
Gujarat News: ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની આસપાસ આવેલા 11 ગામોને હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી (HUDA)માં સમાવવાના સરકારના નિર્ણયનો ભારે વિરોધ શરૂ થયો છે અને નેતાઓને આ ગામોમાં આવવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે લોકોમાં નેતાઓ ઉપર ખૂબજ ગુસ્સો જોવા મળી રહ્યો છે.લોકોમાં રાજ્ય સરકાર અને સ્થાનિક નેતાઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
હિંમતનગરના કાંકણોલ ખાતે ગઈકાલે ખેડૂત મહાપંચાયતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તેમાં ભારે આક્રોશ જોવા મળ્યો અને આગામી ચુંટણીઓ દરમિયાન આ મુદ્દો સરકારને ભારે પડવાનો છે તેવું લાગી રહ્યું છે. હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (હૂડા)ના નોટિફિકેશન સામે કાંકણોલમાં ચાલુ વરસાદે મળેલી સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી એકતા દર્શાવી ‘હૂડા હટાવો – જમીન બચાવો’ના નારા ગુંજતા રહ્યા.
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની આસપાસ આવેલા 11 ગામોને હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી (HUDA)માં સમાવવાના સરકારના નિર્ણયનો ભારે વિરોધ શરૂ થયો છે અને નેતાઓને આ ગામોમાં આવવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે લોકોમાં નેતાઓ ઉપર ખૂબજ ગુસ્સો જોવા મળી રહ્યો છે ગામમાં પ્રવેશ કરો તો સામેજ બોર્ડ મરેલા નજરે પડી રહયા છે જેમાં” HUDAને સમર્થન કરતા કોઈ રાજકીય નેતાએ અમારા 11 ગામમાં પ્રવેશ કરવો નહીં”ના બોર્ડ લગાવવામાં આવ્યાં છે.
હવે, જેનો વિરોધ થઈ રહ્યો છે તે HUDA એટલે શું?તે જાણીએ
HUDA એટલે (Himatnagar Urban Development Authority) જેમકે અમદાવાદમાં AUDA છે. ગાંધીનગરમાં GUDA, વડોદરામાં VUDA, સુરતમાં SUDA, રાજકોટમાં RUDA છે એવી જ રીતે હિંમતનગરમાં HUDA બનવા જઈ રહ્યું છે, જેનો હિંમતનગરના લોકો વિરોધ કરી રહ્યા છે.
urban development authority એટલે (શહેરી વિકાસ સત્તામંડળ) જે ભારતનાં શહેરોમાં રસ્તા, ગટર, લાઈટ વગેરેનો વિકાસ કરે છે. સત્તામંડળના અધિકારીઓ નગર આયોજન પ્રવૃત્તિઓમાં રાજ્ય સરકારો સાથે કામ કરે છે.
હવે જાણીએ કે UDAની મુખ્યત્વે શુ કામગીરી હોય છે?
◆શહેરી વસાહતોની રહેઠાણની જરૂરિયાતો પૂરી કરવી
◆પીવાના પાણીની સમસ્યાઓનું નિરાકરણ લાવવું
◆સ્વચ્છતાને લગતી સમસ્યાઓનું નિરાકરણ લાવવું
◆શહેરી વિકાસ માટે સરકારની યોજનાઓ અમલમાં મુકી તેનો શહેરીજનોને લાભ આપવો
હવે, આ રીતે શહેરનો વિકાસ થતો હોય તો આ વિરોધ શું કામ થઈ રહ્યો છે ? જોકે,તેના ઘણાં કારણો પૈકીનું સૌથી મોટું કારણ છે જે-તે ખેડૂતની 100 ટકા જમીનમાંથી 40 ટકા જમીન પોતાની સહમતીથી UDAને સોંપી દેવી અને એનું કોઈ વળતર પણ નહીં, કારણ કે એમાં વળતરની કોઈ જોગવાઈ નથી,તેની સામે હિંમતનગરના ખેડૂતો અને નાગરિકો વિરોધ કરી રહ્યા છે કારણકે પેઢીઓથી વારસામાં મળેલી જમીનો મફતમાં જતી રહે તો પછી કરવું શું?
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પણ UDA બન્યા અને જમીનો ગઈ પણ બીજી તરફ જમીનમાલિકોને તેમની 40 ટકા જમીન કપાતમાં જતી રહયા બાદ પણ 60 ટકા બચી ગયેલી જમીનના ભાવો વધતા તેઓને 100 ટકા કરતાં પણ વધારે રૂપિયા મળ્યા છે, એટલે બધું સરભર થઈ જતા વિરોધ થયો નથી, પરંતુ અહીં હિંમતનગરમાં મોટા ભાગના લોકોનું જીવન ખેતી અને પશુપાલન પર નભે છે અને જો જમીન જતી રહે તો તેમની આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય તેમ છે.
આમ,ઠેરઠેર HUDA નો 11 ગામના લોકો છેલ્લા 45 દિવસ કરતાં વધારે સમયથી અલગ-અલગ પ્રકારે વિરોધ કરી રહ્યા છે.અગાઉ “HUDAના બેસણા”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ HUDAના છાજિયાં લીધાં હતાં. તેમજ પુરુષો માથે ખેસ બાંધીને ખરખરો કરવા આવ્યા હતા.
દરમિયાન હૂડા હટાવો સંકલન સમિતિએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 130થી વધુ ગામોએ આ વિરોધને ખુલ્લું સમર્થન આપ્યું છે.શરૂઆત અગિયાર ગામોથી થઈ હતી, પરંતુ હવે આ લડત જિલ્લાવ્યાપી બની ગઈ છે. સંકલન સમિતિએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો 15 દિવસની અંદર હૂડા નોટિફિકેશન રદ ન કરવામાં આવેતો આગળ પણ આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે.
આગેવાનોએ રાજ્ય સરકાર અને સ્થાનિક નેતાઓ સામે પણ અણગમો જાહેર કરતા જણાવ્યું કે, “જમીન અમારું જીવન છે, અને તેને બચાવવા માટે અમે છેવટ સુધી ન્યાયની લડત માટે તૈયાર છીએ.”
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 2015માં પણ HUDAની કામગીરી શરૂ થતાં હિંમતનગરનાં ઘણાં ગામડાંમાં વિરોધ શરૂ થયો હતો અને વિરોધ વ્યાપક બનતા 2015માં HUDA સ્થગિત કરવું પડ્યુ હતુ ત્યારે મનાતું હતું કે હવે HUDA રદ થઈ ગયું છે, પણ હવે ફરીથી 2025માં HUDA ફરી લાગુ કરવાની કવાયત શરૂ થતાં વિરોધ વંટોળ શરૂ થયો છે જે ગામોગામ પ્રસર્યો છે અને તમામ એકજ વાત ઉપર અડગ છે ‘અમારે અમારી જમીન ગુમાવીને વિકાસ નથી જોઈતો અમને જીવવા દો!’ત્યારે આગામી સમયમાં સરકાર શુ પગલાં ભરે છે તેની સામે સૌની મીટ મંડાઈ છે.
આ પણ વાંચો:
Vadodara: પંચામૃત રેસિડેન્સીના પાર્કિંગમાં મગરની એન્ટ્રી, રાત્રે મચ્યો હડકંપ
Busuness: વર્ષ 2025માં સોનું મોંઘુ થતાં ખરીદી ઘટી; માંગમાં 16 ટકા ઘટાડો નોંધાયો!
Andhra Pradesh: આંધ્રપ્રદેશના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ,10 લોકોના મોત, અનેક ઘાયલ
Gujarat news: ગુજરાતના બે સ્મશાનગૃહોની હૃદયવિદારક તસવીરો, ગોદડા બાળી- પતરું રાખી કરવી પડી અંતિમ વિધિ








