમમાં પાણીની આવક નોંધપાત્ર રીતે વધી છે. હાલમાં ડેમમાં 27,427 ક્યુસેક પાણીની આવક યથાવત છે, અને જળસપાટી 588.95 ફૂટે પહોંચી ગઈ છે. ડેમની ભયજનક સપાટી 604 ફૂટ નિર્ધારિત છે, અને હાલનો જળસંગ્રહ 60.25 ટકા સુધી પહોંચ્યો છે. જળસંપત્તિ વિભાગના અધિકારીઓ દ્વારા ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઉપરવાસમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં પણ પાણીની આવક જળવાઈ રહે તેવી શક્યતા છે.
થરાદ શહેરમાં ગઈકાલથી ભારે વરસાદને કારણે રાજગઢ, આશાપુરા વાસ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણીના નિકાલ માટે થરાદ નગરપાલિકાની ટીમ તાત્કાલિક કામે લાગી ગઈ છે. નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે ડ્રેનેજ સિસ્ટમની સફાઈ અને પાણીના પ્રવાહને નિયંત્રિત કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદીની સ્થિતિ
વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળસપાટી 21.52 ફૂટે પહોંચી છે, જે ભયજનક સપાટી 26 ફૂટથી ચાર ફૂટથી વધુ નીચે છે. આજવા ડેમની સપાટી 212.87 ફૂટ નોંધાઈ છે. સત્તાધિકારીઓ દ્વારા નદીના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે, અને જરૂર પડે તો વધુ પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો:
Gujarat Rain Forecast: ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો કયાં બગડશે સ્થિતિ?
UP: પુત્રના ગળા પર છરી મૂકી માતાના કપડાં કઢાવી વીડિયો બનાવ્યો, દૂધવાળોએ પછી મહિલાને…
Maharashtra: મહિલા IPS નાયબ CM સામે પડી તો દસ્તાવેજો તપાસવા માંગ, IPSનો શું છે વાંક?
Bihar: ‘મુદિયા કે માઈ કો ગાલી દિયા હૈ, યહી ઝંડે સે મારેગે ભાજપાવાલો કો’, ભાજપનો પડ્યો ઉલટો દાવ
Mahisagar: હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ડૂબેલા 5 લોકોનો હજુ પત્તો નહીં, પરિવારો ચિંતામાં









